નવી દિલ્હી3 કલાક પેહલા
- કૉપી લિંક
બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU) દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે Covaxinની પણ આડઅસરો છે. આમાં ICMRને ટાંકવામાં આવ્યું હતું. હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ અંગે પ્રતિક્રિયા આપી છે અને એને ખોટું અને ભ્રામક જણાવ્યું છે.
ICMRએ BHUને નોટિસ મોકલી છે. આમાં ICMRના મહાનિર્દેશક ડૉ. રાજીવ બહલે લખ્યું છે કે જે સંશોધનમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રસી લેતા લોકોમાં ગંભીર આડઅસર જોવા મળી છે, એ સંપૂર્ણપણે ભ્રામક અને ખોટાં તથ્યો પર આધારિત છે. આને ICMR સાથે કોઈ લેવાદેવા નથી. ICMRએ આ માટે કોઈ મદદ કરી નથી. રિસર્ચ પેપરમાંથી ICMRનું નામ હટાવવું જોઈએ અને માફી માગવી જોઈએ.
ગ્રાફિક્સમાં જુઓ રિસર્ચમાં કોવેક્સિનથી થતી સાઇડ ઇફેક્ટ્સ સામે આવી…
એક તૃતીયાંશ લોકોમાં કોવેક્સિનની સાઇડ ઇફેક્ટ્સ જોવા મળી
16 મેના રોજ ઇકોનોમિક ટાઇમ્સે સાયન્સ જર્નલ સ્પ્રિંગરલિંકમાં પ્રકાશિત એક સંશોધનને ટાંકીને લખ્યું હતું કે ભારત બાયોટેકની કોરોના રસી – કોવેક્સિનની પણ આડઅસર છે.
સંશોધન મુજબ, બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)માં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં ભાગ લેનારા લગભગ એક તૃતીયાંશ લોકોમાં Covaxinની આડઅસરો જોવા મળી હતી.
આ લોકોમાં શ્વાસને સંબંધિત ઇન્ફેક્શન, બ્લડ ક્લોટિંગ અને સ્કીન સાથે જોડાયેલી બીમારીઓ જોવા મળી. શોધકર્તાઓએ જાણ્યું કે ટીનેજર્સ અને ખાસ કરીને એવા લોકો, જેઓ કોઈ એલર્જીનો સામનો કરી રહ્યા છે તેમને કોવેક્સિનનું જોખમ છે.
જેમને ટાઇફોઇડ થયો તેમને પણ જોખમ
રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે સ્ટડીમાં ભાગ લેનારા, જેઓ ટીનેજર્સ અને યુવા મહિલા છે જેમને પહેલાંથી જ કોઈ એલર્જી હતી અને જેમને વેક્સિન પછી ટાઇફોઇડ થયો તેમને જોખમ વધારે હતું. ત્યાં જ, 0.1% સહભાગીઓમાં ગુલિયન બેરી સિંડ્રોમની ઓળખ થઈ.
ગુલિયન બેરી સિંડ્રોમ એક એવી બીમારી છે, જે લકવાની જેમ જ શરીરના મોટા ભાગનાં અંગોને ખોટાં પાડી દે છે. અમેરિકાના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર એન્ડ સ્ટ્રોકના જણાવ્યા પ્રમાણે ગુલિયન બેરી સિંડ્રોમ એક રેર ન્યુરોલોજિકલ બીમારી છે.
ભારત બાયોટેકે કહ્યું- કોવેક્સિનને કારણે કોઈ રોગનો કોઈ કેસ નોંધાયો નથી
થોડા દિવસો પહેલાં ભારત બાયોટેક, કોવેક્સિન બનાવતી કંપનીએ કહ્યું હતું કે તેમના દ્વારા બનાવવામાં આવેલી રસી સલામત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ કોવેક્સિનના બે ડોઝ આપ્યા હતા.
2 મેના રોજ કંપનીએ કહ્યું હતું કે દેશના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવેક્સિનની સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. વેક્સિન બનાવવાથી લઇને એને લગાવવા સુધી એનું સેફ્ટી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. કોવેક્સિનની ટ્રાયલ સાથે જોડાયેલાં બધા જ અભ્યાસ અને સેફ્ટી ફોલોઅપ એક્ટિવિટિઝથી કોવેક્સિનનો સારો સેફ્ટી રિપોર્ટ સામે આવ્યો છે. અત્યારસુધી કોવેક્સિનને લઇને બ્લડ ક્લોટિંગ, થ્રોમ્બોસાઇટોપિનિયા, TTS, VITT, પેરિકાર્ડિટિસ, માયોકાર્ડિટિસ જેવી કોઈપણ બીમારીનો કોઈ કેસ સામે આવ્યો નથી.
કંપનીએ કહ્યું હતું કે અનુભવી ઈનોવેટર્સ અને પ્રોડક્ટ ડેવલપર તરીકે ભારત બાયોટેક ટીમ જાણતી હતી કે કોરોના રસીની અસર થોડા સમય માટે હોઈ શકે છે, પરંતુ દર્દીની સુરક્ષા પર એની અસર આજીવન હોઈ શકે છે. આ જ કારણ છે કે અમારું પ્રાથમિક ધ્યાન અમારી બધી રસીઓમાં સલામતી પર છે.
કોવિશીલ્ડ અંગે પણ વિવાદ
કોવિશીલ્ડને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે કે કેટલાક કિસ્સાઓમાં એનો ઉપયોગ થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ એટલે કે ટીટીએસનું કારણ બની શકે છે. આ રોગને કારણે શરીરમાં લોહીની ગંઠાઇ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે. સ્ટ્રોક અને હાર્ટ બીટ ફેલ્યોર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.
ખરેખર ભારતમાં પ્રથમ કોરોના રસી કોવિશીલ્ડ છે. એને પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવવામાં આવી છે. Covishield ફોર્મ્યુલા બ્રિટિશ ફાર્મા કંપની AstraZeneca પરથી લેવામાં આવી છે. એસ્ટ્રાઝેનેકાએ હવે બ્રિટિશ કોર્ટમાં સ્વીકાર્યું છે કે તેમની રસીની ગંભીર આડઅસર છે.