સ્પોર્ટ્સ ડેસ્ક44 મિનિટ પેહલા
- કૉપી લિંક
સ્ટાર પ્લેયર સુનિલ છેત્રી આજે 6 જૂને કોલકાતામાં કુવૈત સામેની ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં ભારતનું નેતૃત્વ કરશે ત્યારે ફેન્સના ઇમોશન્સ ચરમસીમા પર હશે. છેત્રી આજે દેશ માટે છેલ્લી મેચ રમશે. ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયર્સના રાઉન્ડ 3 મેચમાં ભારત કુવૈત સામે રમશે.
19 વર્ષ સુધી રાષ્ટ્રીય ફૂટબોલમાં વર્ચસ્વ જમાવ્યા બાદ છેત્રી તેની ટીમને વિદાય તરીકે આગળના રાઉન્ડમાં મોકલવા માગે છે. 39 વર્ષીય છેત્રી આ મેચ પછી નિવૃત્તિ લેશે અને તે ઇચ્છશે કે ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ ક્વોલિફાયરના ટોપ-18 તબક્કામાં પ્રવેશે. ચાર ટીમના નવ ગ્રુપમાં ટોચની બે ટીમ ત્રીજા રાઉન્ડમાં પહોંચશે.
છેત્રી વિશ્વનો ત્રીજો સૌથી વધુ એક્ટિવ ગોલ સ્કોરર
ભારતીય ટીમ માટે છેત્રીના નામે 94 ગોલ છે. તે એક્ટિવ ખેલાડી છે જેણે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે.
છેત્રી તેની છેલ્લી મેચ તેના પ્રથમ હોમ ગ્રાઉન્ડ પર રમશે
છેલ્લા 19 વર્ષથી સુનિલ છેત્રીએ વિશ્વ ફૂટબોલના ‘સ્લીપિંગ જાયન્ટ્સ’ તરીકે ઓળખાતા દેશની ફૂટબોલની આશાઓને આગળ ધપાવી છે. 150 મેચમાં 94 ગોલ અને એક ડઝન ટ્રોફી સાથે, ભારતીય કેપ્ટન ભારતીય ફૂટબોલનો GOAT એટલે કે ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ છે.
છેત્રીએ 2002માં મોહન બાગાન સાથે તેની પ્રોફેશનલ ફૂટબોલ કારકિર્દીની શરૂઆત કરી હતી. સોલ્ટ લેક સ્ટેડિયમ, કોલકાતા એ મોહન બાગાનનું હોમ ગ્રાઉન્ડ છે. હવે આજે છેત્રી આ મેદાન પર દેશ માટે તેની છેલ્લી મેચ રમશે.
સુનીલ છેત્રી રમત પ્રત્યેના તેમના જુસ્સાને જગાડવા માટે મોહન બાગાનના કોચ સુબ્રત ભટ્ટાચાર્યને શ્રેય આપે છે.
છેત્રીને ખેલ રત્ન, પદ્મશ્રી અને અર્જુન અવોર્ડ મળ્યા
- સુનિલ છેત્રીનો જન્મ 3 ઑગસ્ટ, 1984ના રોજ સિકંદરાબાદમાં થયો હતો. તેના પિતા કેબી છેત્રી આર્મી મેન હતા, જ્યારે માતા સુશીલા નેપાળની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ માટે રમી ચૂકી છે.
- છેત્રીને વર્ષ 2021માં ખેલ રત્ન અવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ પહેલાં તેને 2019માં પદ્મશ્રી અને 2011માં અર્જુન અવોર્ડ મળ્યો હતો. આ સિવાય છેત્રીએ તેની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઑફ ધ યરનો અવોર્ડ જીત્યો હતો.
- સુનિલ છેત્રીએ 2005માં સિનિયર ટીમમાં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. ભાઈચુંગ ભૂટિયા પછી તેણે ટીમની કમાન સંભાળી. તેણે ભારત માટે 150 મેચમાં 94 ગોલ કર્યા છે.
કુવૈત સામેની મેચની છેત્રીની સોનેરી યાદો
છેત્રીની કુવૈત સામે સારી યાદો છે. ગયા વર્ષે, ભારતની કેપ્ટનશિપ કરતી વખતે, તેણે બેંગલુરુમાં 2023 SAFF ચેમ્પિયનશિપની ફાઈનલમાં કુવૈતને પેનલ્ટી પર 5-4થી હરાવ્યું હતું.
SAFF ચેમ્પિયનશિપ ટ્રોફી સાથે ભારતીય ટીમના ખેલાડીઓ.
ભારત માટે આજે જીત મહત્વપૂર્ણ
ભારત, જે ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે કતાર (12 પોઈન્ટ) પછી ગ્રુપ Aમાં બીજા ક્રમે છે, તે ગોલ ડિફરન્સ પર અફઘાનિસ્તાન અને કુવૈત કરતા આગળ છે, જેમના પ્રત્યેક ત્રણ પોઈન્ટ છે. આ જીત ભારતને અફઘાનિસ્તાનથી મજબૂત રીતે આગળ કરી દેશે, જે 6 જૂને કતાર સામે ટકરાશે.
અફઘાનિસ્તાન ભારત સામે સાત ગોલથી પાછળ છે અને કુવૈત સામેની જીત તેના હાથમાંથી લગભગ સમીકરણ છીનવી લેશે. ભારતનો મુકાબલો કતાર સાથે થશે જ્યારે અફઘાનિસ્તાન 4 જૂને અંતિમ રાઉન્ડની મેચમાં કુવૈત સામે ટકરાશે.
FIFA વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયર્સની સફર
ભારત અત્યારે વર્લ્ડ કપ 2026માં નથી, પરંતુ ટીમ ઈન્ડિયા પાસે તેમાં ક્વોલિફાઈ થવાની તક છે. બહેતર રેન્કિંગને કારણે, ભારતે 2026 ફિફા વર્લ્ડ કપમાં એશિયા ક્વોલિફાયર માટે રાઉન્ડ-1માં ભાગ લેવો પડ્યો ન હતો. ટીમ સીધી રાઉન્ડ-2માં રમી હતી. ક્વોલિફિકેશન માટે કુલ 5 રાઉન્ડ હશે.
ભારત માટે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થવું સૌથી મુશ્કેલ બાબત હશે. અહીં ટીમ એશિયાની ટોચની ટીમ સાથે સ્પર્ધા કરશે. તેમાં જાપાન અને કોરિયાનો પણ સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે આવનારા વર્ષોમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવું વધુ મહત્વનું બની જાય છે.
અત્યારે એશિયાના 46 દેશોમાં ભારત 18મા ક્રમે છે. પોઈન્ટ્સમાં ક્વોલિફિકેશનની પ્રક્રિયાને સમજો..
- પ્રથમ રાઉન્ડ- એશિયાની 27 થી 46 ક્રમાંકિત ટીમ એકબીજા સામે રમશે. 10 વિજેતા રાઉન્ડ-2માં જશે.
- બીજો રાઉન્ડ– 1 થી 26 માં ક્રમે આવેલી ટીમ અને પ્રથમ રાઉન્ડની 10 ટીમ વચ્ચે 4 ટીમના 9 ગ્રુપ બનાવવામાં આવશે. રાઉન્ડ-2માં કુલ 36 ટીમ હશે. ટીમ તેમના ગ્રુપની તમામ ટીમ સામે 2-2 મેચ રમશે. દરેક ગ્રુપની ટોપ-2 ટીમ ત્રીજા રાઉન્ડમાં જશે અને એશિયન કપ માટે ક્વોલિફાય થશે. ભારત અત્યારે બીજા સ્થાને છે, પરંતુ ગ્રુપ મેચ બાકી છે.
- ત્રીજો રાઉન્ડ- અહીં 18 ટીમ વચ્ચે 6 ટીમોના 3 ગ્રુપ બનાવવામાં આવશે. દરેક ગ્રુપની ટીમ એકબીજા સામે 2-2 મેચ રમશે. 3 ગ્રુપની ટોપ-2 ટીમ વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.
- ચોથો રાઉન્ડ- ત્રીજા રાઉન્ડમાં, ત્રીજા અને ચોથા ક્રમે આવેલી 6 ટીમ વચ્ચે 3-3 ના બે ગ્રુપ બનાવવામાં આવશે. તમામ ટીમ તેમના ગ્રુપની ટીમ સામે રમશે. બંને ગ્રુપમાંથી એક-એક ટોચની ટીમ વર્લ્ડ કપમાં જશે.
- પાંચમો રાઉન્ડ- ચોથા રાઉન્ડમાં, ગ્રુપ સ્ટેજમાં બીજા ક્રમે રહેલી બે ટીમ એકબીજા સામે રમશે. આ મેચ જીતનારી ટીમ એશિયામાંથી વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી 9મી અને છેલ્લી ટીમ હશે.