10 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં પાંચ ચીની એન્જિનિયરો અને એક પાકિસ્તાની નાગરિકનું મોત થયું છે. પાકિસ્તાનના મીડિયા હાઉસ જિયો ન્યૂઝના જણાવ્યા અનુસાર, આ હુમલો મંગળવારે થયો જ્યારે ચીની એન્જિનિયરોનું વાહન બેશમ શહેરમાંથી પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન વિસ્ફોટકોથી ભરેલા આતંકવાદીઓના વાહને એન્જિનિયરોના વાહનને ટક્કર મારી હતી.

આતંકવાદી હુમલા બાદ અન્ય વાહનોને અવરજવર કરતા અટકાવી દેવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝમાં આતંકવાદીઓ ઘૂસ્યા હતા
આ પહેલાં આતંકવાદીઓ મોડી રાત્રે બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ બેઝમાં ઘૂસ્યા હતા. જેમાં એક જવાન શહીદ થયો હતો. સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેવલ બેઝમાંથી આતંકીઓને બહાર કાઢવા માટે 8 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું. આ દરમિયાન બેઝ યુદ્ધ ક્ષેત્રમાં ફેરવાઈ ગયું.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં સેનાના હેલિકોપ્ટર નેવલ બેઝ પર ઉડતા જોવા મળ્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં વિસ્ફોટકો અને હથિયારો મળી આવ્યા છે. બલૂચ લિબરેશન આર્મી (BLA)એ હુમલાની જવાબદારી લીધી છે.
BLAએ દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ ચીનના રોકાણ સામે બલૂચિસ્તાનના તુર્બત શહેરમાં સ્થિત નેવલ બેઝમાં ઘૂસી ગયા હતા. અહીં ચીની ડ્રોન તૈનાત હતા. વડા પ્રધાન શાહબાઝ શરીફે ઓપરેશન દરમિયાન એક સૈનિકના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે આપણા જવાનોએ દેશને મોટા નુકસાનથી બચાવ્યો છે.

પાકિસ્તાન નેવલ બેઝમાં આતંકવાદીઓ માર્યા ગયા.
7 દિવસમાં BLAનો બીજો હુમલો
બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડ દ્વારા નેવલ બેઝ પર કરવામાં આવેલો હુમલો આ અઠવાડિયામાં કરવામાં આવેલો બીજો હુમલો છે. આ પહેલાં 20 માર્ચે આ સંગઠને ગ્વાદરમાં મિલિટરી ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર હુમલો કર્યો હતો. જેમાં 2 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે સુરક્ષાદળોએ 8 આતંકીઓને ઠાર કર્યા હતા.
ગ્વાદરમાં BLAના હુમલાનું ચીન સાથે પણ જોડાણ છે. હકીકતમાં ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર હેઠળ ગ્વાદર પોર્ટનું મોટાભાગનું સંચાલન ચીની કંપનીઓ પાસે છે.
ડેરા ઈસ્માઈલ ખાનમાં 4 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા
જિયો ન્યૂઝ અનુસાર, પાકિસ્તાનના સુરક્ષા દળોએ 25 માર્ચે ડેરા ઈસ્માઈલ ખાનમાં પણ વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 4 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન આર્મીના જણાવ્યા અનુસાર, આ આતંકવાદીઓ દેશમાં ઘણા હુમલાઓ માટે જવાબદાર હતા. તેમના હુમલામાં ઘણા સુરક્ષાકર્મીઓ અને નાગરિકો માર્યા ગયા હતા.
BLAના નિશાના પર માત્ર ચીન જ કેમ?
જાપાની અખબાર ‘Nikkei Asia’એ પાકિસ્તાનમાં હાજર ચીની નાગરિકો અને તેમના વ્યવસાયો પરના ખતરા અંગે વિશેષ તપાસ હાથ ધરી હતી. તેના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના તમામ આતંકવાદી સંગઠનો ચીની નાગરિકો અને તેમના વ્યવસાય અથવા કંપનીઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડી રહ્યા છે. તેનું કારણ એ છે કે છેલ્લા 5 વર્ષમાં તેની શક્તિ અને પ્રભાવ ખૂબ જ ઝડપથી વધ્યો છે.
ઘણી જગ્યાએ તેઓ સ્થાનિક લોકો કરતા પણ વધુ શક્તિશાળી છે. આતંકવાદી સંગઠનોને લાગે છે કે ચીનના નાગરિકોના કારણે તેમના સમુદાયો અથવા વિસ્તારોને નુકસાન થઈ રહ્યું છે અને તેઓ તેમના ધંધાઓ છીનવી રહ્યાં છે. શરૂઆતમાં કરાચી અને લાહોર જેવા વિસ્તારોમાં ચીની નાગરિકોના વ્યવસાયો અને ઓફિસો પર હુમલા કરવામાં આવ્યા હતા.
આ પછી તેની કંપનીઓને નિશાન બનાવવામાં આવી હતી.
ચીની નાગરિકો માટે સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ
2014માં પાકિસ્તાન સરકારે ચીની નાગરિકોની સુરક્ષા માટે સ્પેશિયલ પ્રોટેક્શન યુનિટ બનાવ્યું હતું. આમાં 4 હજારથી વધુ સુરક્ષા અધિકારીઓ સામેલ છે.
મોટાભાગના સુરક્ષા અધિકારીઓ સેનાના છે. આ યુનિટ 7567 ચીની નાગરિકોને વિશેષ સુરક્ષા પૂરી પાડે છે. આમાંના મોટાભાગના અધિકારીઓ અને કામદારો છે જેઓ CPEC સંબંધિત પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે.