લવ મેરેજ પછી ઝઘડા થતા પતિએ પત્ની અને બે દીકરીઓને ઘરેથી કાઢી મૂક્યા
Updated: Dec 10th, 2023
વડોદરા,પત્નીને રસ્તા વચ્ચે રોકી ગાળો બોલી ગળું પકડી માર મારતા પતિ સામે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દંતેશ્વર વિસ્તારમાં રહેતા શિલ્પાબેને પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું હાલમાં મારી બે દીકરીઓ સાથે પિયરમાં રહું છું.વર્ષ – ૨૦૦૯ માં મારા લવ મેરેજ લગ્ન જયેશ નાનાભાઇ પાટિલ ( રહે. મહાદેવ ફળિયું, દંતેશ્વર) સાથે થયા હતા. મારા અને મારા પતિ વચ્ચે ઝઘડાઓ થતા હોવાથી સાડા ત્રણ વર્ષથી મને દીકરીઓ સાથે મારા પતિએ કાઢી મૂકી હતી. મેં કોર્ટમાં મારા પતિ સામે ભરણ પોષણ અને છૂટાછેડાનો કેસ કર્યો છે. ગયા વર્ષે મારા પતિએ ઘરે આવીને માર પર હુમલો કરતા મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી હતી. ગત જૂન મહિનામાં કોર્ટ સંકુલમાંથી મારા પતિ મારી દીકરીઓને ઝૂંટવીને લઇ જતા મેં ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા મારી બંને દીકરીઓ પરત મળી ગઇ હતી.
ગત તા.૨૫મી ઓક્ટોબરે હું મોપેડ લઇને જતી હતી. તે સમયે રાતે દશ વાગ્યે ડભોઇ રોડ સોમા તળાવ ચાર રસ્તા પાસે મારા પતિ જયેશભાઇ તથા તેમનો મિત્ર ભાવેશ ઉર્ફ ચીકુ આવ્યા હતા. મારા પતિએ મારૃં ગળું પકડી મને માર માર્યો હતો. મારા પતિ હજી પણ મને જાનથી મારી નાંખવાની ધમકી આપી રહ્યા છે.