Heart Attack in Gujarat : તાજેતરમાં જ કચ્છ ખાતે પરીક્ષા આપતી વખતે ધોરણ-૧૦ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું હતું. આમ, ગુજરાતમાં કિશોર વય અને યુવાનોમાં હાર્ટ એટેક આવવાનો ચિંતાજનક ક્રમ જારી રહ્યો છે. વર્ષ ૨૦૨૧ કરતાં વર્ષ ૨૦૨૩માં હૃદય સંબધિત ઈમરજન્સી સમસ્યાના કોલ્સમાં ૫૫ ટકાથી વધુનો વધારો થયો છે. આ વર્ષે હૃદય સંબધિત સમસ્યા સાથે દરરોજ સરેરાશ ૨૦૦થી વધુ ઈમરજન્સી કોલ્સ આવી રહ્યા છે.
હૃદય સંબંધિત સમસ્યાના કોલ્સ ૨૦૨૩માં ૬૬ હજારને પાર
ઈમરજન્સી સેવા ‘૧૦૮’ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી હૃદય સંબધિત સમસ્યાના કુલ ૬૬૩૯૭ કોલ્સ નોંધાયા છે. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૧માં ૪૨૫૫૫ જ્યારે વર્ષ ૨૦૨૨માં ૫૬૨૭૭ કોલ્સ નોંધાયા હતા. આમ, છેલ્લા બે વર્ષની સરખામણીએ આ વર્ષે હૃદય સંબધિત ઈમરજન્સી કોલ્સમાં વધારો નોંધાયો છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબરમાં સૌથી વધુ ૬૭૬૩ કોલ્સ હૃદય સંબધિત સમસ્યાના નોંધાયા હતા. આ સિવાય નવેમ્બરમાં ૬૨૫૪ કોલ્સ નોંધાયાનું સામે આવ્યું છે.
ડોક્ટરોના મતે શિયાળા દરમિયાન હૃદયની સમસ્યા ધરાવતા દર્દીઓના પ્રમાણમાં વધારો થતો હોય છે. જોકે, આ વર્ષે હજુ સુધી કાતિલ ઠંડી પડી નહીં હોવાથી નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન તેમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો નથી. તબીબો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વહેલી સવાર દરમિયાન કાડયોવાસ્ક્યુલરના કેસ વધારે જોવા મળે છે, આ માટે વિવિધ પરિબળો જવાબદાર હોય છે.
જેમાં પ્લાઝ્મા લેવલમાં ફરક કે લોહી જામી જવાનું પરિબળ, પ્લેટલેટમાં કુલ વધારો, બ્લડપ્રેશર અને કોલેસ્ટેરોલમાં વધઘટ, અંતઃસ્ત્રાવમાં ફેરફારો, અંગોમાં લોહીના માગ-પુરવઠાના રેશિયોમાં વધારો, વેસોકન્સ્ટ્રિક્શન અને કેટેકોલામાઇન સ્તરમાં વધારો તથા બોડી મેટાબોલિકમાં વધારો એમ કેટલાંક પરિબળો છે. જે શિયાળા દરમિયાન હૃદયરોગના હુમલામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. શિયાળા દરમિયાન હૃદયરોગનું હુમલાનું જોખમ વધતું હોવાથી કાડયોવાસ્ક્યુલર રોગો ધરાવતા દર્દીઓને તેમની દવાઓ નિયમિત અને સમયસર લેવાની, તેમની નિયમિત કસરત જાળવી રાખવાની, ભોજનની સારી આદતો સહિત સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવાની, ધુમ્રપાન ટાળવાની, શિયાળાને અનુરૂપ વસ્ત્રો પહેરવાની અને ઇન્ફેક્શનની સારવાર લેવાની સલાહ આપવામાં આવે છે.
૬ મહિનામાં ૧ હજારથી વધુના હૃદયરોગથી મૃત્યુ, ૮૦ ટકા યુવાનો
એનસીઆરબીના અહેવાલ અનુસાર ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૨માં હાર્ટ એટેકથી તુરંત જ મૃત્યુ થવાના ૨૮૫૩ કેસ નોંધાયા છે. હાર્ટ એટેકથી તુરંત મૃત્યુ થયા હોય તેમાં ૨૫૨૯ પુરુષ અને ૩૨૪ મહિલાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ વર્ષ ૨૦૨૧માં હાર્ટ એટેકથી તુરંત મૃત્યુ થયાની કુલ ૨૯૪૮ ઘટના નોંધાઇ હતી. એક અહેવાલ અનુસાર રાજ્યમાં છેલ્લા ૬ મહિનામાં હૃદયરોગના હુમલાથી ૧ હજારથી વધુના મૃત્યુ થયા છે. આ મૃત્યુમાં ૮૦ ટકાથી વધુ લોકો ૧૧થી ૨૫ની વયજૂથના છે.
ગુજરાતમાં હૃદય સંબંધિત સમસ્યાના ક્યારે કેટલા કોલ્સ
વર્ષ ૨૦૨૧માં ૪૨,૫૫૫ કોલ્સ, વર્ષ ૨૦૨૨માં ૫૬,૨૭૭ કોલ્સ, વર્ષ ૨૦૨૩*માં ૬૬૩૯૭ કોલ નોંધાયા છે. (*નવેમ્બર સુધીના આંકડા.)