નવી દિલ્હી18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગયા વર્ષે, મણિપુરમાં હિંસા વચ્ચે, કુકી-જો સમુદાયની બે મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવવામાં આવી હતી. મે મહિનામાં બનેલી આ ઘટનાનો વીડિયો જુલાઈમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે મણિપુર પોલીસ અધિકારીઓ આ મહિલાઓને કાંગપોકપી જિલ્લામાં 1000 મૈતેઈ દેખાવકારો વચ્ચે લાવ્યા હતા.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે આ મહિલાઓએ પોલીસ વાહનમાં આશ્રય માંગ્યો હતો. પરંતુ, પોલીસે બંને મહિલાઓને ભીડ વચ્ચે છોડી દીધી, ત્યારબાદ ટોળાએ તેઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી અને પછી તેમની સાથે યૌન શોષણ કર્યું. આમાંથી એક મહિલા કારગિલ યુદ્ધમાં લડી ચૂકેલા સૈનિકની પત્ની હતી.
ચાર્જશીટ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મહિલાઓને સલામત સ્થળે લઈ જવા માટે પોલીસકર્મીઓની મદદ માગી હતી, પરંતુ પોલીસકર્મીઓએ મહિલાઓને કહ્યું કે તેમની પાસે કારની ચાવી નથી. પોલીસે મહિલાઓને કોઈ મદદ કરી ન હતી.
આ ઘટનાના વિરોધમાં મણિપુરના ચુરાચંદપુરમાં દેખાવો થયા હતા. હજારો લોકોએ કાળા કપડા પહેરીને આરોપીઓની ધરપકડની માગ કરી હતી.
મહિલાઓએ સલામત સ્થળે લઈ જવા માટે પોલીસની મદદ માગી હતી
ચાર્જશીટ મુજબ, આ ટોળું કાંગપોકપી જિલ્લાના મહિલાઓના ગામમાં બળજબરીથી ઘૂસી ગયું હતું. ટોળાથી બચવા માટે બંને મહિલાઓ અનેક પીડિતો સાથે જંગલ તરફ દોડી હતી, પરંતુ ટોળાએ તેમને જોઈ લીધા હતા. ભીડમાંના કેટલાક લોકોએ મહિલાઓને રોડ કિનારે પાર્ક કરેલી પોલીસની કાર પાસે જવા કહ્યું અને મદદ માગી.
કોઈ રીતે મહિલાઓ પોલીસની કાર સુધી પહોંચી અને તેની અંદર બેસી ગઈ. આ પછી પણ ડ્રાઈવર અને બે પોલીસકર્મીઓ કારમાં શાંતિથી બેઠા હતા. કારની બહાર ત્રણ-ચાર પોલીસવાળા ઉભા હતા. આ મહિલાઓ સાથે પોલીસની કારમાં પીડિત પુરુષ પણ બેઠો હતો, તેણે હાથ જોડીને પોલીસકર્મીઓને સલામત સ્થળે લઈ જવા કહ્યું, પરંતુ પોલીસકર્મીઓએ તેને જવાબ આપ્યો કે તેમની પાસે કારની ચાવી નથી. પોલીસે ભીડ વચ્ચે જીપ ઊભી રાખી અને ત્યાંથી જતી રહી.
આ પછી, પોલીસ જિપ્સીના ડ્રાઇવરે કારને 1000 લોકોની ભીડ તરફ ફેરવી અને તેમની સામે કાર રોકી. પોલીસકર્મીઓએ ભીડ વચ્ચે જીપ ઊભી રાખી અને ત્યાંથી ચાલ્યા ગયા.
ત્યાં સુધીમાં ટોળાએ જીપમાં બેઠેલા પુરુષ પીડિતના પિતાને માર માર્યો હતો. આ પછી ભીડ જીપ તરફ આવી. લોકોએ મહિલાઓને જીપમાંથી બહાર કાઢી, નિર્વસ્ત્ર કરી અને એ જ હાલતમાં પરેડ કરાવી.
સીબીઆઈએ ગયા વર્ષે ઓક્ટોબરમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી
CBIએ ગયા વર્ષે 16 ઓક્ટોબરે ગુવાહાટીની CBI કોર્ટમાં વિશેષ ન્યાયાધીશ સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે બંને મહિલાઓ 900થી 1000 લોકોની ભીડમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી. ટોળા પાસે એકે રાઇફલ્સ, એસએલઆર, ઇન્સાસ અને .303 રાઇફલ્સ પણ હતી.
સીબીઆઈએ ચાર્જશીટમાં હુઈરેમ હિરોદાસ મેઈટી સહિત પાંચ લોકોને આરોપી તરીકે નામ આપ્યા છે. ગયા વર્ષે જુલાઈમાં મણિપુર પોલીસે હુઈરેમને પકડ્યો હતો. આ સિવાય એક સગીર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની અનેક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સામૂહિક બળાત્કાર, હત્યા, મહિલાઓની ગરિમાને નષ્ટ કરવા અને ગુનાહિત ષડયંત્રનો સમાવેશ થાય છે.
આ તસવીર ઘટનાના મુખ્ય આરોપી હુઈરેમ હિરોદાસ મેઈતી (32)ની છે. બીજો ફોટો વીડિયોમાંથી લેવામાં આવ્યો છે, જેમાં આરોપી દેખાઈ રહ્યો છે. હાલ આરોપી પોલીસની કસ્ટડીમાં છે.