15 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘ગરીબોનુ પ્રોટીન’ તરીકે ઓળખાતું સત્તુ અત્યાર સુધી બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને પંજાબના લોકોના આહારનો મહત્ત્વપૂર્ણ ભાગ હતો. પરંતુ પ્રોટીન પાઉડર પ્રત્યે યુવાનોના વધતા ક્રેઝને કારણે હવે સત્તુ દેશભરમાં લોકપ્રિય થઈ ગયું છે. સત્તુ કરિયાણાની દુકાનોથી લઈને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.
સત્તુ શું છે?
સત્તુ એ ચણા, જવ અથવા વટાણાને શેકીને બનાવવામાં આવતો આરોગ્યપ્રદ પાવડર છે અને તે ઝડપથી પ્રોટીન પાવડરનો વિકલ્પ બની રહ્યો છે. સત્તુ પરાઠા શિયાળામાં પસંદ કરવામાં આવે છે અને ઉનાળામાં તેને ઓગાળીને પીવામાં આવે છે. ઘણા યુવાનો હવે જીમ પછી પ્રોટીન પાવડરને બદલે સત્તુનું દ્રાવણ પીવા લાગ્યા છે.
સત્તુ સોલ્યુશનના ફાયદા
ઉનાળામાં સત્તુ પીવું ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં ઠંડક જાળવવાની સાથે તે પાચનતંત્રને પણ સુધારે છે. સત્તુનો સંપૂર્ણ લાભ મેળવવા માટે તેને ઓગાળીને સવારે ખાલી પેટે પીવો. તેમાં કાળું મીઠું નાખીને સત્તુને વધુ હેલ્ધી બનાવી શકાય છે. ઉનાળામાં રોજ સત્તુ પીવાથી ઠંડક અને તાજગીનો અહેસાસ થાય છે.
પ્રોટીન-આયર્ન-ફાઇબરનો સ્ત્રોત
સત્તુ ઝડપથી બજારમાં ઉપલબ્ધ પ્રોટીન પાવડરનો વિકલ્પ બની રહ્યો છે. આ એકમાત્ર પ્રોટીન પીણું છે જેમાં આયર્ન અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. બજારમાં મળતા પ્રોટીન પીણાંને પચાવવા માટે સલાડ કે ફળો સાથે ફાઈબરના રૂપમાં ખાવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ સત્તુ સાથે અલગથી ફાઈબર લેવાની જરૂર નથી, કારણ કે તે પોતે જ ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે.
એસિડિટી-કબજિયાતથી રાહત
જે લોકો કબજિયાત કે એસિડિટીથી પીડાય છે તેમના માટે સત્તુ ખૂબ જ ફાયદાકારક છે. સત્તુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોવાને કારણે પેટ સાફ થાય છે અને એસિડિટીની સમસ્યા થતી નથી.
ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે
સત્તુ એક આરોગ્યપ્રદ પીણું છે. સ્વાસ્થ્ય સુધારવાની સાથે તે સુંદરતામાં પણ વધારો કરે છે. સત્તુમાં હાજર પોષક તત્વો ત્વચાને પોષણ આપે છે અને તેની ચમક વધારે છે. વાળ ખરતા અટકાવે છે અને તેમને મજબૂત અને ચમકદાર બનાવે છે.
હૃદયને સ્વસ્થ રાખે
જ્યાં પહેલા હૃદય સંબંધિત બીમારીઓ મોટી ઉંમરે શરૂ થતી હતી, હવે તે નાની ઉંમરે થવા લાગી છે ત્યારે સત્તુનું સેવન હૃદયને સ્વસ્થ રાખવા માટે ફાયદાકારક છે. દૈનિક આહારમાં સત્તુનો સમાવેશ કરવાથી કોલેસ્ટ્રોલ સંતુલિત રહે છે અને બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
ડાયાબિટીસને નિયંત્રિત કરે
ડાયાબિટીસ ધરાવતા લોકો માટે સત્તુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. સત્તુ વધુ પૌષ્ટિક છે. સત્તુનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
ઉનાળામાં તંદુરસ્ત પીણું
ઉનાળામાં પાચનપ્રક્રિયા ધીમી પડી જાય છે. આ સિઝનમાં તળેલા ખોરાકને પચાવવા માટે શરીરને વધુ મહેનત કરવી પડે છે. સત્તુમાં હાજર ફાઈબર પાચનક્રિયાને સુધારે છે. સત્તુના દ્રાવણમાં લીંબુનો રસ અને કાળું મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે અને પચવામાં સરળતા રહે છે. સત્તુ સોલ્યુશનમાં ઠંડકનો ગુણ હોય છે, તેથી તેને ઉનાળાનું આરોગ્યપ્રદ પીણું કહેવામાં આવે છે.
વજન ઘટાડે
જો તમે વજન ઓછું કરવા માગો છો તો સત્તુને તમારા આહારમાં સામેલ કરો. સત્તુમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને જલદી ભૂખ નથી લાગતી. રોજ સત્તુનું સેવન કરવાથી વજન ઝડપથી ઓછું કરવામાં મદદ મળે છે.
સત્તુનો સ્વાદ વધારવો
જો તમે દરરોજ આ જ રીતે સત્તુ ખાવા નથી માંગતા તો અલગ-અલગ વાનગીઓ ટ્રાય કરો. ઉનાળામાં શરીરમાં ઠંડક જાળવી રાખવા માટે સત્તુનું દ્રાવણ પીવો. સત્તુ સાથે ભરેલા પરાઠા નાસ્તામાં ખાઈ શકાય છે. કારેલામાં સત્તુ ભરીને સ્ટફ્ડ કારેલા બનાવી શકાય છે. લિટ્ટી અને બાટીને સત્તુમાં ભરીને સ્વસ્થ બનાવી શકાય છે. કોઈપણ વસ્તુની પેટીસ બનાવતી વખતે મિશ્રણમાં સત્તુનો લોટ ઉમેરો. શિયાળામાં સત્તુ સૂપ ટ્રાય કરી શકાય છે.
બાળકોને રવા-સત્તુ ચીલા અને ઢોસા પણ ગમે છે. સત્તુના લોટમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા અને લસણ ઉમેરો. તેમાં દહીં અને એક ચમચી લીલી ચટણી ઉમેરીને સત્તુ ડીપ બનાવો.
વધુ પડતું ખાવાથી નુકસાન થાય છે
જો સત્તુનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેનાથી પેટ ખરાબ થઈ શકે છે. તેનાથી બચવા માટે એક સમયે 30 ગ્રામ સત્તુ ખાઈ શકાય છે. તમે દિવસમાં ત્રણ વખત સત્તુનું સેવન કરી શકો છો. જે લોકોને ગેસની સમસ્યા હોય તેમણે જવના સત્તુને ચણાના સત્તુ સાથે બરાબર મિક્ષ કરીને પીવું જોઈએ. વધુ પડતું સત્તુ પીવાથી અપચો થઈ શકે છે.