બ્રસેલ્સ17 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં યુરોપિયન સંસદની બહાર ચીનના પિલર ઓફ સેમ મેમોરિયલનું મૉડલ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ મૉડલ 1989માં ચીનના તિયાનમેન સ્ક્વેર પર થયેલા નરસંહારનું પ્રતીક છે. વર્ષ 2021માં ચીનની સરકારે હોંગકોંગની એક યુનિવર્સિટીની બહાર લગાવેલા આ વિવાદાસ્પદ મૉડલને હટાવી દીધું હતું.
આ મૉડલમાં હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોનાં મૃતદેહ અને તેમના ચીસો પાડતા ચહેરા બતાવવામાં આવ્યા છે. CNN અનુસાર, મંગળવારે આવી કલાકૃતિઓનું એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેના પર ચીનમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
યુરોપિયન સંસદના સભ્યોના સહયોગથી નેધરલેન્ડના કલાકાર યેન્સ ગેલ્સચાયટે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. આ એ જ કલાકાર છે જેણે પીલ ઓફ સેમ મૉડલ બનાવ્યું હતું. એક્ઝિબિશન બાદ ગેલશેટે કહ્યું- આ ચીન માટે એક સંદેશ છે કે યુરોપમાં તેમની સેન્સરશિપની કોઈ અસર નહીં થાય.

તિયાનમેન સ્ક્વેર હત્યાકાંડના સ્મારકને પિલર ઓફ શેમ નામ આપવામાં આવ્યું છે.
1990ના દાયકામાં ગેલ્સચાયટે સ્મારક બનાવ્યું, ચીને પ્રતિબંધ મૂક્યો
ગેલ્સચાયટે 1990ના દાયકામાં પિલર ઓફ સેમના ઘણા મોડલ બનાવ્યા. બ્રસેલ્સમાં સ્થાપિત મોડેલ આમાંથી એક છે. તેની ઊંચાઈ 8’7 ફૂટ છે. આર્ટવર્કનો ઇતિહાસ તેના પ્લેટફોર્મ પર લખાયેલો છે. અહીં એક સંદેશમાં કહેવામાં આવ્યું છે કે – જૂનું ક્યારેય નવાને હંમેશ માટે મારી શકતું નથી.
ચીનના વિદેશ મંત્રાલયે CNNને જણાવ્યું હતું કે દેશની સરકારે 1980ના દાયકાના અંતમાં થયેલી રાજકીય ઉથલપાથલ અંગે સ્પષ્ટ તારણ કાઢ્યું છે. હવે ચીનને બદનામ કરવાનો કોઈપણ પ્રયાસ સફળ થશે નહીં.
સેનાએ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી
4 જૂન 1989ના રોજ હજારો લોકો ચીનની રાજધાની બેઇજિંગના તિયાનમેન સ્ક્વેરમાં શાંતિપૂર્ણ લોકશાહીની માગ સાથે વિરોધ કરી રહ્યા હતા. આ ચળવળને કચડી નાખવા માટે સરકારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ને મેદાનમાં ઉતારી હતી.
વાસ્તવમાં 80ના દાયકામાં ચીન મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું હતું. ચીનના સામ્યવાદી નેતા ડેંગ જિયાઓપિંગે આર્થિક સુધારાની શરૂઆત કરી. જેના કારણે દેશમાં વિદેશી રોકાણ વધ્યું અને ખાનગી કંપનીઓ આવવા લાગી. તેના કારણે ચીનની અર્થવ્યવસ્થાને ગતિ મળી, પરંતુ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ ઉગ્ર બનવા લાગી.
જ્યારે ચીનના લોકો અમેરિકા અને બ્રિટન જેવા લોકશાહી દેશોના સંપર્કમાં આવ્યા ત્યારે તેમની લોકશાહીમાં પણ રસ વધવા લાગ્યો. ધીમે ધીમે આ સમસ્યાઓએ ચીનમાં આંદોલનનું સ્વરૂપ લીધું. ચીનના નેતા ડેંગ જિયાઓપિંગે આ માટે કૉમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી હુ યાઓબાંગને જવાબદાર ગણાવ્યા હતા. હુ યાઓબાંગ ચીનમાં રાજકીય સુધારાની હિમાયત કરતા હતા.

આ તસવીર 4 જૂન 1989ની છે, જ્યારે ચીની સેનાએ ટેન્કથી વિરોધીઓ પર હુમલો કર્યો હતો. (ફોટો સંદર્ભ: જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટી)
ચીન સરકારનો દાવો- માત્ર 200 લોકોનાં મોત થયા
સ્થાનિક કોલેજો અને યુનિવર્સિટીઓના મોટા ભાગના વિદ્યાર્થીઓએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. 4 જૂન 1989ના રોજ લાખો વિદ્યાર્થીઓ અને લોકો તિયાનમેન સ્ક્વેર પર શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા, જ્યારે રાત્રિના અંધારામાં શસ્ત્રોથી ભરેલા ચીની સૈનિકો ટેન્ક સાથે આવવા લાગ્યા. સેનાએ આખા ચોકને ઘેરી લીધો અને ગોળીબાર શરૂ કરી દીધો. તે સમયે 10 લાખથી વધુ પ્રદર્શનકારીઓ ત્યાં હાજર હતા.
પ્રદર્શનકારીઓને ખ્યાલ નહોતો કે તેમના જ દેશની સેના તેમના પર આ રીતે ગોળીબાર કરશે. આ કાર્યવાહીમાં 10 હજાર લોકો માર્યા ગયા હતા. જ્યારે ચીન સરકારનો દાવો છે કે માત્ર 200 લોકોનાં મોત થયા છે. ચીને તિયાનમેનમાં થયેલા નરસંહારને ઇતિહાસમાંથી ભૂંસી નાખવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો.
આજે પણ ચીનની સામ્યવાદી સરકારે ચીનમાં આ હત્યાકાંડ પર કોઈપણ પ્રકારની ચર્ચા પર પ્રતિબંધ મૂક્યો છે. ઇન્ટરનેટ અને પુસ્તકોમાં પણ તેનો ઉલ્લેખ ચીનમાં પ્રતિબંધિત છે.
