12 કલાક પેહલાલેખક: આશિષ તિવારી
- કૉપી લિંક
અભિનેતા તાહા શાહ બદુશાએ યશ રાજ ફિલ્મ્સની સહાયક કંપની વાય-ફિલ્મ્સની પ્રથમ ફિલ્મ ‘લવ કા ધ એન્ડ’ થી તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી બીજી મોટી તક ધર્મા પ્રોડક્શનની ફિલ્મ ‘ગિપ્પી’માં મળી. તાહા શાહ ભારતીય સિનેમાની બે મોટી પ્રોડક્શન ફિલ્મો કર્યા પછી પણ લાઈમલાઈટમાં આવ્યો નહોતો. જો આપણે તેના પર નજર કરીએ તો, અભિનેતાને સંજય લીલા ભણસાલીની સિરીઝ ‘હીરામંડી’માં નવાબ તાજદાર બલોચની ભૂમિકામાં વાસ્તવિક ઓળખ મળી હતી. તાજેતરમાં જ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે કેવી રીતે તેને ‘હીરામંડી’માં કામ કરવાની તક મળી.
‘હીરામંડી’ના પાત્રની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ રહી, તેના વિશે કંઈક કહો?
મને અહીં કોઈ કામ આપતું ન હતું. હું અલાદ્દીન માટે ઓડિશન આપવા યુએસએ ગયો હતો. તે જ સમયે, કોવિડ પછી, જ્યારે મારો વિઝા સમાપ્ત થયો, ત્યારે હું પાછો આવ્યો. પછી મને ખબર પડી કે અહીં બધા મને ભૂલી ગયા છે. તે સમયે મારા મિત્ર તુષાર અને મેં વિચાર્યું કે શું કરવું? તુષારે અગાઉ સંજય લીલા ભણસાલી સાથે કામ કર્યું હતું, તેને ખબર હતી કે સંજય સર ‘હીરામંડી’ બનાવી રહ્યા છે. સમાચાર એવા પણ આવ્યા હતા કે ‘હીરામંડી’નું કાસ્ટિંગ શરૂ થઈ ગયું છે.
તો પછી તમે તમારા પ્રયત્નો કેવી રીતે શરૂ કર્યા?
’15 મહિના સુધી તુષાર મને ઓડિશન માટે બોલાવતો રહ્યો. આ સિરીઝની કાસ્ટિંગ ડિરેક્ટર શ્રુતિ મહાજને મને છ વર્ષ સુધી ઓડિશનની તક આપી ન હતી. હું તેની ઓફિસે પહોંચી જતો હતો. મારાથી કંટાળીને તેમણે ત્રણ દિવસના એક રોલ માટે મારું ઓડિશન લીધું. પહેલા તો મને લાગ્યું કે આટલું કામ કર્યા પછી ત્રણ દિવસ માટે મને રોલ મળી રહ્યો છે? જ્યારે હું યુએસએમાં અભ્યાસ કરતો હતો ત્યારે મને ઘણા કલાકારોના ઉદાહરણ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારે ફક્ત એક સીન જોઈએ છે. તે એક સીનમાં તમે નજરે પડી શકો છો અને કરિયર પણ બનાવી શકો છો.’
તમે ત્રણ દિવસના રોલ માટે ઓડિશન આપ્યું હતું?
‘હા, પણ મેં કહ્યું કે તે એક સીન મારો હોવો જોઈએ. ઓડિશન આપ્યું, સિલેક્ટ થઈ ગયો અને કોન્ટ્રાક્ટ પણ સાઈન થઈ ગયો. અચાનક સંજય સરની ઓફિસમાંથી ફોન આવ્યો કે તેઓ મળવા માગે છે. હું વિચારતો હતો કે તેઓ ત્રણ દિવસના રોલ માટે કેમ મળવા માગતા હશે? મળ્યા ત્યારે તેમણે કહ્યું કે તમે સારું કામ કર્યું છે, પણ કોઈ જાણતું નથી. તેમણે મને બલરાજનો રોલ આપ્યો. મને આશ્ચર્ય મિશ્રિત આઘાત લાગ્યો કે મારી ભૂમિકા કેવી રીતે વધી ગઈ. બે અઠવાડિયા પછી, જ્યારે નવા કરાર પર હસ્તાક્ષર થવાના હતા, ત્યારે ફોન આવ્યો કે સંજય સરે તેમનો વિચાર બદલી નાખ્યો છે. મારા જીવનમાં ઘણીવાર એવું બને છે કે મને પ્રોજેક્ટમાંથી કાઢી મૂકવામાં આવે છે. આથી મને લાગ્યું કે હું આ પ્રોજેક્ટમાંથી પણ બહાર ફેંકાઈ ગયો છું.’
પરંતુ તમે સંજય લીલા ભણસાલીને મળવા ગયા ત્યારે શું થયું?
‘મેં જઈને સંજય સરના પગ પકડી લીધા. મેં કહ્યું, મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને માફ કરો, પણ મને રોલ કરવા દો. સંજય સાહેબે કહ્યું કે મેં તારો લુક ટેસ્ટ જોયો, હું તને તાજદારનો મુખ્ય રોલ આપી રહ્યો છું. મને સમજાતું નહોતું કે સંજય સર શું કહે છે? તેમણે મને કાલે લુક ટેસ્ટ માટે આવવાનું કહ્યું, પછી મને સમજાયું કે તે મજાક નથી કરી રહ્યા. મેં એક જ દિવસે બે વાર ઓડિશન આપ્યું. મારા બધા સાથે સારા સંપર્કો હતા, પણ સંજય સરે કહ્યું કે ‘શ્રુતિ સિવાય કોઈને ફોન કરશો નહીં.’
કેટલા દિવસ પછી શ્રુતિને ફોન કર્યો?
‘મેં વિચાર્યું કે બે-ચાર દિવસમાં મને હા કે નામાં ફોન આવશે. જ્યારે બે અઠવાડિયા સુધી કોલ રિસીવ ન થયો ત્યારે મેં શ્રુતિ મેડમને ફોન કરીને પૂછ્યું અને તેમણે જણાવ્યું કે આજ સુધી આ બાબતે સંજય સરનો કોઈ ફોન આવ્યો નથી. એક મહિના પછી ફરી ફોન કર્યો ત્યારે મને એ જ જવાબ મળ્યો. એ પછી મેં ફોન કરવાનું બંધ કરી દીધું. રાહ જોતી વખતે મારી પાસે બીજા ત્રણ પ્રોજેક્ટ આવ્યા. એક ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ હતો જેમાં પૈસા ખૂબ સારા હતા.’
તે પ્રોજેક્ટ અંગે તમારા મનમાં શું ચાલી રહ્યું હતું?
‘મારી સામે સમસ્યા એ હતી કે મારા માર્ગે આવતા પ્રોજેક્ટ્સ સ્વીકારવા કે ‘હીરામંડી’ની રાહ જોવી. એવો ડર પણ હતો કે જો મેં કોઈ પ્રોજેક્ટ કર્યો તો મને સિરીઝમાંથી કાઢી નાખવામાં આવશે. મોટી મૂંઝવણમાં હતો. જ્યારે મેં મારી માતાને પૂછ્યું ત્યારે તેમનું સૂચન હતું કે તને જે કરવાનું મન થાય તે કર. મેં મારા દિલની વાત સાંભળી અને તમામ પ્રોજેક્ટ કેન્સલ કર્યા. હું અચાનક શૂન્ય પર આવી ગયો. ત્રણ દિવસ પછી અચાનક સંજય સરની ઓફિસમાંથી ફોન આવ્યો કે તુ મારો તાજદાર, કાલે સેટ પર આવી જા.’
જ્યારે તમને ભણસાલીની ઓફિસેથી ફોન આવ્યો ત્યારે તમને લેવી લાગણી થઈ?
‘મને સંજય સરની ટીમનો ફોન આવ્યો ત્યારે પણ હું ચોંકી ગયો. મારી સાથે ઘણીવાર એવું બન્યું છે કે કોન્ટ્રાક્ટ સાઈન કર્યા પછી પણ મને પ્રોજેક્ટમાં લેવામાં આવ્યો ન હતો. ‘હીરામંડી’ માટેનો કોન્ટ્રાક્ટ પણ સાઈન થયો ન હતો. સિરીઝનું શૂટિંગ ત્રણ મહિનાથી ચાલી રહ્યું હતું. જ્યારે હું સેટ પર ગયો ત્યારે સંજય સરે પૂછ્યું કે શું આ દરમિયાન તેણે કોઈ પ્રોજેક્ટ કર્યો છે. આ દરમિયાન મેં થોડું શૂટ કર્યું હતું. મેં સંજય સરને કહ્યું તો તેમણે કહ્યું કે હવે તમને તાજ નહીં બનાવી શકાય.’
તે પછી શું થયું?
‘હું ખૂબ જ દુઃખી થઈ ગયો. મને ખબર પડી હતી કે તાજદારની ભૂમિકા માટે અન્ય કોઈને કાસ્ટ કરવામાં આવી રહ્યો છે. મેં કહ્યું કે મને બલરાજનો જ રોલ આપી દો. સંજય સાહેબે કહ્યું કે ‘કોઈ વાંધો નહીં, તમે તાજદારની ભૂમિકા ભજવી શકો છો’. ઘણા લોકો ઇચ્છતા હતા કે હું એ રોલ ન કરું, પણ સંજય સરને વિશ્વાસ હતો કે હું એ પાત્ર ભજવી શકીશ. સંજય સરને મારા પર વિશ્વાસ હતો. તાજદાર એક એવો રોલ છે જે દરેક કરવા ઇચ્છતા હતા.’
‘હીરામંડી 2’ બનાવવાની વાત ચાલી રહી છે, ઘણા લોકો તમને આલમઝેબના બાળકના રોલમાં જોવાની માગ કરી રહ્યા છે. તમે શું કહેવા માગો છો?
પ્રેક્ષકો હંમેશા સાચા હોય છે. જો દર્શકો આ સંદેશ સંજય સરને મોકલે તો હું હાજર છું. હું હંમેશા સંજય સર સાથે કામ કરવા તૈયાર છું, ભલે રોલ નાનો હોય.
આગામી પ્રોજેક્ટ્સમાં તમે કેવા પ્રકારની ભૂમિકાઓ કરવા માગો છો?
‘અત્યારે હું એવા રોલ કરવા માગુ છું જેમાં મને અભિનય કરવાની તક મળે. એવી ભાવનાત્મક ભૂમિકા હોવી જોઈએ કે હું લોકોના હૃદયને સ્પર્શી શકું. આવી બે-ત્રણ ફિલ્મો કર્યા પછી મારે ડાન્સ અને એક્શન ફિલ્મો કરવી છે.’
કેટલાક લોકો તમારી સરખામણી શાહરુખ ખાનના રોમાંસ અને તેની આંખો સાથે કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તમારી સરખામણી ફવાદ ખાન અને વિકી કૌશલ સાથે કરી રહ્યા છે, તમે આ સરખામણી કેવી રીતે જુઓ છો?
‘તે ઘણા મોટા સ્ટાર છે. શાહરુખ ખાન સાહેબ આપણા બધાના આદર્શ છે. હું તેમના નખ સમાન પણ નથી. જો લોકો આવું કહેતા હોય તો તે મારા માટે એક મોટો આશીર્વાદ છે. જ્યાં સુધી વિકી અને ફવાદની વાત છે, વિકી એક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટમાં મારાથી સિનિયર હતો. હું તેમને ખૂબ પ્રેમ કરું છું. તે ખૂબ જ મહેનતુ છે. હું હંમેશા કહેતો રહું છું કે મારે તેની સાથે ફિલ્મ કરવી છે. ફવાદ ભાઈ જ્યારથી ગાતા હતા ત્યારથી હું તેમનો ચાહક છું.’