ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં
ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે
Updated: Dec 19th, 2023
Covid New Variant Alert: દેશમાં એકવાર ફરીથી કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા છે. તેને જોતા કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી બહાર પાડી છે. તેવામાં હવે ગુજરાતમાં ફરી કોરોનાના કેસ સામે આવ્યા છે. ગાંધીનગરમાં બે મહિલાને કોરોના પોઝીટીવ આવ્યા છે. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ કોરોનાના નવા વેરિયન્ટના કેસ હોવાની પણ શંકા વ્યક્ત કરાઈ રહી છે. આ બંને મહિલાઓએ દક્ષિણ ભારતમાં મુસાફરી કરી હતી.બંને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ લીધેલા છે. ગુજરાતમાં કોરોનાની ફરી એન્ટ્રી થતા જ રાજ્યનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હાલ ગાંધીનગર હેલ્થ વિભાગે ટ્રેસિંગ કામગીરી શરૂ કરી દીધી છે. સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે પણ મોકલી દેવાયા છે.
દેશમાં એક દિવસમાં 335 કેસ અને પાંચનાં મોત
દેશમાં કોરોના ફરી એક વખત પગ પસારી રહ્યો છે. દેશના જુદા-જુદા રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે. કોવિડ-19નો નવો વેરિયન્ટ JN-1ને કેરળમાં સમર્થન મળ્યા બાદ સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડમાં છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 335 કેસ નોંધાયા છે અને કેરળ તથા યુપી સહિત દેશમાં કોરોનાથી પાંચના મોત થયા છે.
કોરોનાના નવા વેરિયન્ટના પગલે નવી ગાઇડલાઇન
કોરોના વાઇરસનો નવો વેરિયન્જ JN-1 મળી આવ્યા પછી કેન્દ્રએ તેના અંગે ચેતવણી જારી કરી છે. કેરળમાં તિરુવનન્તપુરમની 79 વર્ષીય મહિલાના સેમ્પલમાં નવો વેરિયન્ટ જેએન-૧ મળી આવ્યો હતો. તમિલનાડુના તિરુચિરાપલ્લીની આ રહેવાસી સિંગાપોરનો ટ્રાવેલ હિસ્ટરી ધરાવે છે. કેન્દ્રની એડવાઇઝરીમાં જણાવાયું છે કે આગામી સીઝન તહેવારોની હોઈ જાહેર આરોગ્યના મોરચે પૂરતા પ્રમાણમાં પગલાં લેવા જરુરી છે અને રોગનું ઓછામાં ઓછું પ્રસરણ થાય તે પ્રકારની પરિવહન વ્યવસ્થા ગોઠવવી પણ જરુરી છે. તેની સાથે શ્વાસોચ્છવાસની પ્રક્રિયાને પણ ઉચ્ચસ્તરે જાળવી રાખવી જરુરી છે.
દેશમાં કોરોનાના કેસ ફરીથી વધવાના શરૂ થઈ ગયા છે. કેરળમાં કોરોનાના નવા વેરિયન્ટની જાણકારી મળ્યા પછી કેરળ સરકાર સક્રિય થઈ ગઈ છે. તેણે રાજ્યભરમાં એલર્ટ જાહેર કર્યુ છે. કેન્દ્ર સરકાર પણ કોરોનાના વધતા કેસોથી ચિંતિત છે.