શ્રીનગર3 મિનિટ પેહલા
- કૉપી લિંક
રેડવાની પાઈન વિસ્તારના આ ઘરમાં આતંકવાદીઓ છુપાયા હતા, જ્યાં આગ લાગી હતી.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં મંગળવારે એક એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ઓપરેશન પૂર્ણ થયા બાદ કરવામાં આવશે. લશ્કરનો ટોચનો કમાન્ડર બાસિત ડાર એન્કાઉન્ટરમાં માર્યો ગયો હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળોએ તે ઘરને બ્લાસ્ટ કર્યું જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. જેના કારણે ઘરમાં આગ લાગી હતી. માર્યા ગયેલા બંને આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે.
અધિકારીઓનું કહેવું છે કે તેમને રેડવાની પાઈન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી, સોમવારે મોડી રાત્રે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે એન્કાઉન્ટરમાં ફેરવાયું હતું. લશ્કરના સાથી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો ટોચનો કમાન્ડર બાસિત ડાર અહીં ફસાયો હોવાની આશંકા હતી. બાસિત દાર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. તે કાશ્મીરમાં ઘણા બિન-સ્થાનિક અને અન્ય લોકોની હત્યામાં સામેલ છે.
આ તસવીર લશ્કરના ટોચના કમાન્ડર બાસિત અહેમદ ડારની છે. તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે.
4 મેએ થયો હતો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના પૂંચમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં પાંચ જવાન ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. આ હુમલો પૂંચના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોના બે વાહનો પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આ વાહનોમાંથી એક એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચની આરપાર થઈ ગઈ હતી.
આતંકવાદીઓ દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓના નિશાન ટ્રકની આગળના કાચ પર જોઈ શકાય છે.
સુરનકોટમાં ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ હુમલો થયો હતો
સુરનકોટમાં 21 ડિસેમ્બરે આતંકીઓએ સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા. આ ઘટનાને 4 આતંકીઓએ અંજામ આપ્યો હતો. આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી સ્ટીલની ગોળીઓ ચલાવી હતી. આ સ્ટીલની ગોળીઓ સેનાના વાહનોની જાડી લોખંડની ચાદરમાંથી પસાર થઈને સૈનિકોને વાગી હતી.
પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ સોશિયલ મીડિયા પર હુમલાના સ્થળની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં તેમણે એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કરવાનો દાવો કર્યો હતો.
ડેરા સ્ટ્રીટ અને બુફલિયાઝની એક સાઈડથી ઘાત લગાવીને બેઠેલા આતંકવાદીઓએ કાફલા પર અમેરિકન એમ-4 એસોલ્ટ રાઈફલ્સમાંથી સ્ટીલની ગોળીઓ ચલાવી હતી.
આ વર્ષે જાન્યુઆરીમાં પણ પૂંચમાં હુમલો થયો હતો
આ વર્ષે 12 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો હતો. આ પછી જવાનોએ જવાબી કાર્યવાહી કરવી પડી. કોઈના ઘાયલ કે માર્યા ગયાના સમાચાર નથી.
ગુપ્તચર માહિતી અનુસાર 250-300 આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવા માટે તૈયાર
16 ડિસેમ્બર, 2023ના રોજ, BSFના એક વરિષ્ઠ અધિકારીએ ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી હતી કે 250થી 300 આતંકવાદીઓ પાકિસ્તાન સરહદ પરના લોન્ચપેડ પર છે. તેઓ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સરહદ પારથી ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે.
BSF IG અશોક યાદવે પુલવામામાં કહ્યું કે આતંકવાદી ગતિવિધિઓને જોતા અમે (BSF) અને સેના સંવેદનશીલ વિસ્તારો પર નજર રાખી રહ્યા છીએ અને સતર્ક છીએ. છેલ્લા કેટલાક વર્ષોમાં સુરક્ષા દળો અને કાશ્મીરના લોકો વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે. જો લોકો અમને સહકાર આપે તો અમે વિકાસના કામને વધુ સારી રીતે આગળ વધારી શકીશું.