લાહોર42 મિનિટ પેહલા
- કૉપી લિંક
લાહોરના ડોન અમિર સરફરાઝની હત્યા કરવામાં આવી છે. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે લાહોરમાં કેટલાક લોકોએ અમીરને ગોળી મારી હતી. આ પછી તેનું મોત થયું. એવું માનવામાં આવે છે કે અમીર સરફરાઝ અને તેના સહયોગીઓએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના નિર્દેશ પર 2013માં લાહોર જેલમાં બંધ ભારતીય નાગરિક સરબજીત સિંહની માર મારી હત્યા કરી હતી.
ડિસેમ્બર 2018માં પાકિસ્તાનની એક કોર્ટે પુરાવાના અભાવને ટાંકીને સરબજીતની હત્યાના બે આરોપીને મુક્ત કર્યા હતા. જેમાં અમીર સરફરાઝ અને મુદ્દસરનો સમાવેશ થાય છે. આ બંને વિરુદ્ધ કોઈએ જુબાની આપી નહોતી. વાસ્તવમાં પંજાબનો સરબજીત 1990માં ભૂલથી સરહદ પાર કરીને પાકિસ્તાન ગયો હતો. પાકિસ્તાની સેનાએ તેને ભારતીય જાસૂસ કહીને બંધક બનાવી લીધો હતો.

આ તસવીર સરબજીત સિંહની છે.
પાકિસ્તાન ભારત પર ટાર્ગેટ કિલિંગનો આરોપ લગાવી રહ્યું છે
પાકિસ્તાનમાં સરબજીતના હત્યારાના મોતના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે પાકિસ્તાને હાલમાં જ ભારત પર ટાર્ગેટ કિલિંગનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાને કહ્યું હતું કે ભારત પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે તેના નાગરિકોની હત્યા કરી રહ્યું છે. પાકિસ્તાને બ્રિટિશ મીડિયા હાઉસ ધ ગાર્ડિયનના અહેવાલને ટાંકીને આ આક્ષેપો કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે “ભારતીય ગુપ્તચર કાર્યકર્તાઓ વિદેશી ધરતી પર રહેતા આતંકવાદીઓને ખતમ કરવાની તેમની વ્યૂહરચનાના ભાગરૂપે પાકિસ્તાનમાં ઘણા લોકોની હત્યા કરી રહ્યા છે.”
તેના પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, “ટાર્ગેટ કિલિંગ ભારતની વિદેશ નીતિમાં નથી.” વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે આરોપો ખોટા છે અને ભારત વિરુદ્ધ પ્રોપેગન્ડા ચલાવવામાં આવી રહ્યો છે.
શું હતી સરબજીતની કહાની?
સરબજીત સિંહ પંજાબના તરનતારનના ભિખીવિંડ ગામના ખેડૂત હતા. સરબજીત સિંહ લાહોર અને ફૈસલાબાદમાં બોમ્બ વિસ્ફોટોના આરોપી બન્યા બાદ પાકિસ્તાનમાં કેદ હતા. સરબજીત સિંહને 1991ના બોમ્બ વિસ્ફોટો માટે ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.
પાકિસ્તાનની જેલમાં 23 વર્ષ વિતાવ્યા બાદ 2013માં તેને જેલમાં ઘણા પાકિસ્તાનીઓ દ્વારા નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. આ પછી લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. ભારતમાં આતંકવાદી અફઝલ ગુરુને ફાંસી આપ્યાના થોડા સમય બાદ જેલમાં સરબજીત પર હુમલો થયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેદીઓએ તેમના માથા પર ઇંટો વડે માર્યા હતા. તેમના મૃત્યુ બાદ તેમનો મૃતદેહ ભારત મોકલવામાં આવ્યો હતો.

સરબજીત સિંહની પત્ની તેમના બાળકો સાથે.
સરબજીતે પત્રમાં લખ્યું હતું- મને ઝેર આપવામાં આવી રહ્યું છે
સરબજીતે જેલમાં રહીને આ પત્ર લખ્યો હતો. જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે તેને સ્લો પોઈઝન આપવામાં આવી રહ્યું છે. તેમણે લખ્યું હતું- ‘જ્યારે પણ મારું દર્દ અસહ્ય થઈ જાય છે, ત્યારે હું જેલ સત્તાવાળાઓ પાસેથી દર્દની દવા માગું છું. મારી મજાક ઉડાવવામાં આવે છે, મને પાગલ તરીકે દર્શાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે છે.
સરબજીતે લખ્યું હતું- ‘મને એકાંતમાં રાખવામાં આવ્યો છે અને મારા માટે રિલીઝ માટે એક દિવસ પણ રાહ જોવી મુશ્કેલ બની ગઈ છે.’