Updated: Dec 19th, 2023
પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો
પેટમાં દુખાવો ઉપાડતા સગીરાને સારવાર માટે ખસેડાઈ : અધૂરા મહીને બાળક જન્મતા મૃત્યુ પામ્યો : યુવાન સામે ગુનો દાખલ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા પેથાપુર પંથકના ગામમાં રહેતી
સગીરાને પાડોશમાં જ રહેતા યુવાને ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવી ગર્ભવતી કરી
દીધી હતી. સગીરાને પેટમાં દુખાવો ઉપાડતા સારવાર માટે ખસેડવામાં આવતા અધૂરા મહીને
બાળકને જન્મ આપતા તે મૃત્યુ પામ્યો હતો. આ મામલે આખરે પરિવારજનોએ યુવાન સામે
દુષ્કર્મની ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.
આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે પેથાપુર પંથકના ગામમાં
રહેતી ૧૭ વર્ષીય સગીરા પાડોશમાં દરરોજ આવજા કરતી હતી. આ દરમિયાન અહીં રહેતા યુવાન
દ્વારા આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવવામાં આવી હતી એના છેલ્લા ચાર વર્ષથી તેનું
શારીરિક શોષણ કરવામાં આવતું હતું. જો કે સગીરા આ સંદર્ભે પરિવારજનોને કાંઈ કહેતી ન
હતી. દરમિયાનમાં સગીરાને અચાનક જ પેટમાં દુખાવો ઉપાડતા માતા તેને સારવાર માટે
સરકારી હોસ્પિટલ લઈ ગઈ હતી અને ત્યાં માલુમ પડયું હતું કે તેણીને લેબર પેન ઉપાડયો
છે. જેથી અધૂરા મહિને સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો પરંતુ તે મૃત્યુ પામ્યો હતો.
ત્યારબાદ પરિવારજનોના માથે આભ ફાટયા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને સગીરાની
પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા યુવાન દ્વારા છેલ્લા ચાર વર્ષથી તેણી સાથે શરીર
સંબંધ રાખવામાં આવતા હોવાની જાણ કરી હતી. આ મામલે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર
યુવાન વિરુદ્ધ પેથાપુર પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આડોસ પાડોશમાં રહેતા યુવાનો ઉપર વિશ્વાસ મૂકીને કુમળી વયના બાળકોને તેમની સાથે
હરવા ફરવા દેતા પરિવારજનો માટે આ ઘટના લાલબત્તી સમાન સાબિત થઈ રહી છે ત્યારે હાલ
તો પેથાપુર પોલીસ દ્વારા આરોપી યુવાનને પકડવા માટે મથામણ શરૃ કરવામાં આવી છે.