Updated: Dec 12th, 2023
– પદાધિકારીઓ ઉપવાસી છાવણીએ ન આવતા આક્રોશ વધ્યો
– એકબાજુ ચોમેર સફાઈ અભિયાન ધમધમે છે ત્યારે સફાઈ કર્મીઓના પ્રશ્નો પરત્વે સત્તાધીશોના આંખ આડા કાન
ભાવનગર : એકબાજુ દેશભરમાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતગર્ત સફાઈ અભિયાન ચાલી રહ્યુ છે ત્યારે સફાઈ કર્મચારીઓના વર્ષોજુના પડતર પ્રાણપ્રશ્નો પ્રત્યે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવતો ન હોય સફાઈકર્મીઓને આખરે આંદોલનનું શરણુ લેવાનો વખત આવે છે આ હકીકત મુજબ ગઢડા (સ્વા.)તાલુકાના ઢસા વીશી ગ્રામ પંચાયતના સફાઈકામદારોની હડતાળ ગઈકાલે ૪૦ માં દિવસમાં પ્રવેશી હતી તેમ છતાં સત્તાધીશો હજુ આંખ આડા કાન કરી રહ્યા હોય સફાઈકર્મીઓમાં પ્રબળ આક્રોશ ભભૂકી ઉઠયો છે.
ઢસા વીશી ગ્રામ પંચાયતના સફાઈ કામદારોને કાયમી કરવા, યુનિફોર્મ આપવા, લઘુત્તમ વેતનધારા મુજબ પગાર અને બોનસ ચૂકવવા, સેફટીના સાધનો આપવા, તાજેતરમાં જાહેર કરાયેલ ૩૦ ટકા પગાર વધારો આપવા સહિતની માંગણીઓ હજુ સુધી પડતર રહેલ છે. જયારે ૫૦ ટકા પગાર કાપી નાખેલા કર્મીઓને ગત તા.૧,૧૧,૨૦૨૩ નો પૂરો પગાર ચૂકવવો, સુપરવાઈઝર દ્વારા ખોટી રીતે કર્મચારીઓને થતી હેરાનગતિ અટકાવવી, ગ્રામ પંચાયતની બોડી દ્વારા સફાઈ કર્મીઓના આંદોલનના સમાધાનનું સોગંદનામુ કરવુ, તેઓને રજીસ્ટર નં.૧૮ (પ્રોસેડીંગ) ઠરાવની નકલ આપવા સહિતની માંગણીઓ સંદર્ભે સફાઈકર્મીઓ દ્વારા ગત તા.૨-૧-૨૦૨૩ થી ચાલી રહેલું આંદોલન ૪૦ માં દિવસે પણ યથાવત હોય તેમ છતા ધારાસભ્ય, જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી સહિતનાએ આજદિન સુધી આ આંદોલનની છાવણીની મુલાકાત લીધી નથી. દરમિયાન તાલુકા વિકાસ અધિકારી અને ધારાસભ્ય વગેરે તાજેતરમાં ઢસા જંકશનની આયોજિત વિકસીત સંકલ્પ યાત્રામાં આવ્યા હતા તેમ છતાં તેઓએ પણ આંદોલનની છાવણીની મુલાકાત લીધી ન હોય સફાઈકામદારોમાં સત્તાધીશોની કાર્યપધ્ધતિ ટીકાને પાત્ર બનેલ છે.
ઢસા વીશી ગામે ગંદકીના સામ્રાજયથી ભયંકર રોગચાળાની વકી
ઢસા વીશી ગામમાં છેલ્લા એક મહિનાથી સફાઈની કામગીરી સંપુર્ણપણે બંધ છે જેના કારણે ગામમાં ચોતરફ કચરાના ઢગલાઓ ખડકાયા છે અને ગંદકીનું સામ્રાજય વિકસી અને વિસ્તરી રહેલ છે જેના કારણે ગામમાં ભયંકર રોગચાળો ફાટી નિકળવાની સંભાવના રહેલી છે તેથી જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી જાગૃત લોકોએ માંગ કરી છે.