માલે45 મિનિટ પેહલા
- કૉપી લિંક
મોહમ્મદ મુઈઝ્ઝુએ પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. તેઓ નવેમ્બર 2023માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. (ફાઈલ)
ભારતે માલદીવ્સમાં રહેલા પોતાના સૈનિકોને પરત બોલાવવાનું શરૂ કરી દીધું છે. માલદીવ્સના મીડિયા મિહારુ અખબાર મુજબ, અદ્દુ આઈલેન્ડ પરથી 25 ભારતીય સૈનિકો અત્યાર સુધીમાં દેશ છોડી ચૂક્યા છે. મિહારુએ પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે માલદીવ્સ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF)એ તેમને આ અંગે જાણકારી આપી છે.
જો કે, ભારત અથવા માલદીવ્સ દ્વારા હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ પહેલા 29 મેના રોજ માલદીવ્સમાં ભારતીય સૈનિકોને બદલવા માટે 26 ટેકનિકલ કર્મચારીઓની પ્રથમ બેચ માલદીવ્સ પહોંચી હતી.
આ તસવીર માલદીવ્સમાં રહેલા ભારતીય હેલિકોપ્ટરની છે. હાલમાં 88 ભારતીય સૈનિકો તેને ઓપરેટ કરવા માટે માલદીવ્સમાં હાજર છે.
માલદીવ્સમાં ભારતીય હેલિકોપ્ટર પર મુઈઝ્ઝુની સેનાનો કન્ટ્રોલ રહેશે
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી. ભારત અને માલદીવ્સ વચ્ચે થયેલા કરાર હેઠળ ભારતીય સૈનિકો 10 મે સુધીમાં દેશ પરત ફરશે. MNDFએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે માલદીવ્સમાં રહેલા ભારતીય હેલિકોપ્ટર પર માલદીવ્સની સેનાનો કન્ટ્રોલ રહેશે.
હેલિકોપ્ટરને ઓપરેટ કરનાર ક્રૂ માલદીવ્સના સંરક્ષણ મંત્રાલયના નેતૃત્વમાં પણ કામ કરશે. જ્યારે રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ કહ્યું હતું કે 10 મે પછી માલદીવ્સમાં કોઈ ભારતીય સૈનિક રહેશે નહીં.
રાષ્ટ્રપતિના જણાવ્યા અનુસાર, કેટલાક લોકો દેશમાં અફવા ફેલાવી રહ્યા છે કે ભારતીય સૈનિકો દેશ છોડી રહ્યા નથી, તેઓ ટેક્નિકલ સ્ટાફના બહાને ફક્ત તેમનો યુનિફોર્મ બદલીને સાદા કપડામાં પરત ફરી રહ્યા છે. આ અફવાઓનું ખંડન કરતા મુઈઝ્ઝુએ કહ્યું- ‘ભારતીય સૈનિકો યુનિફોર્મ કે સાદા કપડામાં પણ દેશમાં રહેશે નહીં. હું આ વાત પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું.
માલદીવ્સમાં ભારતીય સૈનિકો શું કરી રહ્યા છે?
માલદીવ્સમાં લગભગ 88 ભારતીય સૈનિકો છે. તેઓ બે હેલિકોપ્ટર અને એક એરક્રાફ્ટને ઓપરેટ કરે છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ બચાવ અથવા સરકારી કામોમાં થાય છે. ભારતીય હેલિકોપ્ટર અને વિમાન માલદીવ્સમાં માનવતાવાદી સહાય અને મેડિકલ ઈમરજન્સીમાં ત્યાંના લોકોને મદદ કરતા રહ્યા. આ ઓપરેશનને સંભાળવા માટે જ ટેકનિકલ સ્ટાફ મોકલવામાં આવ્યો છે.
ભારતે 2010 અને 2013માં માલદીવ્સને બે હેલિકોપ્ટર અને 2020માં એક નાનું એરક્રાફ્ટ ભેટમાં આપ્યું હતું. આ મામલે માલદીવ્સમાં ભારે હોબાળો થયો હતો. મુઈઝ્ઝુના નેતૃત્વમાં વિપક્ષે તત્કાલીન રાષ્ટ્રપતિ સોલિહ પર ‘ઈન્ડિયા ફર્સ્ટ’ નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો.
મુઈઝ્ઝુએ કહ્યું હતું- માલદીવના લોકોની ઈચ્છા છે કે ભારતીય સૈનિકો પાછા જતા રહે
જાન્યુઆરીની શરૂઆતમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુને ભારતની સૈન્ય હાજરીના મુદ્દે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ બાબતે મુઈઝ્ઝુએ જવાબ આપ્યો હતો – આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માલદીવ્સના લોકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ દેશમાં વિદેશી સૈનિકો રહે તેવુ નથી ઈચ્છતા.
હાલમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેના સૈનિકો અહીં રહેલા છે. માલદીવ્સના નાગરિકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેં ભારતને તેના સૈનિકો પાછા બોલાવી લેવા માટે કહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ ભારત માલદીવ્સની જનતાની ઈચ્છાઓનું સન્માન કરશે. હું માનું છું કે અમારા દ્વિપક્ષીય સંબંધો એટલા મજબૂત છે કે બંને દેશો આ મુદ્દાને વાતચીત દ્વારા ઉકેલશે.