પત્નીના એકાઉન્ટમાં લિન્ક કરેલો મોબાઇલ નંબર પોતાના નામે હોવાનો ફાયદો ઉઠાવતો પતિ
Updated: Dec 10th, 2023
વડોદરા,પતિથી અલગ રહેતી પત્નીના એકાઉન્ટમાંથી પતિએ ગૂગલ પે થકી ૯૭ હજાર રૃપિયા જાણ બહાર ઉપાડી લીધા હતા. જે અંગે પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મકરપુરા વિસ્તારમાં રહેતા રૃપાલીબેને મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન નિમેષભાઇ પ્રવિણભાઇ પટેલ (રહે. મુજારગામડી, જી.ઇ.બી.સબ સ્ટેશન પાસે, સુંદરપુરા નજીક વડોદરા) સાથે વર્ષ – ૨૦૦૯માં થયા હતા. મારે સંતાનમાં બે દીકરીઓ છે. મારા પતિ અલકાપુરી ખાતે આવેલ રેડિયન્ટ કંપનીમાં નોકરી કરતા હતા. હાલમાં હું અને મારા પતિ અલગ રહીએ છીએ. ગત તા.૧લી જુલાઇએ મારા સસરાએ ૧૦ લાખ મને તથા મારા પતિને આપ્યા હતા. જે રૃપિયા મારા પતિએ વાપરી નાંખ્યા હોવાથી અમારે અંદરો અંદર ઝઘડો થયો હતો. મારા પતિએ મને માર માર્યો હતો. ત્યારબાદ મારા પતિ મારા દિયેરના ઘરે જતા રહ્યા હતા. અમારા બંનેના માતા – પિતાએ બોલાવી સમાધાનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, મારા પતિ સમાધાન કરવા માટે રાજી નહતા. જેથી, મેં મારા પતિ વિરૃદ્ધ કોર્ટમાં ભરણ પોષણનો કેસ કર્યો હતો. મારૃં સેવિંગ્ઝ એકાઉન્ટ બેન્ક ઓફ બરોડાની માણેજા શાખામાં છે. જેમાં મારા પતિના નામનું સીમ કાર્ડ લિન્ક થયેલું હતું. તે મોબાઇલ નંબર હું વાપરતી હતી. જે નંબર મારા પતિએ બંધ કરાવી દીધો હતો. જેથી, હું બેન્કમાં તપાસ કરવા ગઇ ત્યારે જાણ થઇ કે, મારા પતિએ ગૂગલ પે થકી મારા એકાઉન્ટમાંથી ૯૭,૮૦૦ ઉપાડી લીધા હતા. હું મારા પતિને કહેવા જતા તેમણે કહ્યું કે, મેં રૃપિયા ઉપાડી લીધા છે. તે મારા પર ભરણ પોષણનો કેસ કર્યો છે પણ હું તને રૃપિયા આપવાનો નથી. તારાથી થાય તે કરી લે. હું મારા પતિથી અલગ રહેતી હોવાથી આ રૃપિયા મારી દીકરીઓની ફી ભરવા માટે રાખ્યા હતા. જે રૃપિયા મારા પતિએ ઉપાડી લીધા હતા.