વડોદરા,વિઝા કન્સલ્ટન્ટને ફોન કરી ધમકી આપતા શખ્સ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર સૂર્ય દર્શન ફાટકની બાજુમાં શિવમ ફ્લેટમાં રહેતા આશિષકુમાર હર્ષદભાઇ બારોટ સ્ટાર લાઇન ઓવરસિઝ નામથી વિઝા કન્સલ્ટીંગનું કામ કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં માર્કેટિંગ કરવા માટે જસ્ટ ડાયલ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે. એક મહિના પહેલા જૈનિશ બારોટે મને કોલ કરીને કહ્યું કે, હું જસ્ટ ડાયલમાંથી બોલુ છું. તમારૃં ૨,૩૪૦ નો ઇએમઆઇ બાકી છે. મે જસ્ટ ડાયલના અધિકારીને કોલ કરતા તેમણે કહ્યું કે, જૈનિશને બે મહિના પહેલા જ છૂટો કરી દીધો છે. ત્યારબાદ જૈનિશના કોલ આવતા હતા. પરંતુ, હું રિસીવ કરતો નહતો. ગત તા.૮મી એ જૈનિશે કોલ કરીને મને કહ્યું કે,તમારૃં જસ્ટ ડાયલનું એકાઉન્ટ કેન્સલ થયું છે. તમે ભરેલા રૃપિયા પરત જોઇતા હોય તો મને ૧૫,૩૦૦ રૃપિયા આપવા પડશે. પરંતુ, મેં તેને રૃપિયા આપ્યા નહતા.
થોડીવાર પછી ફરીથી જૈનિશે મને કોલ કરીને ધમકી આપતા કહ્યું કે, તું કેમ મારા મેનેજરને કોલ કરે છે. મે ગાળો બોલી તેણે ઓફિસમાં ઘુસીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેના મમ્મી પણ મને ગાળો બોલ્યા હતા. મેં કોલ કટ કરી દીધો હતો. પોલીસે જૈનિશ નિમેષભાઇ બારોટ ( રહે. ગાયત્રી નગર, ગોત્રી) તથા તેની માતા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.