ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે : અંબાલાલ પટેલ
Updated: Dec 15th, 2023
unseasonal rain forecast in Gujarat : ગુજરાતમાં હાલ શિયાળાની શરુઆત થઈ ગઈ છે અને અનેક જગ્યાએ પારો નીચો ગયો છે ત્યારે ફરી એકવાર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે જગતના તાતની ચિંતા વધી છે.
આ તારીખે રાજ્યમાં થઈ શકે છે માવઠું
રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા ઠંડી વધી રહી છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે નતાલ સુધીમાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે તેમજ 23મી ડિસેમ્બરે ગુજરાતમાં માવઠું થવાની આગાહી કરી છે. રાજ્યમાં ગાજવીજ, કરા સાથે વરસાદ વરસી શકે છે તેમ તેમણે જણાવ્યું હતું. અંબાલાલની વરસાદની આગાહીએ પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આ ઉપરાંત તેમણે આગાહી કરી છે કે 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે તેમજ 23મી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે. આ સિવાય તેમણે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી સુધી રહેશે તેમ જણાવ્યું હતું.
નલિયામાં 10.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન
ગુજરાતમાં આગામી 2-3 દિવસ સરેરાશ લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં સાધારણ ઘટાડો થઇ શકે છે. ગત રાત્રિએ અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 3 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ અમદાવાદમાં 17થી 19 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે. ગત રાત્રિએ નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન હતું. રાજ્યમાં અન્યત્ર રાજકોટમાં 14.5, ભુજમાં 14.6, ગાંધીનગરમાં 14.9, અમરેલીમાં 16, પોરબંદરમાં 16.3, વડોદરામાં 16.4, ભાવનગરમાં 17.9, સુરતમાં 21.4 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો.