નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દાવો કર્યો હતો કે કેજરીવાલને ટાઇપ-2 ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જેલમાં પૂરી-શાક, કેરી, મીઠાઈઓ ખાઈ રહ્યા છે અને ખાંડવાળી ચા પી રહ્યા છે. તેઓ આવું જાણીજોઈને કરી રહ્યા છે, જેથી તેમનું બ્લડ શુગર વધે અને એના આધારે તેમને જામીન મળે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ લિકર પોલિસી કેસમાં 1 એપ્રિલથી તિહાર જેલમાં બંધ છે. તેમની 21 માર્ચે EDએ ઘરેથી ધરપકડ કરી હતી.
EDએ તિહાર પાસેથી કેજરીવાલના ખોરાક વિશે માહિતી માગી હતી
EDના વકીલ ઝોહેબ હુસૈને આ માહિતી સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ રજૂ કરી હતી. કેજરીવાલ દ્વારા દાખલ કરાયેલી નિયમિત ચેકઅપ અરજીના જવાબમાં હુસૈને કહ્યું હતું કે આ માહિતી ત્યારે સામે આવી જ્યારે એજન્સીએ તિહાર જેલને પત્ર લખીને કેજરીવાલના ખોરાક અને દવાઓ વિશે માહિતી માગી.
હુસૈનના કહેવા મુજબ અમે ડાયટ ચાર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો છે. આ ચાર્ટમાં કેરી અને મીઠાઈઓ હતી. કેજરીવાલ જાણીજોઈને મીઠાઈઓનું સેવન કરે છે, જેને ડાયાબિટીસના દર્દીઓને ખાવાની મંજૂરી નથી. એ જ સમયે, કેજરીવાલના વકીલ વિવેક જૈને EDના દાવા સામે વાંધો ઉઠાવ્યો અને કહ્યું હતું કે તપાસ એજન્સી માત્ર મીડિયા માટે આ આરોપો લગાવી રહી છે.
કેજરીવાલના વકીલે કહ્યું- નવેસરથી અરજી દાખલ કરીશું
કેજરીવાલે કોર્ટ પાસે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ડૉક્ટરની સલાહ લેવાની પરવાનગી માગી હતી, કારણ કે તેમના બ્લડશુગરના સ્તરમાં વધઘટ થાય છે. EDના જવાબ બાદ કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું હતું કે અમે અમારી હાલની અરજી પાછી ખેંચી રહ્યા છીએ. નવેસરથી અરજી દાખલ કરીશું.