કોલકાતા/બેંગલુરુ5 કલાક પેહલા
- કૉપી લિંક
બેંગલુરુના રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ શુક્રવારે કોલકાતામાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. તેમના નામ અબ્દુલ મતીન તાહા અને મુસાવીર હુસૈન સાજીબ છે. NIA અનુસાર 2 માર્ચે સાજીબે કાફેમાં IED મૂક્યો હતો, જ્યારે તાહાએ આખો પ્લાન તૈયાર કર્યો હતો.
NIA જે બેંગલુરુમાં રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસની તપાસ કરી રહી છે, તેમણે 5 એપ્રિલે કહ્યું હતું કે આ કેસમાં મુખ્ય અને સહ-આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. મુસાવીર હુસૈન સાજીબ મુખ્ય આરોપી છે અને અબ્દુલ મતીન તાહા સહઆરોપી છે. મુસાવીર જ કેફેમાં વિસ્ફોટક લઈ ગયો હતો. બંને શિવમોગા જિલ્લાના તીર્થહલ્લીના રહેવાસી છે.
NIAએ બંનેની શોધમાં કર્ણાટક, તમિલનાડુ અને યુપીમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા હતા. બંને પર 29 માર્ચથી 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, તપાસ એજન્સીએ બ્લાસ્ટ કેસમાં બીજેપી કાર્યકર સાંઈ પ્રસાદની પણ અટકાયત કરી છે. NIAનું કહેવું છે કે કેફે બ્લાસ્ટના આરોપીઓ સાથે સાંઈના કનેક્શન છે.
NIAએ 9 માર્ચે આરોપીની તસવીર જાહેર કરી હતી
સાજીબ અને તાહા બંને ISIS મોડ્યુલનો ભાગ
અગાઉ તપાસ એજન્સીએ 23 માર્ચે બે શંકાસ્પદોની ઓળખ કરી હતી. ફરાર આરોપી તાહા તમિલનાડુના પોલીસ ઈન્સ્પેક્ટર કે વિલ્સનની હત્યા કેસમાં વોન્ટેડ હતો અને મુખ્ય શકમંદ સાથે ચેન્નાઈમાં રહેતો હતો. NIA અનુસાર, સાજીબ અને તાહા બંને ISIS મોડ્યુલનો ભાગ છે. અગાઉ ધરપકડ કરાયેલા મોડ્યુલના સભ્યોએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું.
NIAએ 1000 CCTV કેમેરા સ્કેન કર્યા, CAPની મદદથી શંકાસ્પદની ઓળખ કરી
NIAએ આસપાસના વિસ્તારમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરીને મુખ્ય આરોપીની ઓળખ કરી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીના જણાવ્યા અનુસાર, તાહા હંમેશાં કેપ પહેરતો હતો, જે તેણે ચેન્નાઈમાં હતો ત્યારે ખરીદ્યી હતી. વિસ્ફોટના દિવસે શંકાસ્પદ હુમલાખોર સાજીબ આ જ કેપ પહેરીને જોવા મળ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે આ કેપના માત્ર 400 નંગ જ વેચાયા હતા.
અન્ય CCTV ફૂટેજમાં NIA અધિકારીઓએ તાહાને ચેન્નાઈના એક મોલમાંથી કેપ ખરીદતો જોયો હતો. વિસ્ફોટ પછી શંકાસ્પદ વ્યક્તિએ કેફેથી થોડા અંતરે કેપ છોડી દીધી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે આ કેપ જાન્યુઆરીના અંતમાં મોલમાંથી ખરીદવામાં આવી હતી.
NIAના સૂત્રોએ એમ પણ જણાવ્યું કે તેમને કેપમાં વાળ મળ્યા હતા, જેને ફોરેન્સિક માટે મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં મુખ્ય શંકાસ્પદ સાજીબનાં માતા-પિતાના ડીએનએ સેમ્પલ સાથે મેચ કરવામાં આવ્યાં હતાં. સાજીબનાં માતા-પિતાએ બાદમાં સીસીટીવી ફૂટેજ જોયાં અને પુષ્ટિ કરી કે જે વ્યક્તિ દેખાય છે તે તેમનો પુત્ર હતો. એજન્સીએ એમ પણ કહ્યું કે શંકાસ્પદ વ્યક્તિને છેલ્લે આંધ્ર પ્રદેશના નેલ્લોરમાં જોવામાં આવ્યો હતો.
આ કેફેની અંદર આરોપીની તસવીર છે, જેમાં તે ઈડલીની થાળી લઇને જોવા મળે છે.
સાજીબને મદદ કરનાર વ્યક્તિની 26 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી
NIAએ 26 માર્ચે ચિક્કામગાલુરુના રહેવાસી મુઝમ્મિલ શરીફની ધરપકડ કરી હતી. મુઝમ્મિલે મુસાવીર હુસૈન સાજીબ અને અબ્દુલ મતીન તાહાને બ્લાસ્ટ સંબંધિત સામગ્રી પૂરી પાડી હતી. મુઝમ્મિલની ધરપકડ કરવા NIAએ ત્રણ રાજ્યો કર્ણાટક, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં દરોડા પાડ્યા હતા. સર્ચ દરમિયાન કેટલીક રોકડ સાથે કેટલાંક ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
NIAએ આરોપી વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ રામેશ્વરમ કાફે બ્લાસ્ટના આરોપીઓ વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. એજન્સીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ જે કોઈપણ માહિતી પ્રદાન કરે છે જે આરોપીની ધરપકડ કરવામાં મદદ કરી શકે છે તે ઈનામ માટે પાત્ર હશે.
NIAએ એમ પણ કહ્યું કે માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતી ઈમેલ [email protected] અથવા ફોન નંબર 080-29510900 અને 8904241100 પર આપી શકાય છે. એજન્સીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આરોપીનો ફોટો પણ જાહેર કર્યો છે. આ તસવીર 1 માર્ચે વિસ્ફોટ પહેલાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
3 માર્ચે ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ NIAને સોંપી હતી. ત્રણ દિવસ બાદ NIAએ આ ઈનામની જાહેરાત કરી છે.
2 માર્ચના રોજ, આરોપીએ કેફેમાં ઇડલી લીધી, પૈસા આપ્યા અને બેગ ડસ્ટબીન પાસે રાખી
કેસની તપાસ દરમિયાન, સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે માસ્ક પહેરેલો એક વ્યક્તિ કેફેની નજીક બસમાંથી ઊતર્યો અને 11:30 વાગ્યે કેફેમાં પ્રવેશ્યો. આરોપીની ઉંમર 25 થી 30 વર્ષની વચ્ચે છે. તે એક થેલી લઈને આવ્યો હતો.
તેણે કાફેમાં ઈડલી મંગાવી, કાઉન્ટર પર પેમેન્ટ કર્યું અને ટોકન લીધું. આ પછી, 11:45 વાગ્યે તે ડસ્ટબીન પાસે બેગ મૂકીને ચાલ્યો ગયો. એક કલાક પછી ટાઈમર સેટ કરેલી તે જ બેગમાં વિસ્ફોટ થયો, જેમાં 10 લોકો ઘાયલ થયા.
બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટનો આ બીજો વીડિયો છે. જેમાં બપોરે 1 વાગ્યાની આસપાસ લોકો ભોજન કરી રહ્યા હતા ત્યારે અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો.