Updated: Dec 13th, 2023
વડોદરા,તા.13 ડિસેમ્બર 2023,બુધવાર
વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલી ઝેનિથ સ્કૂલમાં ફી નહીં ભરનાર ચાર વિદ્યાર્થિનીઓને ટોર્ચર કરવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો.
વાલીઓની સાથે સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો પણ ઝેનિથ સ્કૂલ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓ અને કાર્યકરોનુ કહેવુ હતુ કે, પ્રાથમિક વિભાગના ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતી ચાર વિદ્યાર્થિનીઓેને છેલ્લા ક્વાર્ટરમાં ફી નહીં ભરાઈ હોવાથી સ્કૂલના શિક્ષક તેમને સતત ટોર્ચર કરતા હતા. વિદ્યાર્થિનીઓને તેઓ કહેતા હતા કે, જો ફી ભરવાની ત્રેવડ નથી તો સ્કૂલમાં કેમ ભણાવો છો…વિદ્યાર્થિનીઓને બેન્ચ પર ઉભા રાખવામાં આવતી હતી. છેલ્લા એક સપ્તાહથી તેમને ક્લાસમાં છેલ્લી પાટલી પર બેસાડાતા હતા.
એક વાલીએ કહ્યુ હતુ કે, અમારુ બાળક ઘરે આવીને સતત રડયા કરતુ હતુ. અન્ય સ્ટુડન્ટસની સામે આ પ્રકારના વર્તનના કારણે તેને આઘાત લાગ્યો છે. જો તે ઘરમાં કોઈ અનિચ્છિનિય પગલુ ભરશે તો તેના માટે જવાબદાર કોણ હશે? અમને પરિણામ પણ આપવામાં આવ્યુ નથી. અમે ઈચ્છીએ છે કે, સ્કૂલ આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરે. જેથી અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આ પ્રકારનુ વર્તન ના થાય. આ સ્કૂલ સારી જ છે પણ સ્કૂલ સંચાલકોએ શિક્ષકને કહેવુ જોઈએ કે, વિદ્યાર્થી સામે કાર્યવાહી કરતા પહેલા એક વખત વાલીને ફી માટે ફોન કરે.
દીપક ભાઈ નામના વાલીએ કહ્યુ હતુ કે, ફિરોઝાબેન નામના શિક્ષિકા વિદ્યાર્થિનીઓને ટોર્ચર કરી રહ્યા છે. તેમની સામે અમે શિક્ષણ મંત્રી અને બાળ આયોગને પણ રજૂઆત કરવાના છે.
બીજી તરફ સ્કૂલના આચાર્યે કહ્યુ હતુ કે, વાલીઓએ મીડિયા અને બીજા વાલીઓની સાથે સ્કૂલમાં આવીને હોબાળો કરવાની જગ્યાએ પહેલા અમારી પાસે આવવુ જોઈતુ હતુ અને અમને આ બાબતે ફરિયાદ આપવી જોઈતી હતી. અમે બંને પક્ષોને સાંભળીને આગળ કાર્યવાહી કરત. અમારી સ્કૂલમાં વિદ્યાર્થીઓને બેન્ચ પર ઉભા રાખવાની સજા ક્યારેય નથી અપાતી પણ વાલીઓએ આક્ષેપ કર્યા છે તો અમે તપાસ કરીશું અને આક્ષેપ સાચા હશે તો શિક્ષિકા સામે કાર્યવાહી પણ કરીશું.
બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સ્કૂલમાં થતા ટોર્ચરના કારણે એક વિદ્યાર્થિનીની તબિયત પણ લથડી છે.