બહુ ભારે ભરખમ વિષય છે-ક્લાઈમેટ ચેન્જ. શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો વાતાવરણમાં ફેરફાર. વિષય ગહન પણ બહુ છે. આમાં જેટલી ચર્ચા કરો, જેટલું મનોમંથન કરો એટલું ઓછું છે. દુ:ખની વાત એ છે કે, આપણે ત્યાં ચર્ચા બહુ થાય છે, મનોમંથન પણ બહુ થાય છે. અમલ થતો નથી. ક્લાઈમે
.
ક્લાઈમેટ અને લેબ વિશે જાણીએ એ પહેલાં ચોમાસા વિશે ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ જાણી લઈએ…
- ગુજરાતના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં વધારે વરસાદ થાય છે.
- 1951થી 2019 ચોમાસાની પેટર્ન અનિયમિત રહી છે.
- દરેક જિલ્લામાં વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે.
- કચ્છ, મધ્ય, ઉત્તર અને સૌરાષ્ટ્રમાં 1951થી 2019 વચ્ચે વરસાદમાં 200 મીલીમીટર જેટલો વધારો થયો છે.
- 1951થી 2019 વચ્ચે ચોમાસાની ઋતુમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઘટ્યો.
- 21મી સદીના અંત સુધીમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં 15થી 25% સુધીનો ફેરફાર થવાનો અંદાજ છે.
- ઘણા પ્રદેશો પર પૂરનું સંકટ તાળાઈ રહેલું છે.
- છેલ્લી એક સદીમાં 120થી વધારે ચક્રવાતો રાજ્યમાંથી પસાર થઈ ચૂક્યા છે.
- મે 2021માં તાઉતે ચક્રવાતના કારણે રાજ્યમાં લગભગ 2 લાખ લોકો વિસ્થાપિત થયા હતા.
- 1973થી 2013 દરમિયાન ગુજરાતમાં મોટા ભાગની નદીઓમાં વાર્ષિક વહેણોનું વલણ અનિયમિત જોવા મળ્યું છે.
- જળસ્ત્રોતોના નુકસાન અને દુકાળ જેવી સ્થિતિ તરફ દોરી જશે.
અમદાવાદના સાયન્સ સિટીમાં આવેલી ક્લાઈમેટ ચેન્જ લેબ
…તો મનુષ્ય માટે પૃથ્વી રહેવા લાયક રહેશે નહીં
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખે દિવ્ય ભાસ્કરને કહ્યું, ક્લાઈમેટચેન્જ લર્નિંગ લેબ એ ઘણી બધી ઈન્ટીટ્યુટનો સહિયારો પ્રોજેક્ટ છે. GIZ જે જર્મનીનો પ્રોજેક્ટ છે જે આખા વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ બનાવતા હોય છે. ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ છે. આ ક્લાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની હેલ્પથી ગુજરાત સરકારે નક્કી કર્યું કે, સાયન્સસિટીમાં લેબ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. કેમકે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ આવી રહ્યા છે. જેથી બધાને અહીં માહિતી મળી શકે એટલું જ નહીં વિદ્યાર્થીઓ અહીં ઈન્ટર્નશિપ કરીને ડિટેઈલમાં રિસર્ચ કરી શકે. જેમ કે આપણે કહીએ કે સાયક્લોન આવવાનું છે તો તેના કારણો શું છે? અત્યારે આપણે જોઈએ છીએ કે અત્યારે હિટવેવ છે તો આના કારણો શું છે એટલે તેનો અભ્યાસ કરીએ અને તેનાથી જીવનમાં શું શું ફેરકાર કરીએ જેથી કલાઈમેટ ચેન્જની આટલી બધી અસર ન થાય. આ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે લોકો આ બાબતે જાગૃત થાય. આપણે જો આ વિષય અત્યારથી ઉપર કામ નહીં કરીએ તો ભવિષ્યમાં મનુષ્ય માટે આ પૃથ્વી રહેવા લાયક રહેશે કે કેમ તે મોટો સવાલ છે.
આપણે ‘આપણું’ જ વિચારીએ છીએ…
ભારતમાં કેરલા, બિહાર અને ગુજરાતમાં તૈયાર થઈ ગઈ છે અને ઉત્તરપ્રદેશમાં તૈયાર થઈ રહી છે એટલે ચાર જગ્યાએ ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ છે. આની પાછળનો હેતુ વિદ્યાર્થીઓમાં અને લોકોમાં અવેરનેસ લાવવાનો છે. કેમ કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ એટલી બધી ખરાબ થઈ ગઈ છે કે, આપણે માત્ર આપણું જ વિચારીએ છીએ. બીજા બધા પ્રાણીઓ, પક્ષીઓે કે અન્ય જીવો વિશે ક્યારેય નથી વિચારતા એટલે આવા સંજોગોમાં આ લેબ ખૂબ જ ઉપયોગી છે.
ક્લાઈમેટ ચેન્જ લેબમાં આ રીતે 100થી વધારે માહિતી સભર સ્લાઈડ મૂકવામાં આવી છે.
ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબમાં અલગ અલગ આઠ વિભાગો છે
દર વર્ષે 28મી ફેબ્રુઆરીના દિવસે સાયન્સ સિટીમાં નેશનલ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ કાર્નિવલની ઉજવણી કરવામાં આવતી હોય છે એટલે આ વખતે આ જ દિવસે ક્લાયમેટ ચેન્જ લર્નિંગ લેબને ખુલ્લી મૂકવામાં આવી. આ લેબમાં આઠ વિભાગ બનાવવામાં આવ્યા છે. સૌથી પહેલાં ગ્લોબલ વોર્મિંગ આવે એના કારણે દરિયાના પાણીની સપાટી વધવાની શક્યતા છે, વધારે ગરમીના કારણે વધારે પાણી ગરમ થશે તો વધારે વરસાદ આવશે તો પૂર આવશે અથવા તો કોઈ જગ્યાએ એવું થશે કે વરસાદ જ નહીં આવે એટલે દુષ્કાળ પડશે. કલાઈમેટ ચેન્જની અસર પ્લાસ્ટિકના કારણે પણ પડવાની છે. જેમ કે દરિયામાં પ્લાસ્ટિકનું પ્રમાણ વધશે તેના કારણે માછલી જેવા દરિયાઈ જીવો પર તેની અસર થશે. લર્નિંગ લેબમાં આવા અલગ અલગ આઠ વિભાગો બનાવ્યા છે, જેથી અહીં આવતાં લોકોને જેમાં વધારે રૂચિ હોય તેમાં તે સારી રીતે અભ્યાસ અને માહિતી મેળવી શકે છે. આ સિવાય ગેસ, ગ્રીન એનર્જી, સોલાર, ઈ-વ્હીકલ, વિન્ડ જેવા વિભાગો બતાવવામાં આવ્યા છે.
સ્ટુડન્ટ્સ માટે ઈન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ થશે
ડૉ. વ્રજેશ પરીખ કહે છે, અમે એવો પણ પ્રયત્ન કરીશું કે જે લોકો કોલેજમાં એન્વાયર્મેન્ટ રિલેટેડ સ્ટડી કરી રહ્યા છે તેમના માટે ખાસ પ્રકારનો ઈન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. જેથી તેના પર રિસર્ચ થાય અને ખ્યાલ આવે કે મનુષ્ય એવી કઈ કઈ એક્ટિવિટી છે જેને ધીમે ધીમે કાં તો ઓછી કરીએ અથવા તો બંધ કરી દઈએ. એટલે ક્લાઈમેટમાં જે પણ ફેરફાર થઈ રહ્યા છે તેને અટકાવી શકાય.
દરેક સ્લાઈડમાં ગુજરાતની રજેરજની માહિતી આપવામાં આવી છે.
ક્લાઈમેટ ચેન્જ માટે આપણી દિનચર્યા પણ જવાબદાર છે
આ બાબતે હાલમાં કેમ ગંભીરતા લેવાની જરૂર છે? જવાબમાં ડો. વ્રજેશ પરીખે કહ્યું કે, આપણે જોઈએ છીએ કે રાજસ્થાનમાં હિટવેવની પરિસ્થિતિ શું હતી, ગુજરાતમાં તેની અસર શું છે એટલે હિટવેવ જુઓ અને તેની સામે રેમલ જેવું સાયક્લોન આવ્યું. એટલે પહેલાં આટલાં બધા વાવાઝોડાં કે સાયક્લોન નહોતા આવતાં પણ અત્યારે અતિશય આવે છે. એવું જ અમેરિકામાં જુઓ, અમેરિકામાં ટોર્નાર્ડો આવે છે. દરેક લોકોના મનમાં પ્રશ્ન છે અને એનો જ જવાબ છે કે આપણે જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) વિશે સમજવું પડશે. આનું કારણ ક્યાંકને ક્યાંક આપણું જીવન અને દિનચર્યા છે.
આપણે અતિશયોક્તિ કરીને જે બધી જે વસ્તુઓ વાપરી છે તેની જરૂર નથી છત્તાં આપણે તેને વાપરીએ છીએ. એ પછી તેને બાજુમાં મૂકી દઈએ છીએ એટલે આ બાબતે આપણે ખરેખર વિચારવું પડશે. નહીંતર ભવિષ્યમાં ઘણીબધી મુશ્કેલીઓ પડી શકે છે.
હું તમને સિમ્પલ દાખલો આપું. તમે રિસ્ટ વોચ પહેરો છો. થોડા સમય પછી તમને બદલવાનું મન થયું. જૂની એકબાજુએ કબાટમાં મૂકી દેશો ને નવી વોચ ખરીદશો. પણ તમે એ નહીં વિચારો કે જે જૂની રિસ્ટ વોચ કબાટમાં મૂકી દીધી તે બનાવવામાં કેટલું પાણી વપરાયું હશે. કેટલી ભઠ્ઠી ગરમ કરવાની જરૂર પડી હશે. પર્યાવરણને નુકસાન થઈ જાય ત્યાં સુધીમાં આવી વસ્તુઓ બનતી હોય છે. જો આપણે એ જૂની ઘડિયાળથી ચલાવીએ અને બદલીએ નહીં તો? તો નવું પ્રોડક્શન ઘટશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.
ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના જનરલ મેનેજર ડૉ. વ્રજેશ પરીખ
બાળકોને ક્લાઈમેટ ચેન્જની ગેઈમથી સમજ અપાય છે
ક્લાયમેટ ચેન્જ લર્નિંગ લેબમાં કાર્યરત આસીસ્ટન્ટ એજ્યુકેટર ભાવેશ કુમાર વાસિયાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબ એ જનતામાં, ખાસ કરીને બાળકોમાં અવેરનેસ ફેલાવવા માટે સાડાચાર મહિના પહેલાં તૈયાર કરવામાં આવી છે. આબોહવામાં જે પરિવર્તન થઈ રહ્યું છે તેના પાછળના કારણો શું છે?, આપણે શું ધ્યાન રાખવું જોઈએ? આનાથી ભવિષ્યમાં આપણને કેવું કેવું નુકસાન થવાનું છે એ બાબતની જાણકારી મેળવીને તેઓ જાગૃત થાય તે ઉદ્દેશ્ય છે.
સાયન્સ સિટીમાં બનાવવામાં આવેલી આ લેબની મુલાકાત માટે જ્યારે બાળકો અને મોટેરાં આવે છે ત્યારે પ્રવેશ કરતાંની સાથે જ પહેલાં તેમને એક સ્ટેન્ડ પિક્ચર દેખાય છે જે મહાત્મા ગાંધીજીનું છે. જેમાં આબોહવા માટે મહાત્મા ગાંધી શું કહેતા હતા એ અંગે દર્શાવવામાં આવ્યું છે. અમારો મેઈન એઈમ એ છે કે, પહેલેથી લઈને અત્યાર સુધીમાં જે કોઈ લોકોએ જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એ દર્શાવવા પાછળ અહીં આવતા લોકોને સૌથી પહેલાં જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ પછી તેની બાજુમાં જ ગુજરાતની આબોહવાને લગતો એક મેપ દર્શાવવામાં આવ્યો છે. ગુજરાતમાં કઈ કઈ રીતે આબોહવા પરિવર્તન પામી છે પહેલાંના વર્ષોમાં કેટલું હતું અત્યારે શું પરિસ્થિતિ છે?
ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબમાં આ પણ છે…
દિલ્હીમાં પ્રદૂષણનો આંકડો વધતો જ જાય છે. તો ગુજરાતમાં પહેલાં કેટલું હતું ને અત્યારે શું હતું તેની સ્લાઈડ આપેલી છે. આ સાથે જ રેઈનફોલ, ભૂકંપ સહિતના વિષયોને લગતી ક્વિઝ ગેમ પણ મૂકવામાં આવી છે. અહીં આઠ ભાગમાં લેબ તૈયાર કરવામાં આવી છે. જેમાં સોલર, હવા અને કઈ કઈ રીતે ગ્રીન એનર્જી મળી શકે અને ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરી શકીએ છીએ તે બતાવાયું છે. ગુજરાતમાં બીઆરટીએસનો કન્સેપ્ટ છે તો ગુજરાતમાં તે ક્યારે શરૂ થઈ, બીઆરટીએસ લાવવાનો શું મોટીવ હતો, અત્યારે કેટલી બસો છે, અત્યારે તે પ્રોજેક્ટ ક્યાં છે. અથવા તો એનર્જી માટે આપણે શું કરી શકીએ છીએ. તાજેતરમાં જ ઈલેક્ટ્રીક બસ આવી જતાં પ્રદૂષણમાં આપણે શું શું હટાવી શક્યા છીએ આ માટેનો પણ આ લર્નિંગ લેબમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લા બે મહિનામાં આ લર્નિંગ લેબની 8 સ્કૂલના 800 જેટલા બાળકોએ મુલાકાત લીધી છે અને સાયન્સ સિટીમાં આવતા વિઝીટર્સ મળીને સંખ્યાબંધ લોકો આ લેબમાં આવી ચૂક્યા છે. આ લેબ જોવા માટે અલગથી કોઈ પણ પ્રકારનો ચાર્જ કે ટિકિટ લેવી પડતી નથી.
ક્લાઈમેટ ચેન્જ લર્નિંગ લેબમાં સ્લાઈડમાં મૂકાયેલા કેટલાક ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ…
- સરદાર સરોવર ડેમ 200 મેગાવોટની છ ટર્બાઈન ધરાવે છે.
- જે 173 શહેરો અને 9490 ગામડાંને પીવાનું પાણી આપે છે.
- 15 જિલ્લામાં 18.45 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા.
- પાઈપલાઈનથી ઘરેઘરે ગેસ પહોંચાડતું દેશનું પહેલું રાજ્ય ગુજરાત છે.
- 84%થી વધારે વિસ્તાર 2969 કિમીના ગેસ ગ્રીડ નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવે છે.
- ભારતના 31 ટકા સીએનજી સ્ટેશનો ગુજરાતમાં છે.
- થોડા વર્ષોમાં વધુ 300 સીએનજી સ્ટેશનો બનાવવામાં આવશે.
- ભારતના 40 ટકા પોર્ટ કાર્ગોનું સંચાલન ગુજરાતના બંદરો દ્વારા થાય છે.
- 2009માં ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગ સ્થાપવામાં આવ્યો.