24 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવેમ્બર 2023 માં એક્ટ્રેસ રશ્મિકાનો એક ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો. ડીપફેક વીડિયોના મામલામાં દિલ્હી પોલીસે તેના આરોપીની ધરપકડ કરી હતી. એક રિપોર્ટ અનુસાર, હવે અભિનેત્રી રશ્મિકા મંદાનાએ આ મામલે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ડીપફેક વીડિયો કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની IFSO ટીમે મુંબઈમાં રશ્મિકાના નિવેદન નોંધ્યા છે.
દિલ્હી પોલીસના IFSO (ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ યુનિટ) સાયબર ક્રાઈમ યુનિટે આંધ્રપ્રદેશના 24 વર્ષીય એન્જિનિયર ઈમાની નવીનની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસે આ મામલામાં 10 નવેમ્બર 2023ના રોજ એફઆઈઆર નોંધી હતી. રશ્મિકાનો ડીપફેક આ જ વ્યક્તિએ બનાવ્યો હતો.
IFSO DCP હેમંત તિવારીનું નિવેદન
IFSO DCP હેમંત તિવારીએ જણાવ્યું હતું કે DCWની ફરિયાદ પર 10 નવેમ્બર 2023ના રોજ કેસ નોંધવામાં આવ્યો હતો. જે બાદ વીડિયોની ટેકનિકલ તપાસમાં ઘણી મહેનત કરવામાં આવી હતી. આ વિડિયો પહેલીવાર બ્રિટિશ ભારતીય યુવતીએ 9 ઓક્ટોબર, 2023ના રોજ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. જેમાં ડીપ ફેક દ્વારા રશ્મિકાના ચહેરાને સુપરઇમ્પોઝ કરીને 13 ઓક્ટોબર, 2023ના રોજ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 500થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ સર્ચ કરવામાં આવ્યા હતા.
મેટાએ ઘણી મદદ કરી અને કાઢી નાખેલા એકાઉન્ટનો ડેટા રિકવર કરવામાં 2-3 અઠવાડિયા લાગ્યા. IFSOની ટીમ અનેક રાજ્યોમાં ગઈ હતી. આખરે ઈમાની નવીનની આંધ્રપ્રદેશના ગુંટુરમાંથી ધરપકડ કરવામાં આવી. આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો હતો.
દિલ્હી પોલીસની IFSO ટીમ સાથે કેસના આરોપી ઈમાની નવીન
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઈમાની નવીન રશ્મિકા મંદાનાના ફેન પેજ ચચલાવતો હતો. પરંતુ રશ્મિકાના ફેન પેજને દોઢ વર્ષ સુધી ચલાવ્યા પછી પણ તેના માત્ર 90 હજાર ફોલોઅર્સ હતા, જે વીડિયો અપલોડ કર્યા પછી વધીને 1 લાખ 8 હજાર થઈ ગયા. આ ડીપ ફેક વીડિયો બનાવવાનો હેતુ એક્ટ્રેસને નુકસાન પહોંચાડવાનો નહોતો. આરોપી મેટા મોનેટાઇઝેશન દ્વારા પૈસા કમાવવા અને તેના ફોલોઅર્સ વધારવા માગતો હતો. તેથી તેમણે યુટ્યુબ ચેનલમાંથી વીડિયો એડિટિંગનો કોર્સ કરીને રશ્મિકાનો વીડિયો બનાવ્યો હતો
જ્યારે આરોપીએ જોયું કે આ હવે રાષ્ટ્રીય મુદ્દો બની ગયો છે અને મોટા સ્ટાર્સ પણ કાર્યવાહીની માગ કરી રહ્યા છે, ત્યારે તે ડરી ગયો. આરોપીએ ડીપ ફેક પોસ્ટ ડીલીટ કરી અને ફેન પેજનું નામ પણ બદલી નાખ્યું. આરોપીએ તેના ફોનમાંથી ઘણો ડેટા પણ કાઢી નાખ્યો હતો.
ઈમાની નવીને 2021માં ચેન્નાઈથી ઈલેક્ટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશનમાં B.Tech કર્યું છે. આરોપીએ ગૂગલ ગેરેજમાંથી ડિજિટલ માર્કેટિંગનું પ્રમાણપત્ર લીધું છે. આ સિવાય યુટ્યુબ પરથી વેબસાઈટ ડેવલપમેન્ટ, ફોટોશોપ અને વિડિયો એડિટિંગના કોર્સ પણ કર્યા છે. આરોપી માર્ચ 2023માં ઘરે આવ્યા બાદ WFH કરી રહ્યો હતો.
ડીપફેક વીડિયો વાઇરલ થયા બાદ રશ્મિકાએ આ પોસ્ટ શેર કરી હતી.
ડીપફેકનો વીડિયો નવેમ્બરમાં વાઇરલ થયો હતો
નવેમ્બર 2023માં અભિનેત્રી રશ્મિકાનો એક ડીપફેક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં એક મહિલા લિફ્ટમાં પ્રવેશતી જોવા મળી હતી, જે બિલકુલ રશ્મિકા જેવી દેખાતી હતી. જોકે, આ મહિલા રશ્મિકા નહીં પરંતુ ઝરા પટેલ નામની યુવતી હતી, જેનો ચહેરો બદલીને રશ્મિકા થઈ ગયો હતો. ડીપફેક વીડિયો વાઇરલ થયા બાદ ALT ન્યૂઝના પત્રકારે આ વાતનો ખુલાસો કર્યો હતો.
ડીપફેક શું છે?
ડીપફેક એક પ્રકારનો નકલી વીડિયો છે, જેમાં વ્યક્તિનો ચહેરો, અવાજ અને અભિવ્યક્તિ બદલાઈ જાય છે. AI ટૂલ્સ દ્વારા એડિટિંગ એટલી સ્પષ્ટ રીતે કરવામાં આવે છે કે સાચા અને નકલી વીડિયોની ઓળખ કરવી ખૂબ મુશ્કેલ છે. પહેલા મોર્ફિંગ માત્ર સ્થિર ફોટામાં જ કરવામાં આવતું હતું, જો કે હવે વીડિયોમાં પણ ચહેરાના હાવભાવ બદલવામાં આવે છે. ડીપફેકનો ઉપયોગ મોટાભાગે પોર્નોગ્રાફી માટે કરવામાં આવે છે, જેમાં ટેક્નોલોજીની મદદથી કોઈના પણ ફોટો કે વીડિયોને ન્યૂડ ફોટો કે વીડિયોમાં કન્વર્ટ કરવામાં આવે છે.