16 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડની દિગ્ગજ એક્ટ્રેસ ઝીનત અમાને હાલમાં જ લિવ-ઈન રિલેશનશિપની તરફેણમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટ બાદ કેટલાક વિવાદો પણ થયા હતા. દિગ્ગજ એક્ટ્રેસ મુમતાઝે લિવ-ઈન રિલેશનશિપને ટેકો આપવા બદલ ઝીનતની ટીકા કરી હતી.
સાયરા બાનુ પણ મુમતાઝના સમર્થનમાં બહાર આવી અને ચર્ચાનો દોર શરૂ થયો. હવે સોમી અલીએ આ મામલે એન્ટ્રી કરી છે. તેમણે લીવ ઇન રિલેશનશીપ પર ઝીનતની ટિપ્પણીને સમર્થન આપ્યું છે.
સોમી સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચૂકી છે અને તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યા બાદ બોલિવૂડ છોડી દીધું હતું.
ઝીનત જીએ જે કહ્યું તે 100% સાચું છે: સોમી
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં સોમીએ કહ્યું, ‘ઘણા લોકોએ તેની ટીકા કરી. આપણી વસ્તી 8 અબજ સુધી પહોંચી ગઈ છે. હું લિવ ઇન રિલેશનશિપની બિલકુલ વિરુદ્ધ નથી. ઝીનતજીએ જે કહ્યું છે તેની સાથે હું 100% સહમત છું કારણ કે જ્યારે તમે લિવ-ઇન રિલેશનશિપમાં હો ત્યારે તમે કેટલીક મર્યાદાઓ નક્કી કરી શકો છો. તમે એકબીજાને જાણી શકો છો. એવી ઘણી આદતો છે જે તમને નાપસંદ છે જેના વિશે તમે ખૂલીને વાત કરી શકો છો. તમને વ્યક્તિગત લેવલ પર તમારા જીવનસાથીની પસંદ અને નાપસંદ વિશે જાણવાની તક મળે છે. તેનાથી છૂટાછેડાની શક્યતા ઘટી જાય છે.’
‘સોમીએ આગળ કહ્યું, ‘અમે આવા ઘણા કિસ્સાઓ જોયા છે જેમાં લોકો એકબીજાને જાણ્યા વગર લગ્ન કરી લે છે અને પછી છૂટાછેડા લઈ લે છે. પાકિસ્તાન અને ભારતમાં ગોઠવાયેલા લગ્નોમાં આ બહુ સામાન્ય છે. જે લોકો ઝીનતજીનો વિરોધ કરે છે તેમને હું એટલું જ કહીશ કે આપણે 1950માં જીવતા નથી. 2024માં દુનિયા ઘણી બદલાઈ ગઈ છે, હવે છોકરા-છોકરીઓ સાથે રહી શકે છે.’
ઝીનત અમાને રિલેશનશિપની સલાહ આપી હતી
ઝીનતે હાલમાં જ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ‘જો તમે રિલેશનશિપમાં છો તો લગ્ન પહેલાં સાથે રહેવું જરૂરી છે. મેં મારા પુત્રને પણ આ જ સલાહ આપી છે.’
એક્ટ્રેસે કહ્યું, ‘જે લોકો લિવ-ઇન રિલેશનશિપમાં છે, હું કહેવા માગુ છું કે આ મને ખૂબ જ તાર્કિક લાગે છે. જ્યારે બે લોકો તેમના પરિવારને સાથે લાવે છે, ત્યારે તેઓએ તેમના સંબંધોની અંતિમ પરીક્ષા કરવી જોઈએ.’
મુમતાઝે ઝીનતને ટોણો માર્યો હતો
પીઢ અભિનેત્રી મુમતાઝે તેમની પોસ્ટ પર ઝાટકણી કાઢી હતી. એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, રિલેશનશિપ વિશે સલાહ આપનાર છેલ્લી વ્યક્તિ ઝીનત અમાન હોવી જોઈએ. કારણ કે તેમનું પોતાનું લગ્ન જીવન ‘નર્ક’ જેવું રહ્યું છે.
મુમતાઝે એમ પણ કહ્યું હતું કે ‘ઝીનત આવી સલાહ આપીને કૂલ આંટી બનવાનો પ્રયાસ કરી રહી છે અને તે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સ વધારવા માગે છે.’
સાયરા બાનુએ પણ લિવ-ઈનને ખોટું કહ્યું
દિવંગત અભિનેતા દિલીપ કુમારની પત્ની સાયરાએ કહ્યું હતું કે તે લિવ-ઈન રિલેશનશિપને સપોર્ટ કરતી નથી. ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’ સાથે વાત કરતી વખતે સાયરા બાનુએ કહ્યું હતું કે, ‘હું સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી, તેથી હું તેના વિશે વધુ વાંચતી નથી. ઝીનત જે કહે છે તે હું ફોલો નથી કરતી કે તેની સાથે સહમત નથી. અમે ઘણા જૂના જમાનાના લોકો છીએ. અમારો ટ્રેન્ડ 40-50 વર્ષ પહેલાનો છે.’