તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી
ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા
Updated: Dec 13th, 2023
Bhupat Bhayani : દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લોકસભાની ચૂંટણી પહેલા મોટો ઝટકો લાગ્યો છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે.
ભૂપત ભાયાણી ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં
ગુજરાત રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડ્યો છે અને ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ભૂપત ભાયાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સાથે ગઈકાલે મુલાકાત કરી હતી. તેઓ ઘણા સમયથી ભાજપ સાથે સંપર્કમાં હોવાની પણ માહિતી છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાય જાય તેવી શક્યતા છે.
વિધાનસભામાં AAPના 4 ધારાસભ્ય જ રહ્યા
વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ ભૂપત ભાયાણીનું રાજીનામું મંજૂર કર્યું હતું. આ સાથે જે હવે છ માસમાં વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી આવશે. ભૂપત ભાયાણીએ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ હવે ભાજપમાં જોડાય તેવી અટકળો સામે આવી રહી છે ત્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને વધુ એકવાર ઝટકો લાગતા એક સાંધો તો તેર તૂટે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા હવે વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 4 ધારાસભ્ય જ રહ્યા છે.