નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સૌથી વધુ દાન કરનાર 30 કંપનીમાંથી 14એ એજન્સીઓની કાર્યવાહી પછી દાન આપ્યું છે
ચૂંટણી ચંદો એટલે કે ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે કેટલાક ચોંકાવનારા આંકડા સામે આવી રહ્યા છે. કેટલીક શેલ કંપનીઓ (ભૂતિયા કંપનીઓ)એ પણ બોન્ડ થકી રાજકીય પક્ષોને નાણાં આપ્યાં છે. કેટલીક કંપનીઓએ આવક કરતાં વધુ દાન કર્યું છે. ખાસ કરીને, ફ્યૂચર ગેમિંગે 2020થી 2024 દરમિયાન 1,368 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડથી નાણાં આપ્યાં છે. 2022માં આ કંપનીએ 405 કરોડ રૂપિયા આપ્યા હતા જ્યારે આ સમયગાળામાં તેની આવક 49.4 કરોડ રૂપિયા જ હતી. કંપનીના માલિક, સેન્ટિયાગો માર્ટિન કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા હતા અને કંપની પર લોટરીની ટિકિટો પર લાગેલા 28% જીએસટીની પણ અસર થઈ હતી.
ક્વિક સપ્લાય ચેન પ્રાઇવેટ લિમિટેડે નાણાકીય વર્ષ 2023માં પોતાની 22 કરોડ રૂપિયાની આવક સામે 410 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદયા હતા જ્યારે તેમનો વેપાર 15,747 કરોડ રૂપિયાનો જ હતો.
આરટીઆઇ કાર્યકર અંજલિ ભારદ્વાજે સવાલ ઉઠાવ્યો હતો કે નાની નાની કંપનીઓ કેવી રીતે રાજકીય પક્ષોને દાન આપ્યું? કયાં કારણોસર દાન આપ્યું? કંપનીઓ શું ઇચ્છતી હતી અને બદલામાં તેમને શું મળ્યું? તેની તપાસ થવી જોઈએ. આ માટે અલાયદી એસઆઇટીની રચના કરવી જોઈએ. બીજી તરફ પૂર્વ નાણાસચિવ સુભાષ ગર્ગે કહ્યું હતું કે એસબીઆઇનું પહેલું સોગંદનામું પણ ખોટું હતું. તેમણે કહ્યું હતું કે દાતાઓ અને પક્ષોની માહિતી ભૌતિક રીતે બે ફાઇલમાં છે. તેને સરખાવવામાં 3 મહિના લાગશે પરંતુ એ માહિતીનો ડિજિટલ રેકોર્ડ હોવાનું પછીથી જાણવા મળ્યું હતું.
કોન્ટ્રાક્ટ મળ્યા એ કંપનીઓએ 1,751 કરોડના બોન્ડ આપ્યા : પ્રશાંત ભૂષણનો દાવો
ઇલેક્ટોરલ બોન્ડ અંગે વકીલ પ્રશાંત ભૂષણ, આરટીઆઇ કાર્યકર અંજલિ ભારદ્વાજ અને ‘એડીઆર’એ યોજેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં ભૂષણે દાવો કર્યો હતો કે ભાજપની સરકારોએ અંદાજે 62 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપ્યા હતા, એ કંપનીઓએ 1,751 કરોડનાં બોન્ડ આપ્યા છે. અંદાજે 40 કંપનીએ ઈડી અને સીબીઆઇ જેવી એજન્સીની કાર્યવાહી પછી 2,471 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
સૌથી વધુ ચૂંટણી દાન આપનારાઓનું સંપૂર્ણ રિપોર્ટ કાર્ડ…
ફ્યૂચર ગેમિંગ : નફા કરતાં 6 ગણું વધુ દાન આપ્યું
બેલેન્સશિટમાંથી ‘બેલેન્સ’ ગુમ 2021-22માં રૂ. 20 હજાર કરોડની આવક હતી. 2020થી 2023 વચ્ચે કંપનીનો ચોખ્ખો નફો માત્ર 215 કરોડ જ હતો. આમ છતાં 2020થી 2024 વચ્ચે સૌથી વધુ 1,365 કરોડ રૂપિયાનું દાન આપ્યું. એટલે કે નફા કરતાં 6 ગણું વધુ.
2022માં સૌથી વધુ દાન… કંપનીના બોન્ડથી 2024માં 63 કરોડ, 2023માં 321 કરોડ, 2022માં 497 કરોડ, 2021માં 334 કરોડ અને 2020માં 150 કરોડ રૂપિયાનું દાન કર્યું.
મેઘા ગ્રૂપ : 83% દાન 3 પક્ષને આપ્યું
3 વર્ષમાં દોઢ ગણી આવક 31 માર્ચ, 2023માં કંપનીની કુલ આવક 31,766 કરોડ રૂપિયા હતી. ગત વર્ષ કરતાં 10% વધુ. કંપનીનો ચોખ્ખો નફો 2,797 કરોડ રૂપિયા હતો. ગત વર્ષ કરતાં એ 7.5% વધુ હતો.
2023માં સૌથી વધુ દાન… બોન્ડથી 2024માં 30 કરોડ, 2023માં 605 કરોડ, 2022માં 224.8 કરોડ, 2021માં 178 કરોડ અને 2020માં 20 જ્યારે 2019માં 130 કરોડ દાન આપ્યું.
માલિક પી. વી. રેડ્ડી 54મા સૌથી ધનિક
1989માં નગરપાલિકાને નાના પાઇપ પૂરા પાડતી કંપની સ્થાપી. પછી બંધ, પાવર પ્લાન્ટ જેવા ઇન્ફ્રા પ્રોજેક્ટનો વ્યાપ કર્યો. રેડ્ડી રૂ. 28,400 કરોડની સંપત્તિ સાથે દેશના 54મા સૌથી ધનિક છે.
2019માં સવા લાખ કરોડનો મોટો પ્રોજેક્ટ મળ્યો હતો
2019માં તેલંગાણામાં દેશના સૌથી મોટા લિફ્ટ એરિગેશન પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું. તેનો ખર્ચ 14 અબજ ડૉલર (1.17 લાખ કરોડ રૂપિયા) હતો. જમ્મુ-કાશ્મીરથી લદ્દાખ સુધી ઑલ સિઝન રોડનો જોજિલા પાસ ટનલનો પ્રોજેક્ટ છે. સંરક્ષણ મંત્રાલય પાસેથી પણ 500 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ મળ્યા છે.
લોટરી કિંગ એક સમયે દાડિયા મજૂર હતા
કંપનીના સંસ્થાપક સેન્ટિયાગો માર્ટિન લોટરી કિંગના નામે પ્રખ્યાત છે પરંતુ એક સમયે મ્યાનમારમાં દાડિયા મજૂર હતા. તમિળનાડુમાં ચાની રેંકડી ચલાવી છે. લોટરી ટિકિટના બિઝનેસથી પ્રગતિ થઈ.
વેપારથી જેલના સળિયા સુધી…
2001માં માર્ટિન રોજના 1.2 કરોડ લોટરી ટિકિટ વેચતા હતા. 2003માં જયલલિલાએ લોટરી પર પ્રતિબંધ મૂક્યો. 2011માં ફરી સત્તા પર આવ્યાં. થોડા મહિના પછી તેમણે માર્ટિનની ધરપકડ કરાવી હતી.