અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
- પહેલા 35000 પોઇન્ટ થતાં 38 વર્ષ લાગ્યા, પછીના 35000 થતાં 6 વર્ષથી પણ ઓછો સમય લાગ્યો…
- …છેલ્લાં 6 વર્ષમાં શેરબજારનું માર્કેટકેપ 200 લાખ કરોડ વધ્યું, 2026 સુધી વિશ્વનું ત્રીજું મોટું શેરબજાર બની જશે
- મજબૂત ઇકોનોમી ગ્રોથ, ફરી મોદી સત્તા પર આવશે એવી આશા; ફોરેક્સ રિઝર્વ 604 અબજ ડૉલર પાર તથા મ્યુચ્યુઅલ ફંડમાં મહિને 17000 કરોડના રોકાણ સાથે FIIની નવેસરથી ખરીદી ખૂલતા માર્કેટ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે…
બિઝનેસ ડેસ્ક | અમદાવાદ ભારતીય શેરમાર્કેટમાં અમૃતકાળ ચાલી રહ્યો છે. વૈશ્વિક સ્તરે ભારતીય અર્થતંત્રનો મજબૂત ગ્રોથ, મજબૂત મોદી સરકાર, ચીનનો કમજોર ગ્રોથ, ફોરેક્સ રિઝર્વ 604 અબજ ડૉલર અને મ્યુચ્યુઅલ ફંડમાં મહિને 17000 કરોડનું રોકાણ સાથે બેન્કોનું એનપીએ ઘટતાં હવે રોકેટ ગતિથી આગળ વધતા ભારતીય શેરબજાર દૈનિક ધોરણે નવા શિખરો સર કરી રહ્યું છે. સપ્તાહના પ્રારંભમાં જ સેન્સેક્સે નવો 70000 પોઇન્ટનો માઇલસ્ટોન સિધ્ધ કર્યો. જે ગતીએ માર્કેટ આગળ વધી રહ્યું છે તેને જોતા આગામી 3-3.5 વર્ષમાં જ સેન્સેક્સ એક લાખને ક્રોસ થઇ જશે તેવું નિષ્ણાતોનું કહેવું છે.
ભારતીય શેરમાર્કેટની શરૂઆત 1979ના વર્ષમાં થઇ હતી અને પહેલા એક હજાર પોઇન્ટ માટે સરેરાશ 11 વર્ષનો અને 35000 પોઇન્ટ થતા 38 વર્ષનો સમય લાગ્યો હતો જ્યારે છેલ્લા 35000 પોઇન્ટ વધતા માત્ર છ વર્ષથી પણ ઓછો સમયગાળો લાગ્યો છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં 70057.83 પોઇન્ટની સપાટી પહોંચ્યા બાદ અંતે 102.93 પોઇન્ટ વધી 69928.53 બંધ રહ્યો હતો. માર્કેટકેપ (રોકાણકારોની મૂડી)ની વાત છે ત્યારે છેલ્લા છ વર્ષમાં રોકાણકારોની મૂડી બમણાથી વધુ એટલે કે 200 લાખ કરોડ વધી રેકોર્ડ 351.09 લાખ કરોડ પહોંચી છે. નિફ્ટીએ પણ તેની રેકોર્ડ 21000 પોઇન્ટની સપાટી નોંધાવ્યા બાદ 20997.10 પોઇન્ટ પર બંધ રહ્યો હતો.
3-3.5 વર્ષમાં સેન્સેક્સ વધુ 35000 વધી 105000 થઇ શકે ભારતીય શેરમાર્કેટનો અમૃતકાળ સમય ચાલી રહ્યો છે ત્યારે આગામી સમયમાં પણ પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળશે. સેન્સેક્સે અંતીમ 35000 પોઇન્ટ 6 વર્ષથી ઓછા સમયમાં નોંધાવ્યા, હવે વધારાના 35000 પોઇન્ટ થતા માત્ર 3-3.5 વર્ષનો જ સમય લાગી શકે છે જેની પાછળનું મુખ્ય કારણ યુએસ રેટકટ ક્યારથી અને કેટલો ઝડપી આપે છે તેના પર આધાર, વિદેશી રોકાણમાં પોઝિટીવ ટ્રેન્ડ જોવા મળી શકે, દેશમાં સ્થિર સરકાર બને, કોર્પોરેટ સેક્ટરમાં નવા રોકાણ અને નફાકારકતા વધશે, આગામી બે વર્ષોમાં પ્રાઇવેટ સેક્ટરનું કેપેક્સ આવતા બજારને સપોર્ટ મળી રહેશે. આમ જોતા ઝડપી એક લાખનું માઇલસ્ટોન હાંસલ કરશે. – પાર્થ સંધાડિયા, માર્કેટ એનાલિસ્ટ-તોરીન વેલ્થ મેનેજમેન્ટ.
સેન્સેક્સને પહેલા 1000 પહોંચતાં 11 વર્ષ લાગ્યાં સેન્સેક્સની સફર શરૂ થઇ ત્યારથી એક હજાર પોઇન્ટ સુધી પહોંચતા સરેરાશ 11 વર્ષ લાગ્યા હતા. 25 જુલાઈ, 1990ના રોજ, સેન્સેક્સ પ્રથમ વખત 1 હજારના સ્તરને સ્પર્શ્યો હતો. 1 હજારથી 10 હજાર સુધી પહોંચવામાં લગભગ 16 વર્ષ લાગ્યાં (6 ફેબ્રુઆરી 2006). પરંતુ 10 હજારથી 70 હજાર સુધીની સફર માત્ર 17 વર્ષમાં પૂર્ણ થઈ હતી. જોકે, અંતિમ 35000 પોઇન્ટની સફળ માત્ર છ વર્ષથી પણ ઓછા સમયમાં પૂર્ણ કરી છે.