Updated: Dec 15th, 2023
જામનગર, તા. 15 ડિસેમ્બર 2023 શુક્રવાર
દરેડ થી જામનગર ના લાખોટા તળાવ સુધી આવતી પાણીની કેનાલમાં કચરાના ઢગલા પડ્યા હોવાથી તે અંગે ના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા ના પડઘા પડ્યા છે, અને ગણતરીના કલાકોમાંજ મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરી દેવાયું છે.
દરેડ થી લાખોટા તળાવ સુધીની પાણીની કેનાલ કે જે કેનાલ મારફતે વરસાદી સિઝનમાં પાણીની આવક તળાવમાં થાય છે. જે કેનાલ હાલ ખાલી છે, પરંતુ તેમાં કચરના ઢગલા ખદબદી રહ્યા છે. દારૂની બોટલો, પ્લાસ્ટિક-થર્મોકોલ સહિતના કચરા ના ઢગલા પડ્યા હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા હતા, જેની મહાનગરપાલિકાના તંત્ર દ્વારા નોંધ લેવામાં આવી હતી, અને યુદ્ધના ધોરણે કેનાલની સફાઈ નું કામ હાથ ધરી લેવામાં આવ્યું છે.
ખાસ કરીને રણજીત સાગર રોડ થી જામનગર આવતી કેનાલ માં ગ્રીન સીટી, યુવા પાર્ક, સહિતના આસપાસના વિસ્તાર, પવનચક્કી સહિતના વિસ્તારમાં કે જે સ્થળે કેનાલ ખુલ્લી છે, અને તેમાં કચરો જમા થયેલો છે, તે તમામ સ્થળોએ મહાનગરપાલિકાની સફાઈ કામદારોની ટુકડી દ્વારા સફાઈ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.