નવી દિલ્હી23 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચંદ્રાબાબૂ નાયડુ પરિવારની સંપત્તિમાં છેલ્લાં 5 દિવસમાં 858 કરોડ રૂપિયાનો વધારો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સમયગાળા દરમિયાન હેરિટેજ ફૂડ્સના શેરમાં 55%ના ઉછાળાને કારણે આવું બન્યું છે. હેરિટેજ ફૂડ્સના પ્રમોટર નારા લોકેશ છે, જે પાર્ટીના વડા ચંદ્રાબાબૂ નાયડુના દીકરા છે. ચંદ્રાબાબૂ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
હેરિટેજ ગ્રુપની સ્થાપના 1992માં ચંદ્રાબાબૂ નાયડુ દ્વારા કરવામાં આવી હતી. આ કંપની ડેરી, રિટેલ અને એગ્રી સેગમેન્ટમાં કામ કરે છે. ટીડીપીના વડા ચંદ્રાબાબૂ નાયડુએ તાજેતરમાં યોજાયેલી આંધ્રપ્રદેશ વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેનાથી તેમની કંપનીમાં રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે.
ચંદ્રાબાબૂ નાયડુની પત્ની કંપનીમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે
ચંદ્રાબાબૂ નાયડુની પત્ની ભુવનેશ્વરી કંપનીમાં 24.37% હિસ્સો ધરાવે છે. જ્યારે પુત્ર લોકેશ અને પુત્રવધૂ બ્રહ્માણી 10.82% અને 0.46% હિસ્સો ધરાવે છે. નાયડુના પૌત્ર દેવાંશ તેમાં 0.06% હિસ્સો ધરાવે છે. એટલે કે ચંદ્રાબાબૂ નાયડુના પરિવારનો કંપનીમાં કુલ હિસ્સો 35.71% છે.
હેરિટેજ ફૂડ્સના શેર શુક્રવારે 10% વધ્યા
શુક્રવાર, 7 જૂને હેરિટેજ ફૂડ્સના શેર 10%ના ઉછાળા સાથે રૂ. 661.25 પર બંધ થયા હતા. છેલ્લા 5 દિવસમાં 55% નો વધારો થયો છે. 4 જૂને હેરિટેજ ફૂડ્સનો શેર 455.45 રૂપિયા હતો, જે 7 જૂને રૂપિયા 661.25 પર પહોંચ્યો હતો.
હેરિટેજ ફૂડ્સના માર્કેટ કેપમાં રૂ. 2,400 કરોડથી વધુનો વધારો થયો
હેરિટેજ ફૂડ્સના માર્કેટ કેપમાં આ સપ્તાહે રૂ. 2,400 કરોડથી વધુનો વધારો થયો છે. 7 જૂને કંપનીનું માર્કેટ કેપ રૂ. 6,136 કરોડે પહોંચ્યું હતું. એક સપ્તાહ પહેલા તે રૂ. 3,700 કરોડ હતો.
ચંદ્રાબાબૂ નાયડુ 12 જૂને મુખ્યમંત્રી પદના શપથ લેશે
તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના અધ્યક્ષ એન ચંદ્રાબાબૂ નાયડુ 12 જૂને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ ચોથી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે. આ પહેલા તેમણે 1 સપ્ટેમ્બર 1995, 11 ઓક્ટોબર 1999 અને 8 જૂન 2014ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા.
2019માં, YSRCP પ્રમુખ જગન મોહન રેડ્ડીએ વિજય નોંધાવીને તેમની પાસેથી સત્તા છીનવી લીધી. આ લોકસભા ચૂંટણીમાં પણ TDPને 16 બેઠકો મળી છે. ટીડીપીએ એનડીએને સમર્થન આપ્યું છે. એટલે કે તે પણ કેન્દ્ર સરકારનો હિસ્સો હશે.