નવી દિલ્હી16 કલાક પેહલા
- કૉપી લિંક
- 5માંથી 4 રાજ્યમાં ઓલ્ડ પેન્શન કાગળ પર
ઓલ્ડ પેન્શન સ્કીમ (ઓપીએસ) ફરીથી લાગુ નહીં થાય તેમ કેન્દ્ર સરકારે સોય ઝાટકીને કહી દીધું છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) હેઠળ કેટલાક મુદ્દાનો ઉકેલ લાવવા માટે નાણા સચિવની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ છે.
એક પ્રશ્નનો ઉત્તર આપતાં તેમણે કહ્યું હતું કે સમિતિ એનપીએસના જ ફ્રેમવર્ક હેઠળ સુધારણાના ઉપાયો અંગે અહેવાલ સુપરત કરશે. ઓલ્ડ પેન્શનની જોગવાઈઓ અંગે કોઈ જ વિચાર કરવામાં નહીં આવે. બીજી તરફ, આરબીઆઇએ એક અહેવાલમાં રાજ્યોને ચેતવણી આપી હતી કે 50 લાખ કર્મચારીને એનપીએસમાં જમા થયેલા 2.5 લાખ કરોડ માગીને ઓપીએશ આપવાની યોજના નાણાકીય અનુશાસન નથી.
- આરબીઆઇના મતે રાજ્યોએ 2050 સુધીમાં ઓપીએસમાં 17 લાખ કરોડ રૂપિયા પેન્શન ફન્ડમાં આપવા પડશે. આ સમયગાળા દરમિયાન એનપીએસમાં 4 લાખ કરોડ રૂપિયા જ ચૂકવવા પડશે.
- રાજ્યોની આર્થિક સ્થિતિ કથળી જશે. વિકાસકાર્યો માટે નાણાં નહીં બચે.
હિમાચલમાં જ ઓલ્ડ પેન્શનનો લાભ અપાય છે
વર્ષ 2004 પછીથી નોકરી મેળવનારા લગભગ 50 લાખ કર્મચારી અને અધિકારીઓ જૂની પેન્શન યોજના (ઓપીએસ)ની માગ કરી રહ્યા છે. છેલ્લાં 5 વર્ષમાં સત્તામાં આવેલાં 5 રાજ્ય, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને ઝારખંડ,ની બિન ભાજપી સરકારોએ ઓપીએસ લાગુ કરવાની જાહેરાત કરી હતી.
હવે ઓપીએસ લાગુ કરનારાં છત્તીસગઢ અને રાજસ્થાનમાં સરકાર બદલાઈ ગઈ છે. દરમિયાન આ તમામ રાજ્યોમાં યોજના અત્યારે કાગળ પર છે પરંતુ હિમાચલ સિવાયનાં રાજ્યોમાં ક્યાંય પણ નિવૃત્ત કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળતો નથી. રાજસ્થાનમાં કેટલાકને મળ્યો, કેટલાકને નથી મળ્યો.
ઝારખંડ સરકારે પોતાનું યોગદાન પરત કરવાની શરત મૂકી છે જ્યારે પંજાબે તો અત્યાર સુધીમાં માત્ર જાહેરનામું જ બહાર પાડ્યું છે. પાંચેય રાજ્યે એનપીએસમાં જમા કરાવેલા રૂ. 2.5 લાખ કરોડ પરત માગ્યા છે પરંતુ કેન્દ્ર સરકારે પીએઆરડીએ એક્ટ હેઠળ પરત કરવાની જોગવાઈ ન હોવાનું કહીને કેન્દ્ર સરકારે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
પેન્શનનો સતત વધી રહેલો બોજ… રાજ્ય સરકારોનો પેન્શન બોજ 1990 સુધી જીડીપીનો 0.6% હતો, 2022-23માં 1.7% થયો. – 2023-37 સુધીમાં એનપીએસવાળા 20% કર્મચારી નિવૃત્ત થશે જ્યારે 2038-52 સુધી એ 60% થઈ જશે.
5 રાજ્યની સ્થિતિ…
રાજસ્થાન : ઉપાડી લેવાયેલી રકમ પરત કર્યા પછી જ ઓપીએસ
રાજસ્થાન : 2022 પછીથી 600થી વધુ એનપીએસ સાથે સંકળાયેલા નિવૃત્ત કર્મચારીઓને છેલ્લા પગારની 50% રકમ પેન્શન તરીકે મળે છે પરંતુ મોટી સંખ્યામાં કર્મચારીઓએ ચાલુ નોકરીએ અભ્યાસ, લગ્ન અને મકાન બનાવવા માટે એનપીએસમાંથી મોટી રકમ ઉપાડી છે, સરકારનું કહેવું છે કે એ જમા કરાવ્યા પછી જ ઓપીએસ મળશે. સ્થિતિ : લાગુ પરંતુ સૌ માટે નહીં.
છત્તીસગઢ : 2018માં ઓપીએસ લાગુ પરંતુ હજી સુધી કોઈને જૂની પેન્શન યોજનાનો લાભ મળ્યો નથી. રાજ્યના કર્મચારીઓનું 17,240 કરોડ રૂપિયાનું યોગદાન પેન્શન ભંડોળમાં પીએફઆરડીએ માધ્યમથી એનએસડીએલમાં જમા હોવાનો સરકારે તર્ક રજૂ કર્યો છે. કેન્દ્ર પરત કરશે તો ઓપીએસ લાગુ થશે. સ્થિતિ : શરત મૂકી છે, લાગુ નથી.
હિમાચલ પ્રદેશ : કૉંગ્રેસ સરકારે ડિસેમ્બર, 2022માં વચન આપ્યું હતું. અત્યાર સુધીમાં 550 નિવૃત્ત કર્મચારીને છેલ્લા પગારની 50% રકમ પેન્શન પેટે અપાઈ રહી છે. બજેટમાં 1000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમાંથી પેન્શન ચુકવાઈ રહ્યું છે. સ્થિતિ : લાગુ.
ઝારખંડ : સોરેન સરકારે 2022 પછી નિવૃત્ત એનપીએસ સાથે જોડાયેલા કર્મચારીઓ સામે એનપીએસમાં 2004થી જમા કરાયેલી રકમ પરત કરવાની શરત મૂકી છે. ત્યાર પછી જ ઓપીએસ હેઠળ પેન્શન મળી શકશે. સ્થિતિ : અત્યાર લાગુ કરાઈ નથી.
પંજાબ : માર્ચ, 2022માં ઓપીએસનું વચન આપીને આમ આદમી પાર્ટી સત્તામાં આવી. જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે પરંતુ હજી સુધી કોઈને ઓપીએસનો લાભ અપાયો નથી. એનપીએસમાં જ પેન્શન ચુકવાય છે. સ્થિતિ : લાગુ નથી.
વિવિધ રાજ્યોમાં કર્મચારી સંગઠન ઓપીએસની માગ કરી રહ્યા છે, વિપક્ષનું પણ સમર્થન
પંજાબમાં ઓપીએસ અંગે 8 નવેમ્બરથી હડતાળ ચાલુ છે. મહારાષ્ટ્રમાં પણ કર્મચારીઓએ આંદોલનની ચીમકી આપી છે. રેલવે સહિતના કેન્દ્રીય કર્મચારીઓના સંગઠન જેએફઆર, યુપી કલેક્ટરાયલ સંઘ પણ આંદોલન કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને વિપક્ષી જૂથ પણ સમર્થન આપે છે.
ઓપીએસમાં સરકારની જવાબદારી
વધુ, એનપીએસમાં બજાર પર નિર્ભર
ઓપીએસ ડિફાઇન્ડ બેનિફિટ (ડીબી) સ્કીમ છે. તેમાં નિવૃત્ત કર્મચારીને છેલ્લા પગારની 50% રકમ પેન્શનમાં મળે છે. પોતાની મહેસૂલી આવકમાંથી સરકારો પેન્શન ચૂકવે છે. એનપીએસ નિશ્ચિત યોગદાન ધરાવતી યોજના છે. રકમ પેન્શન ફંડના બજારની ચડઉતર પર નિર્ભર છે.