-તમને ભારતના ચૂંટણી પંચનું મતદાન કરવા આવજો કહેતું આમંત્રણ પત્ર હાથોહાથ રૂબરૂ મળ્યું છે? મને તો મળી ગયું. ચાલો કહું કેવી રીતે મળ્યું.
બળબળતા ઉનાળાની ધોમધખતી બપોર આકાશમાંથી આગ વરસતી હોય. જમીન ધખે અને ગમે તેવા જૂતાં પહેર્યા હોય તો પણ પગને ગરમી દઝાડે. તાપથી માથું ફાટી જાય. આવા વાતાવરણમાં બહાર નીકળવાનું અને એક આખા વિસ્તારના ૫૦૦થી ૭૦૦ ઘરોમાં, ઘેર ઘેર પગે ચાલીને ફરવાનું કોઈને ગમે ખરું? ના જ ગમે. છતાં બપોરના લગભગ સાડા બારના સુમારે ઘરના બારણે ટકોરા પડ્યા.. ઠક ઠક ઠક.. એ.સી.ની ઠંડકમાં આવતી મીઠી ઊંઘમાં ખલેલ અસહ્ય તો લાગી. છતાં કમને બારણું ખોલ્યું. એક પચીસેક વર્ષનો યુવાન દરવાજે ઊભો હતો. એના કપાળે પરસેવાના ટીપાં બાજ્યા હતા અને હાથમાં કાગળોનો થોકડો હતો.
આશ્ચર્ય થયું કે આવી કારમી બપોરે આ અજાણ્યા યુવાનને મારું શું કામ પડ્યું હશે? એટલે અવાજમાં આ મૂંઝવણ ભરીને પૂછ્યું કે ભાઈ આપને શું કામ છે? કોનું કામ છે? ઈચ્છા ન હોવા છતાં મીઠી નીંદરમાં ખલેલ પડવાથી અવાજમાં થોડો અણગમો અજાણ્યે અને અનિચ્છાએ જ ભળી ગયો. એણે ખૂબ વિનમ્રતાથી જણાવ્યું કે, હું ચૂંટણી કચેરીમાંથી આવું છું. મારું નામ પ્રેરક ટેલર છે અને હું આ વિસ્તારના લગભગ ૧૫૦૦ મતદારો માટે બી.એલ.ઓ. તરીકે કામ કરું છું. તેઓ ચૂંટણી પંચ વતી voter information slip એટલે કે મતદાર માહિતી કાપલી આપવા આવ્યા હતા. આ મતદાર માહિતી કાપલી પ્રત્યેક મતદાર માટે આંધળાની લાકડી જેવી છે. કેટલાય મતદારો માત્ર એટલા માટે મતદાન કરવા જતાં નથી કારણ કે એમને મતદાન કરવા ક્યાં જવાનું છે, કયા મતદાન મથકે જવાનું છે એની ખબર હોતી નથી. ભૂતકાળમાં તેઓ આ મતદાન મથકેથી પેલા મતદાન મથકે ભટક્યા હોય છે. એટલે કંટાળીને મતદાન કરવાનું જ છોડી દે છે. ભૂતકાળમાં ચૂંટણી તંત્ર દ્વારા આવી કાપલીઓ મતદારોને ઘેર બેઠા પહોંચાડવામાં આવતી ન હતી.
રાજકીય પક્ષોના ઉમેદવારો આવી કાપલી પહોંચાડતા અને પહોંચાડે છે. પરંતુ એ જવાબદારી સાથે વિતરિત થતી નથી. જ્યારે બી.એલ.ઓ. – બુથ લેવલ ઓફિસર એટલે કે મતદાન મથક સ્તરના અધિકારી કાપલીઓ ઘેર ઘેર ફરીને પહોંચાડે છે. આ ખૂબ મહેનતનું કામ છે. જો કે તેઓ ચૂંટણી તંત્રના પ્રતિનિધિ છે.એક મતદાન મથક હેઠળના તમામ મતદારો બી.એલ.ઓ.ના માધ્યમથી ચૂંટણી પંચ સાથે જોડાયેલા રહે છે. મતદારોની નામ નોંધણી, નામમાં સુધારા વધારા, નામ કમી કરવા અને મતદાર યાદીની સંક્ષિપ્ત કે સઘન સુધારણાના કામોમાં એમની અગત્યની ભૂમિકા છે. મતદાનના એક દિવસ અગાઉ તેઓ તેમને સોંપેલા મતદાન મથકે પહોંચી જાય છે અને મતદાન ટુકડીને મતદાન મથક બનાવવાના કામમાં મદદ કરે છે.
મતદાનના દિવસે તેઓ મતદાન મથકની નજીક બેસે છે અને મતદારોને જરૂરી માર્ગદર્શન આપે છે. લોકશાહીની સેવાનું ઘણું મોટું કામ આ લોકો કરે છે. પ્રેરક આમ તો કલેકટર કચેરીમાં જુનિયર ક્લાર્ક છે. તેની સાથે તેમને બી.એલ.ઓ.ની જવાબદારી સોંપવામાં આવી છે. પોતાની નિયમિત કલેરિકલ કામગીરી ઉપરાંત ચૂંટણી પંચે સોંપેલી જવાબદારી તેઓ ખૂબ સમર્પિત થઈને આખું વર્ષ નિભાવે છે. પહેલા મોટાભાગે શિક્ષકો આ કામગીરી કરતા. હવે તેમાં કલેકટર કે અન્ય કચેરીઓના જુનિયર કર્મચારીઓને જોડવામાં આવ્યા છે.
વડોદરા શહેરી વિસ્તારમાં ૧૨૦૦ ઉપરાંત મતદાન મથકો છે. એટલે કે હાલમાં લગભગ એ તમામ બી.એલ.ઓ. ધોમધખતા તાપમાં ઘેર ઘેર ફરી મતદાર માટે મતદાન મથકના ભોમિયા જેવી આ મતદાર માહિતી કાપલીઓ વહેંચી રહ્યાં છે. બે કે ત્રણ માળના મકાનોની હારમાળા હોય તો પ્રત્યેક બ્લોકમાં એમને આ કામ માટે ત્રણ માળ ચઢવા અને ઉતરવા પડે છે. એટલે આ કામ કેટલું અઘરું છે એ ભગાભાઈને પણ આપોઆપ સમજાય જાય.
જો ચુંટણી પંચ કે કોઈ સંસ્થા સર્વેક્ષણ કરે તો માત્ર આ કાપલી પ્રત્યેક ઘરમાં પહોંચવાથી પણ મતદાનમાં લઘુત્તમ ૫થી ૧૦ ટકા વધારો આપોઆપ થાય એવું તારણ નીકળી શકે. કાપલીમાં મતદારે મતદાન કરવા ક્યાં જવાનુ છે?
એના સરનામાની સાથે અન્ય ઘણી વિગતો છે. એટલે મતદારોની એક મોટી મૂંઝવણ દૂર થાય છે. તેની સાથે એમાં મતદાનની તારીખ, મતદાનનો સમય દર્શાવેલો છે. તેમનો ફોટો ઓળખ પત્ર નંબર મતદાર યાદીના કયા ભાગમાં આ મતદારોનું નામ છે? એ ભાગનું નામ અને નંબર દર્શાવેલા હોય છે. એટલે મતદાન કર્મચારી મતદાન મથકે એની વિગતો ઝડપથી શોધી શકે છે. તેમાં સીઇઓની વેબસાઈટનું ડિજિટલ સરનામું અને સીઈઓ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર જેવી ઉપયોગી માહિતી પણ છે. કાપલીની બેક સાઈડ એટલે કે પાછળની બાજુએ મતદાનના નિયમો સમજાવેલા છે. એ વાંચી લેવા પ્રત્યેક મતદાર માટે જરૂરી છે.
એક રીતે આ કાપલી મતદારને મતદાન મથક સુધી સડસડાટ લઈ જતો નકશો છે. એટલે મતદાનના દિવસ સુધી એને સાચવી રાખીને સહેલાઇથી ભૂલ્યા વગર મતદાન કરવાની સૌની ફરજ છે. એટલે માથાફાડ ગરમીમાં કોઈ બી.એલ.ઓ. તમારા ઘેર કાપલી આપવા આવે ત્યારે એનો આભાર માનજો અને એની મહેનત લેખે લાગે એ માટે પણ મતદાન અચૂક કરજો.