Updated: Dec 19th, 2023
image : Freepik
– બહેનને છોડાવવા વચ્ચે પડેલા ભાઈ પર બનેવીએ ખંજરના ઉપરા છાપરી ઘા ઝીકી દેતા તેના આંતરડા બહાર નીકળી ગયા હતા વારસિયા પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે
વડોદરા,તા.19 ડિસેમ્બર 2023,મંગળવાર
વડોદરાના હરણી રોડ પર સવાદ ક્વાર્ટર્સ પાસે જવાહર ફળિયામાં રહેતો જીગર મુકેશભાઈ બ્રહ્મભટ્ટ છૂટક મજૂરી કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવાર હું તથા મારા માતા પિતા અને મારો મોટો ભાઈ અને બહેન ઘરે હાજર હતા. ત્યારબાદ હું ચોકમાં બેસવા માટે ગયો હતો. બપોરે દોડ વાગ્યાના અરસામાં મને જાણવા મળેલ કે મારા જીજાજી ભાવેશ રાજેન્દ્રભાઈ શર્મા મારા ઘરે મારી બહેન પૂજા તથા મારા પિતા સાથે બોલા ચાલી ઝઘડો કરે છે. જેથી હું મારા ઘરે ગયો ત્યારે મારા જીજાજી બહેન સાથે ઝપાઝપી કરતા હતા. એટલે હું છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો ત્યારે મારા જીજાજીએ મારા પર ઉશ્કેરાઈને પેન્ટના કમરના ભાગમાંથી ખંજર કાઢી મને ઉપરા છાપરી બે ઘા પેટ અને ડાબા પડખાના ભાગે મારી દીધા હતા. જેથી મારા આંતરડા બહાર નીકળી ગયા હતા અને હું લોહી લુહાણ થઈને નીચે પડી ગયો હતો. તેઓ મને ત્રીજો ઘા મારવા જતા અમે હાથ આડો કરી દેતા મારા ડાબા હાથની આંગળીમાં ખંજર વાગી ગયું હતું. આ જોઈને મારા પિતા મને બચાવવા વચ્ચે પડતા તેઓને પણ જમણા હાથની પહેલી આંગળીમાં ખંજર વાગી ગયું હતું. મારી બહેન પૂજા અમને બચાવવા માટે જીજાજીને ધક્કો મારતા તે સિમેન્ટના ચૂલા પર પડતા તેમને માથામાં ડાબી બાજુના પાછળના ભાગે ચૂલો વાગી જતા ઈજા થઈ હતી. મને ખંજર વાગતા હું બેભાન જેવો થઈ ગયો હતો અને મારો મિત્ર મને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યો હતો.