3 કલાક પેહલા
- કૉપી લિંક
મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં અમિતાભ પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. અહીં બિગ બીને ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
સ્ટેજ પર ગાયિકા ઉષા મંગેશકર પાસેથી એવોર્ડ લેતા અમિતાભ બચ્ચન. અભિનેતા રણદીપ હુડ્ડા, અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરે અને સંગીતકાર એઆર રહેમાન પણ જોવા મળે છે.
મંગેશકર ભાઈ-બહેનોની ત્રીજી સૌથી મોટી બહેન ગાયિકા ઉષા મંગેશકરે આ કાર્યક્રમમાં અમિતાભને આ સન્માન આપ્યું હતું. આ પહેલા ગાયિકા આશા ભોંસલે અમિતાભને આ એવોર્ડ આપવાના હતા પરંતુ તેમની ખરાબ તબિયતના કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. આ એવોર્ડ સમારોહમાં સંગીતકાર એઆર રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન અમિતાભે સ્ટેજ પર એક મરાઠી કવિતા પણ સંભળાવી.
કહ્યું, ‘તેમનો પ્રેમ અને લાગણી અલગ જ હતી’
આ પ્રસંગે અમિતાભે લતા મંગેશકરને માતા સરસ્વતી તરીકે યાદ કરતા મરાઠી કવિતા પણ સંભળાવી હતી. બિગ બીએ કહ્યું- ‘જ્યારે પણ હું લતાજીને મળ્યો કે જ્યારે પણ તેઓ મારા પરિવારને મળ્યા ત્યારે તેમનો પ્રેમ અને લાગણી કંઈક અલગ જ હતી’.
કાર્યક્રમમાં પહોંચેલા અમિતાભ-અભિષેકે સ્વર્ગસ્થ લતા મંગેશકરના ફોટા પર ફૂલ અર્પણ કર્યા હતા.
ન્યૂયોર્કમાં ‘મેરે અંગને મેં..’ ગીત ગાયું
ઈવેન્ટમાં 1981ની વાર્તા શેર કરતા અમિતાભે કહ્યું કે લતાજીના કારણે જ તેમને ઈન્ટરનેશનલ શોમાં પરફોર્મ કરવાની તક મળી. અભિનેતાએ જણાવ્યું કે ન્યૂયોર્કમાં આયોજિત એક શોમાં લતાજીએ તેમને સ્ટેજ પર ફિલ્મ ‘લાવારિસ’નું ગીત ‘મેરે અંગને મેં..’ ગાવાની તક આપી હતી.
ફેબ્રુઆરી 2022માં લતા મંગેશકરના નિધન બાદ પરિવાર અને ટ્રસ્ટે તેમની યાદમાં લતા દીનાનાથ મંગેશકર એવોર્ડની સ્થાપના કરી હતી. 2022 માં, આ સન્માન પ્રથમ વખત પીએમ નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું હતું.
અમિતાભની આગામી ફિલ્મ કલ્કી છે જેમાં તે અશ્વત્થામાના રોલમાં જોવા મળશે.
‘કલ્કી 2898 એડી’માં જોવા મળશે
81 વર્ષના અમિતાભ છેલ્લા 5 દાયકાથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તેણે પોતાના કરિયરમાં ‘જંજીર’, ‘દીવાર’, ‘મોહબ્બતેં’ અને ‘પીકુ’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. વર્ક ફ્રન્ટ પર, અભિનેતા આ વર્ષે રિલીઝ થનારી ‘કલ્કી 2898 એડી’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય દીપિકા પાદુકોણ, પ્રભાસ અને કમલ હાસન જેવા કલાકારો જોવા મળશે.