Updated: Dec 11th, 2023
image : Freepik
વડોદરા,તા.11 ડિસેમ્બર 2023,સોમવાર
વાઘોડિયા રોડ પર વૃંદાવન ચાર રસ્તા પાસેની હોટલમાં એએચટીયુની ટીમ દ્વારા દરોડો પાડીને સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો. બાળમજુરી કરાવનાર હોટલ માલિકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ સ્કવોડની ટીમ રવિવારે શહેર વિસ્તારમાં બાળ મજુરી અટકાવવા સારૂ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વાઘોડીયા રોડ ઇંદ્રપુરી અતિથી ગૃહ પાસે આવતા સ્ટાફને બાતમી મળી હતી વૃંદાવન ચાર રસ્તા પાસે આવેલા મુઘદુત કોમ્પલેક્ષ સુરતી લાલા આલુપરીનો માલિક સગીર વયના છોકરાઓ પાસે બાળ મજુરી કરી આર્થિક શોષણ કરે છે. જેના આધારે એએચયુટીની દ્વારા સુરતી લાલા આલુપુરીમાં દરોડો પાડી હતી. ત્યારે સગીરવયનો એક છોકરો ગ્રાહકોને નાસ્તો આપવાનું કામ કરી રહ્યો છે. જેથી તેની પૂછપરછ કરતા તેનું નામ વિષ્ણુ શનાભાઇ પટણવાડીયા (ઉ.વ.16) હોવાનું જણાવ્યુ હતું. ઉપરાંત છેલ્લા બે મહીનાથીથી કામ કરીએ છીએ અને માસીક રૂ.12000 પગાર આપે છે તેવુ જણાવ્યું હતું. જેથી પોલીસે હોટલના માલીકે ભરતભાઇ લીંબાભાઈ મકવાણા (રહે-101/વૈધ રેસીડેન્સી બાપોદ જકાતનાકા પાસે વાઘોડીયા રોડ)ની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે. ઉપરાંત પોલીસ દ્વારા સગીર બાળખને હોટલ માલિકના ચુંગાલમાંથી મુક્ત કરાવીને તેને પરિવારનો સોંપવામાં આવ્યો છે.