અમદાવાદ,
રવિવાર
અરબી સમુદ્રમાં પાકિસ્તાન અને ઇરાનના માર્ગથી અગાઉ હજારો કરોડ
રૂપિયાના ડ્રગ્સની હેરફેર કરતા માફિયાઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોરબંદર પાસે
વધુ એકવાર પાકિસ્તાની ફિશિંગ બોટમાંથી હેરોઇનના જથ્થા સાથે ૧૫ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં
આવ્યા છે. ગુજરાત એટીએસ દ્વારા બાતમીને આધારે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એનસીબીની ટીમને
સાથે રાખીને પોરબંદરથી ૧૮૦ નોટીકલ માઇલ દુર મધદરિયે ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં
પાકિસ્તાની બોટને રોકવાનો પ્રયાસ કરતા કેટલાંક લોકોએ ડ્રગ્સના પેકેટ દરિયામાં
ફેંકવાના શરૂ કર્યા હતા.જેથી ભારતીય એજન્સી દ્વારા સામે ફાયરીંગ કરતા પાકિસ્તાની બોટના
કેપ્ટનને ઇજા પહોંચી હતી. બોટમાં તપાસ કરતા
રૂપિયા ૬૦૨ કરોડની કિંમતનું હેરોઇન મળી આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું
હતું કે કરાંચી બંદરથી આ ડ્રગ્સ હાજી અસ્લમ નામના ડ્રગ્સ માફિયાએ મોકલ્યું હતું.
ગુજરાત એટીએસના પોલીસ અધિક્ષક કે કે પટેલને ચોક્કસ બાતમી મળી
હતી કે પાકિસ્તાનનો કુખ્યાત ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ ઉર્ફે બાબુ બલોચ દ્વારા
કરાંચી બંદરથી અલ-રઝા નામની ફિશિંગ
બોટમાં હેરોઇન અને મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સનો મોટો જથ્થો ભારત તરફ મોકલ્યો છે.
જે ૨૫મી એપ્રિલથી ૨૬મી એપ્રિલના વહેલી પરોઢ દરમિયાન પોરબંદરથી નજીક ઇન્ટરનેશનલ મેરીટાઇમ બોર્ડર
લાઇન પરથી આવશે. આ ડ્રગ્સનો જથ્થો તામીલનાડુની કોઇ બોટને હેન્ડઓવર કરવાનો છે. જ્યાંથી
તે જથ્થો શ્રીલંકા તરફ મોકલાશે. આ માટે પાકિસ્તાની
બોટ અને ભારતીય વચ્ચે હૈદર નામનો પાસવર્ડ પણ નક્કી કરાયો હતો. આ માહિતી મળ્યા બાદ એટીએસના અધિકારીઓ પાસે સમય ખુબ
જ ઓછો હોવાથી ઓપરેશન પાર પાડવા માટે દિલ્હી એનસીબી અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને જાણ કરવામાં આવી હતી. જેના
આધારે ેેએટીએસની ટીમ એનસીબી અને કોસ્ટ ગાર્ડની ટીમ સાથે પોરબંદરથી ૧૮૦ નોટીકલ માઇલ
અંદર અરબી સમુદ્રમાં બોટની તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં વહેલી પરોઢે શંકાસ્પદ બોટ
દેખાઇ આવતા તેને રોકવા માટે જાણ કરવામાં આવી હતી. પરંતુ, ભારતીય એજન્સીઓને
જોઇને બોટમાં રહેલા લોકોએ કેટલાંક પેકેટ દરિયામાં ફેંકવાના શરૂ કરાયા હતા. જેથી ભારતીય
એજન્સીઓએ તેમને રોકવા માટે ફાયરીંગ કર્યું હતું. જેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી.
જે બાદ પાકિસ્તાની બોટને આંતરવા પ્રયાસ કર્યો હતો. પણ પાકિસ્તાની બોટના ચાલકે બોટથી
ભારતીય બોટને અથડાવવાનો પ્રયાસ કર્યો હતો.
આમ, મધદરિયે ઘર્ષણની
સ્થિતિ ઉભી થઇ હતી. જો કે બોટને આંતરીને તપાસ કરતા તેમાંથી ૧૪ લોકો મળી આવ્યા હતા.
જ્યારે અન્ય એક વ્યક્તિને ફાયરીંગમાં ઇજાઓ પહોંચી હતી. જે બોટનો કેપ્ટન નઝીર હુસૈન
(રહે. બલુચીસ્તાન) હોવાનું જાણવા મળ્યું હતું.પાકિસ્તાની બોટમાં તપાસ કરતા તેમાંથી ૮૬ કિલો હેરોઇન મળી આવ્યું
હતું. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ૬૦૨ કરોડ જેટલી થાય છે. આ સમગ્ર કેસની તપાસ
એનસીબી દ્વારા એટીએસને સાથે રાખીને શરૂ કરવામાં આવી છે. જેમાં આગામી સમયમાં મોટો ખુલાસા
થવાની શક્યતા છે.
બોટમાં ૧૦૦ કિલોથી વધુ ેહેરોઇન હોવાની આશંકા
પાકિસ્તાની બોટમાં ડ્રગ્સ માફિયા હાજી અસ્લમ દ્વારા ૧૦૦ કિલોથી
વધુ હેરોઇન મોકલવામાં આવ્યું હતું. પરંતુ,
ભારતીય એજન્સીઓએ બોટને રોકવાનો પ્રયાસ કરતા અગાઉથી મળેલી સુચના મુજબ બોટમાં રહેલા
લોકોએ હેરોઇનને દરિયામાં ફેંકવાનું શરૂ કર્યું હતું. જેથી મુદ્દામાલ ભારતીય એજન્સીના
હાથમાં ન આવે. જો કે બધો જ મુદ્દામાલ દરિયામાં ફેંકે તે પહેલા જ બોટને સફળતા પૂર્વક
ઝડપી લેવામાં આવી હતી.
બોટમાંથી મળેલા તમામ પાકિસ્તાની બલોચીસ્તાનના વતની
પાકિસ્તાની બોટમાઁથી મળી આવેલા ૧૫ પાકિસ્તાન પૈકી ૧૪ પાકિસ્તાનીઓ
બલોચીસ્તાનના લસ્બેલ્લાના વતની હતી. જે ફીશીંગના નામે ડ્રગ્સ સપ્લાય કરવાની મુખ્ય કામગીરી
કરતા હતા. ઝડપાયેલા પાકિસ્તાનીઓ પૈકી સાત જેટલા પાકિસ્તાનીઓ અગાઉ અનેક વાર ડ્રગ્સ સપ્લાય
કરી ચુક્યા હોવાનું પણ જાણવા મળ્યું હતું.
ઝડપાયેલા પાકિસ્તાનીઓના નામ
૧. નાસીર હુસૈન
(ઉ.વ.૬૨)
૨. મહોમંદ સિદ્દીકી
ભટ્ટી (ઉ.વ.૬૫)
૩. અમીર હુસૈન ગુલામ
(ઉ.વ.૪૨)
૪. સલલ નબી (ઉ.વ.૨૨)
૫. અમન નબી (ઉ.વ.૧૯)
૬. બધનખાન અમીર
(ઉ.વ.૩૩)
૭. અબ્દુલ રશીદ
(ઉ.વ.૪૬)
૮. લાલબક્ષ મુરાદ
(ઉ.વ.૫૦)
૯. ચાકરખાન (ઉ.વ.૧૮)
૧૦. કાદીરખાન બક્ષ
(ઉ.વ.૪૦)
૧૧. અબ્દુલ સમાદ હુસૈન
(ઉ.વ.૪૦)
૧૨. એમ હકીમ મોસા
(ઉ.વ.૨૫)
૧૩. નૂર મુહમ્મદ અછો
(ઉ.વ.૬૨)
૧૪. મુહમ્મદખાન હુસૈન
(ઉ.વ.૫૬)
૧૫. નાસીર હુસૈન (કેપ્ટન)
હાજી અસ્લમે અગાઉ પણ અલ-રઝા બોટથી ડ્રગ્સ મોકલ્યાનો ખુલાસો
મુળ કરાંચીમાં રહેતા ડ્રગ્સ માફિયા હાજી અલ્સમ પાકિસ્તાનથી ભારત
અને શ્રીલંકામાં નિયમિત રીતે ડ્રગ્સ સપ્લાય કરતો હતો. ભારતીય એજન્સીઓ દ્વારા પકડવામાં આવેલી અલ-રઝા નામની
બોટમાં અગાઉ પણ તેણે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કર્યો હતો. ડ્રગ્સની હેરફેર કરતા સમયે તેનો
સાગરિત મહોમ્મદ સીદ્દીક પણ બોટમાં હાજર રહેતો હતો.
ત્રણ મહિનામાં પોરબંદ નજીકથી ત્રીજી વાર ડ્રગ્સ ઝડપાયું
ગુજરાત એટીએસ,
ઇડી, એનસીબી અને
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સહિતની એજન્સીઓ દ્વારા છેલ્લાં ત્રણ મહિનામાં ત્રીજી વાર ડ્રગ્સનો
મોટો જથ્થો જપ્ત કરાયો હતો. ૨૮મી ફેબુ્રઆરીએ
૩૭૨ કિલો ડ્ગ્સ સાથે પાંચ લોકોને ઝડપી લેવાયા હતા. ત્યારબાદ ૪૮૦ કરોડની કિંમતના ૮૦
કિલો ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઇ હતી.
જ્યારે ત્રીજી વાર ૬૦૨ કરોડની કિંમતનું હેરોઇન જપ્ત કરાયું હતું.