Updated: Dec 10th, 2023
– પ્રિયા શર્માના નામે વ્હોટ્સએપ ઉપર મેસેજ અને વિડીયો કોલ કરી સ્ક્રીન રેકોર્ડીંગ કર્યુઃ સાયબર ક્રાઇમ ઓફીસરના નામે કોલ કરી ય-ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર પરથી વિડીયો ડિલીટના નામે પૈસા પડાવ્યા
સુરત
વ્હોટ્સએપ ઉપર પ્રિયા શર્મા નામે આવેલા મેસેજ ઉપર વાતચીત અને વિડીયો કોલ કરનાર પુણા વિસ્તારમાં રહેતા સ્કૂલ શિક્ષકને કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવી ભેજાબાજ ટોળકીએ યુ-ટ્યુબ, ફેસબુક અને ટ્વીટર ઉપરથી વિડીયો અપલોડ થયો છે તે ડિલીટ કરવાના બહાને ટુક્ડે-ટુક્ડે રૂ. 53 હજાર પડાવી લઇ વધુ પૈસાની માંગણી કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ પુણા પોલીસમાં નોંધાય છે.
મૂળ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના અને હાલ પુણા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય સ્કૂલ શિક્ષક પિયુષ (નામ બદલ્યું છે) ના વ્હોટ્સએપ ઉપર ગત 26 ફેબ્રુઆરીના રોજ પ્રિયા શર્મા નામે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. પિયુષે મેસેજ ઉપર વાતચીત કર્યાની ગણતરીની મિનીટોમાં વિડીયો કોલ આવ્યો હતો જેમાં અજાણી મહિલા ન્યુડ હતી જેથી ગણતરીની મિનીટમાં જ પિયુષે કોલ કટ કરી દીધો હતો. કોલ કટ કરતા વેંત મહિલાએ વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડીંગ મોકલાવ્યું હતું. જેમાં પિયુષના ન્યુડ ફોટાનો વિડીયો યુ-ટ્યુબ ઉપર વાયરલ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી હતી પરંતુ પિયુષે આપ્યા ન હતા. દરમિયાનમાં બે દિવસ બાદ વિક્રમ રાઠોડ નામે મેસેજ આવ્યો હતો અને પોતાની ઓળખ સાયબર ક્રાઇમ ઓફિસ ઓફીસર તરીકે આપી તારા વિરૂધ્ધમાં મારી પાસે એક ન્યુડ વિડીયોનો કેસ આવ્યો છે, એક મોબાઇલ નંબર આપી તેની ઉપર યુ-ટ્યુબ કંપનીના રાહુલ શર્મા નામના ઓફિસર સાથે વાત કરી કેસ ક્લોઝ કરાવવા કહ્યું હતું.
જેથી પિયુષે કોલ કરતા રાહુલ શર્માએ વિડીયો ડિલીટ કરવા રૂ. 10 હજાર ઓનલાઇન પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યાર બાદ પુનઃ વિક્રમ રાઠોડે પુનઃ કોલ કરી વિડીયો માત્ર યુ-ટ્યુબ પરથી ડિલીટ કર્યો છે, ફેસબુક, ટ્વીટર વિગેરેમાં ડિલીટ કરવો પડશે એમ કહી ટુક્ડે-ટુક્ડે રૂ. 43 હજાર પડાવ્યા હતા. ત્યાર બાદ વિક્રમ રાઠોડે ક્લીનચીટ જોઇએ તો વધુ રૂપિયાની માંગણી કરી હતી.