20 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઋતુરાજ ગાયકવાડ ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા સ્ટાર્સમાંનો એક છે. આ નામ હવે IPLની સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની કેપ્ટનશિપ કરશે. ધોનીએ ઋતુરાજ ઉપર વિશ્વાસ બતાવ્યો છે. ઋતુરાજ રાઇટ હેન્ડેડ ઓપનિંગ બેટર છે જે ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમે છે. 2023 એશિયન ગેમ્સમાં ઋતુરાજની આગેવાનીમાં ભારતીય ટીમે ગોલ્ડ જીત્યો હતો.
દેશ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. પરંતુ IPL 2024ની શરૂઆત પહેલાં જ ધોનીએ તેના ફેન્સને એક ઝટકો આપ્યો છે. ગુરુવારે, ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીએ 5 વખત IPL ટાઈટલ જીતનાર મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડને કમાન સોંપી છે. ગાયકવાડ 27 વર્ષનો છે અને ખૂબ જ ઓછા સમયમાં તેણે ક્રિકેટ જગતમાં પોતાનું નામ બનાવ્યું છે. 2023 એશિયન ગેમ્સમાં ઋતુરાજની આગેવાનીમાં ભારતીય ટીમે ગોલ્ડ જીત્યો હતો. CSKના આ નવા કેપ્ટન આટલી નાની ઉંમરે જ કરોડોમાં કમાણી કરી રહ્યો છે.
CSKનો નવો કેપ્ટન 27 વર્ષનો છે
ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડનો જન્મ 31 જાન્યુઆરી 1997ના રોજ મહારાષ્ટ્રના પુણે શહેરમાં થયો હતો. બાળપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતા ઋતુરાજ ગાયકવાડે 19 વર્ષની ઉંમરે 2016-17ની રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્ર માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. IPLમાં તેની એન્ટ્રી વર્ષ 2019માં થઈ હતી, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે તેને ઓક્શન દરમિયાન 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર ખરીદ્યો હતો. હવે તેને CSKનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ઋતુરાજ ગાયકવાડની પ્રારંભિક કારકિર્દી
ઋતુરાજે 5 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. 2003માં, જ્યારે ઋતુરાજ પુણેના નેહરુ સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ Vs ઓસ્ટ્રેલિયા મેચ જોવા ગયો ત્યારે તેણે બ્રેન્ડન મેક્કુલમને ઓસ્ટ્રેલિયન બોલરને સ્કૂપ શોટ મારતો જોયો, આ શોટે ઋતુરાજને ક્રિકેટર બનવાની પ્રેરણા આપી. 11 વર્ષની ઉંમરે ઋતુરાજ પુણેની વેંગસરકર ક્રિકેટ એકેડમીમાં જોડાયો. જ્યાં તેણે ક્રિકેટનો કક્કો શીખ્યો અને તેની મહેનત અને સમર્પણને કારણે તેણે ટૂંક સમયમાં મહારાષ્ટ્રની અંડર-14 અને અંડર-16 ટીમમાં જગ્યા બનાવી લીધી.
ઋતુરાજ ગાયકવાડની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી
1). T20 ક્રિકેટ
વર્ષ 2021માં, ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં સતત પ્રદર્શન બાદ ઋતુરાજ ગાયકવાડને ભારતીય ક્રિકેટ ટીમમાં રમવાની તક મળી. ઋતુરાજે 28 જુલાઈ 2021ના રોજ શ્રીલંકા સામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં તેણે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. જો કે પછી તેણે વર્ષ 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20 મેચમાં ઈન્ટરનેશનલ કરિયરની પહેલી સદી ફટકારતા 123* રન બનાવ્યા હતા.
2). ODI ક્રિકેટ
ઋતુરાજ ગાયકવાડે 6 ઓક્ટોબર 2022ના રોજ દક્ષિણ આફ્રિકા સામે તેની ODI ડેબ્યુ કર્યું હતું. પોતાની પ્રથમ મેચમાં તેણે ત્રીજા નંબર પર બેટિંગ કરતા 42 બોલમાં 19 રન બનાવ્યા હતા. અત્યાર સુધી તેણે ભારત માટે માત્ર 6 વન-ડે મેચ રમી છે અને 19.16ની એવરેજથી 115 રન બનાવ્યા છે.

ઋતુરાજે 2023માં ઓસ્ટ્રેલિયા સામે T20 મેચમાં સદી ફટકારી હતી.
ઋતુરાજ ગાયકવાડની સંપત્તિ આટલી છે
Sportskeeda.com મુજબ, ઋતુરાજ ગાયકવાડની નેટવર્થ કરોડોમાં છે. તેની સંપત્તિનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેની IPLની ફી કરોડોમાં છે. તેની અંદાજિત નેટવર્થ 30-36 કરોડ રૂપિયા હોવાનું જાણવા મળે છે. BCCIના C કેટેગરીના ખેલાડી ઋતુરાજ ગાયકવાડ માત્ર મેચ ફીથી જ કમાતો નથી, પરંતુ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરી રહ્યો છે.
IPLમાંથી પણ કરોડોની કમાણી કરે છે
રિપોર્ટ્સ અનુસાર, ઋતુરાજ ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરી રહ્યો છે. જેમાં ગેમ્સ 24X7, GO Kratos, Mount Road Social, SS ક્રિકેટ કિટ્સ અને અન્ય નામો સામેલ છે. મેચ ફી ઉપરાંત, ઋતુરાજ ગાયકવાડ એન્ડોર્સમેન્ટ અને જાહેરાતોથી દર મહિને લગભગ 50-60 લાખ રૂપિયા કમાય છે, જ્યારે તેની વાર્ષિક કમાણી લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. IPL 2024 માટે તેની ફી 6 કરોડ રૂપિયા છે. IPL કોન્ટ્રાક્ટ, મેચ ફી, એન્ડોર્સમેન્ટની સાથે તેણે સ્ટોક્સ અને પ્રોપર્ટીમાં પણ રોકાણ કર્યું છે, જ્યાંથી તેને જંગી વળતર મળે છે.

પુણેમાં લક્ઝરી હાઉસ અને અદભુત કાર કલેક્શન
કરોડો રૂપિયાની કમાણી કરનાર ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડ પાસે પુણેમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ છે, જેની અંદાજિત કિંમત લગભગ 8 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ ઘર સોમેશ્વરવાડીમાં આવેલું છે. CSKના નવા કેપ્ટન ગાયકવાડને પણ મોંઘી કારનો શોખ છે અને તેના કાર કલેક્શનમાં ઘણી લક્ઝરી કાર છે. જો રિપોર્ટ્સનું માનીએ તો ઋતુરાજ ગાયકવાડ કાર કલેક્શનમાં Audi અને BMW M8 જેવી કાર છે.
ગાયકવાડે ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી છે, એશિયાડમાં ગોલ્ડ જીત્યો છે
યુવા બેટર ઋતુરાજ ગાયકવાડ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી ચૂક્યો છે. 2022માં ચીનમાં રમાયેલી એશિયન ગેમ્સમાં તેને ભારતીય પુરુષ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગાયકવાડે એ ગેમ્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ગાયકવાડની વાઇફ પણ ક્રિકેટર, મહારાષ્ટ્ર તરફથી રમે છે
ઋતુરાજ ગાયકવાડે 3 જૂન, 2023ના રોજ મહિલા ક્રિકેટર ઉત્કર્ષા પવાર સાથે સાત ફેરા લીધા હતા. ઉત્કર્ષા ડોમેસ્ટિક ક્રિકેટમાં મહારાષ્ટ્ર તરફથી રમે છે. ઋતુરાજ અને ઉત્કર્ષાના લગ્ન મહાબળેશ્વરની ‘લે મેરીડિયન’ નામની હોટલમાં થયા હતા, જેના રૂમનું એક દિવસનું ભાડું 17000 રૂપિયાથી 35000 રૂપિયા સુધી છે. તેમના લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ હતી. તમને જણાવી દઈએ કે ઉત્કર્ષા મહારાષ્ટ્રની ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. 24 વર્ષની ઉત્કર્ષા રાઇટ આર્મ મીડિયમ પેસર છે. તેણે 2021માં લિસ્ટ A ક્રિકેટ રમી છે. પુણેની રહેવાસી ઉત્કર્ષા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સમાં પણ અભ્યાસ કરે છે.
