રાવલપિંડી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
બુશરા બીબી પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ત્રીજી પત્ની છે. બંનેએ વર્ષ 2018માં નિકાહ કર્યા હતા. (ફાઈલ)
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને આરોપ લગાવ્યો છે કે તેમની પત્ની બુશરા બીબીને ટોયલેટ ક્લીનર મિશ્રિત ભોજન આપવામાં આવી રહ્યું છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન અનુસાર, શુક્રવારે (18 એપ્રિલ) રાવલપિંડીની અદિયાલા જેલમાં 2,000 કરોડ રૂપિયાના કૌભાંડ સાથે સંબંધિત એક કેસની સુનાવણી ચાલી રહી હતી.
આ દરમિયાન ઈમરાને જજ જાવેદ રાણાની સામે આ આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે નજરકેદ દરમિયાન બુશરાને ટોયલેટ ક્લીનર મિશ્રિત ખોરાક ખાધા પછી પેટમાં બળતરા થવા લાગી હતી.
ઈમરાન ખાન અને બુશરા બીબી 17 જુલાઈ 2023ના રોજ જામીનના દસ્તાવેજ પર સહી કરી રહ્યા છે.
ઈમરાને મીડિયાથી દૂર રહેવાની સલાહ આપી
ઈમરાન ખાને કહ્યું કે શૌકત ખાનુમ હોસ્પિટલના અધિકારી ડો. અસીમ યુસુફે બુશરા બીબીનું સ્વાસ્થ્ય તપાસ શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં કરાવવાનું સૂચન કર્યું હતું. પરંતુ જેલ પ્રશાસન પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં જ ટેસ્ટ કરાવવા પર મક્કમ છે.
આ પછી કોર્ટે ડૉ.યુસુફને ઈમરાન ખાન અને બુશરા બીબીની મેડિકલ તપાસ કરાવવાનો આદેશ આપ્યો હતો. આ સિવાય કોર્ટે ઈમરાન ખાનને મીડિયા સાથે વાત કરવાની પણ મનાઈ કરી છે. આના પર ઈમરાને સ્પષ્ટતા કરી કે તે મીડિયા સાથે વાત કરે છે જેથી તેની વિરુદ્ધ ફેલાવવામાં આવતી અફવાઓને દૂર કરી શકાય.
‘બુશરાને કંઈ થશે તો આર્મી ચીફ જવાબદાર’
આ પહેલા 15 એપ્રિલે બુશરા બીબીએ ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં પોતાની પસંદગીની ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટની મંજૂરી આપવા અપીલ કરી હતી. તે જાણવા માંગતી હતી કે શું જેલ સત્તાવાળાઓ તેને ઝેર મિશ્રિત ખોરાક આપી રહ્યા છે. બુશરા બીબીએ દાવો કર્યો હતો કે છાતીમાં બળતરા ઉપરાંત તેને ગળા અને મોઢામાં દુખાવાની ફરિયાદ હતી.
આ પહેલા 17 એપ્રિલના રોજ ઈમરાને કહ્યું હતું કે “પાકિસ્તાનમાં જંગલરાજ ચાલી રહ્યું છે. દેશમાં જે કંઈ પણ થાય છે, તે આર્મી ચીફ અસીમ મુનીરના કહેવાથી થાય છે. તેણે બુશરાની ધરપકડ પણ કરાવી હતી. જો મારી પત્નીને કંઈ થશે તો, તો મુનીર જવાબદાર હશે.”
આર્મી ચીફને ધમકી આપતા ખાને કહ્યું હતું કે, “જો મારી પત્નીને કંઈ થશે તો હું તેને છોડીશ નહીં. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી તેની તમામ ગેરકાયદે અને ગેરબંધારણીય પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરતો રહીશ.”
ખાને કહ્યું હતું- ‘બુશરાને ઝેર આપવામાં આવ્યું હતું’
એપ્રિલની શરૂઆતમાં પણ ઈમરાને દાવો કર્યો હતો કે તેની પત્ની બુશરા બીબીને ઝેર આપવામાં આવ્યું છે. ઈમરાને આ આરોપો જેલમાં કામચલાઉ કોર્ટમાં સુનાવણી દરમિયાન લગાવ્યા હતા. ખાને એમ પણ કહ્યું હતું કે જો બુશરાને કંઈપણ થશે તો તેના માટે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર જવાબદાર રહેશે.
પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને અનેક મામલામાં સજા ફટકારવામાં આવી હતી. જેમાં ગેરકાયદેસર નિકાહ અને તોશાખાનાને લગતા કેસો સામેલ હતા. આ કેસમાં બુશરા બીબીને પણ 21 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ત્યારથી તે ખાનના બનિગાલા બંગલામાં નજરકેદ છે.
ઈમરાન-બુશરાએ ઈદ્દતની મુદત પૂરી કર્યા વગર જ નિકાહ કર્યા
ખરેખરમાં બુશરાના પૂર્વ પતિ ખાવર ફરીદ માનેકાએ ઇમરાન-બુશરાના નિકાહને છેતરપિંડી ગણાવતી અરજી કરી હતી. મેનકાએ આરોપ લગાવ્યો હતો કે બુશરાએ ઈદ્દતનો સમયગાળો પૂરો કર્યા વિના જ ખાન સાથે નિકાહ કર્યા હતા. ખરેખરમાં, ઇસ્લામમાં, ઇદ્દત એ તલાક બાદ બીજા લગ્ન કરવા વચ્ચેનો એક નિશ્ચિત સમય હોય છે.
ઈમરાન ખાન પોતે ગયા વર્ષે ઓગસ્ટથી પાકિસ્તાનની અદિયાલા જેલમાં બંધ છે. ત્યારબાદ તોશાખાના કેસમાં તેમને 3 વર્ષની સજા થઈ હતી. આ પછી મે મહિનામાં તેને હિંસા, ગેરકાયદેસર નિકાહ અને તોશાખાના સાથે જોડાયેલા અન્ય કેસમાં કુલ 31 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો…
જેલમાં બંધ ઈમરાન પર દર મહિને 3 લાખનો ખર્ચઃ સુરક્ષા માટે 14 પોલીસકર્મીઓ તહેનાત, પાકિસ્તાનાના પૂર્વ PMનું ભોજન અલગથી બનાવવામાં આવે છે
રાવલપિંડીની અદિયાલા જેલમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન માટે 7 સેલ ફાળવવામાં આવ્યા છે. સામાન્ય રીતે જેલમાં 10 કેદીઓની સુરક્ષા માટે એક કર્મચારી તહેનાત હોય છે, પરંતુ એકલા ખાનની સુરક્ષા માટે અદિયાલા જેલમાં 14 સુરક્ષાકર્મીઓ તહેનાત છે.