14 કલાક પેહલા
- કૉપી લિંક
સ્વિસ ગ્રુપ IQ Airએ વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો અને દેશની રાજધાનીઓની યાદી બહાર પાડી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે. આ યાદીમાં ભારત 2023માં ત્રીજો સૌથી ખરાબ હવાની ગુણવત્તા ધરાવતો દેશ રહ્યો છે. સ્વિસ ઓર્ગેનાઈઝેશ IQ એરના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2023 અનુસાર, બાંગ્લાદેશ વિશ્વમાં સૌથી ખરાબ હવા ધરાવતો દેશ છે. જ્યારે 134 દેશોની આ યાદીમાં પાકિસ્તાન બીજા ક્રમે છે.
રિપોર્ટ અનુસાર નવી દિલ્હી સૌથી ખરાબ હવા ધરાવતી રાજધાની હતી. બિહારનું બેગુસરાય વિશ્વનું સૌથી પ્રદૂષિત મેટ્રોપોલિટન ક્ષેત્ર બન્યું, જ્યારે 2022માં બેગુસરાયનું નામ પણ આ યાદીમાં નહોતું. 2022માં પ્રદૂષિત હવા ધરાવતા દેશોની યાદીમાં ભારત આઠમા ક્રમે હતું.
રાજધાની દિલ્હી ફરી એકવાર વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની બની ગઈ છે.
ભારતમાં PM2.5 કણો WHO સ્ટાન્ડર્ડ કરતા 10 ગણા વધારે છે
રિપોર્ટમાં PM-2.5 કણોના આધારે દેશો, રાજધાની અને શહેરોની રેન્કિંગ કરવામાં આવે છે. તે એક પ્રકારના રજકણ હોય છે, જેનો વ્યાસ 2.5 માઇક્રોમીટર અથવા તેનાથી ઓછો છે. આ ખૂબ જ નાના કણો છે, જે હવાની ગુણવત્તાને બગાડે છે. ગયા વર્ષે ભારતમાં પીએમ 2.5નું સરેરાશ સ્તર 1 ઘન મીટરમાં 54.4 માઇક્રોગ્રામ હતું. આ WHO સ્કેલ કરતાં 10 ગણું વધુ હતું.
ગયા વર્ષે રાજધાની દિલ્હીમાં PM 2.5નું સ્તર 1 ક્યુબિક મીટરમાં 92.7 માઈક્રોગ્રામ રહ્યું હતું. જ્યારે બેગુસરાઈમાં તે 118.9 માઈક્રોગ્રામ હતો. દિલ્હીને 2018થી સતત ચાર વખત વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.
ભારતમાં 96% લોકો 7 ગણી ખરાબ હવામાં શ્વાસ લઈ રહ્યા છે
રિપોર્ટ અનુસાર, ભારતમાં 1.33 અબજ એટલે કે 96% લોકો એવી હવામાં રહે છે જેમાં PM2.5નું સ્તર WHOના વાર્ષિક ધોરણ કરતાં 7 ગણું વધારે છે. દેશના 66% શહેરોમાં વાર્ષિક PM2.5 સ્તર 35 માઈક્રોગ્રામ પ્રતિ ઘનમીટરથી વધુ હતું.
WHO અનુસાર, વિશ્વમાં દર વર્ષે 70 લાખ લોકો પ્રદૂષિત હવાના કારણે મૃત્યુ પામે છે. અને મૃત્યુ પામેલા દર 9 લોકોમાંથી 1 વ્યક્તિનું મૃત્યુ ખરાબ હવાને કારણે થાય છે. IQ Airએ જણાવ્યું હતું કે આ વર્ષનો ડેટા 0,000 થી વધુ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનો અને રિસર્ચ સંસ્થાઓ, યુનિવર્સિટીઓ અને સરકારી એજન્સીઓ પાસેથી ડેટા એકત્રિત કરીને જાહેર કરવામાં આવ્યા છે.
PM 2.5 શું છે?
PM એટલે પાર્ટિક્યુલેટ મેટર જે હવામાં રહેલા નાના કણો છે. આ વાતાવરણમાં રહેલા કણો અને પ્રવાહી ટીપાંનું મિશ્રણ છે, જે નરી આંખે દેખાતા નથી. કેટલાક કણો એટલા નાના હોય છે કે તેઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે.
PM2.5 ના સંપર્કમાં આવવાથી ઘણી બીમારીઓ થઈ શકે છે. જેમાં અસ્થમા, કેન્સર, સ્ટ્રોક અને ફેફસાના રોગનો સમાવેશ થાય છે. તેમજ, આ ઉચ્ચ સ્તરના સુક્ષ્મ કણોના સંપર્કમાં બાળકોના વિકાસ પર ખરાબ અસર પડે છે. તેમને માનસિક સ્વાસ્થ્ય અંગેની સમસ્યાઓ થઈ શકે છે અને ડાયાબિટીસનું જોખમ પણ વધી જાય છે.