Updated: Dec 13th, 2023
– હાલ કમાટી બાગમાં શિવાજી મહારાજની પ્રતિમાનું કાર્ય ચાલુ
– ટૂંક સમયમાં ત્રણે સ્કલ્પચર ખુલ્લા મુકાશે
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરનાં વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવેલા સ્કલ્પચરને એજીંગ પ્રોસેસ તથા વાતાવરણની સીધી અસરના કારણે તેના જતન માટે કામગીરી કરવી જરૂરી થઈ પડી હતી. જેથી કોર્પોરેશન દ્વારા શહેરના ત્રણ સ્કલ્પચરની 29.55 લાખના ખર્ચે રીસ્ટોરેશન કરવાની કામગીરી શરૂ કરાવી હતી. કેટલાક મહિનાથી થઈ રહેલી કામગીરી હવે પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં તે ખુલ્લા કરી દેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધી આર્ટસના નિષ્ણાતોની ટીમ દ્વારા આ કામગીરી થઈ રહી છે.
વડોદરામાં ત્રણ સ્કલ્પચર પૈકી કાલાઘોડા, જેલ રોડ નજીક ફતેસિંહ રાવની પ્રતિમા અને કમાટીબાગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો સમાવેશ થાય છે. સાત મહિના અગાઉ આ કામગીરી શરૂ કરાય ત્યારે ફતેસિંહ રાવની પ્રતિમાનું નિરીક્ષણ કરતા નિષ્ણાતે જણાવ્યું હતું કે હાલ પ્રતિમાની જે હાલત થઈ છે તેને બ્રોન્ઝસીસ કહેવાય છે એટલે કે જેમ કેન્સર ફેલાય તેમ તે ફેલાતું રહે છે, અને પ્રતિમાને નુકસાન કરે છે. એટલે આ કામગીરીમાં સૌપ્રથમ તેને ફેલાતું અટકાવવાનું છે. એ પછી શરૂ કરેલી કામગીરી પદ્ધતિસર કેમિકલી કરી છે. કોર્પોરેશન દ્વારા આ સંસ્થા ઉપરાંત સેન્ટર ફોર ધી આર્ટ્સ, (કોન્ઝર્વેશન વિભાગ) તેમજ મીનીસ્ટ્રી ઓફ કલ્ચર, ભારત સરકારની પણ મદદ લીધી છે. આ ત્રણેય સ્કલ્પચરનાં રીસ્ટોરેશન કર્યા બાદ આવરદા 25 વર્ષ સુધીની રહેશે. ત્રણેય પ્રતિમાની રીસ્ટોરેશન કામગીરી આમ તો વહેલી થઈ જવી જોઈતી હતી, પરંતુ તેમાં વિલંબ થયો છે. હાલ કમાટીબાગમાં શિવાજી મહારાજની પ્રતિમાની કામગીરી ચાલુ છે બાકીની બે જગ્યાએ થોડું કામ બાકી રહ્યું છે.