સ્પોર્ટ્સ ડેસ્ક37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનનું મિની ઓક્શન મંગળવારે દુબઈમાં થયું હતું. 10 ટીમે 72 ખેલાડીઓને 230.45 કરોડ રૂપિયામાં ખરીદ્યા, જેમાં 30 વિદેશી પણ સામેલ છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કને કોલકાતાએ 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જ્યારે પેટ કમિન્સ રૂ. 20.50માં વેચાયો હતો.
દરમિયાન, આ ઓક્શનમાં ન્યૂઝીલેન્ડનો બેટર ડેરીલ મિચેલ ત્રીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો. તેને ચેન્નઈ સુપર કિંગ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ અનસોલ્ડ રહ્યો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયા માટે માત્ર 2 T20 રમનાર સ્પેન્સર જોનસન 10 કરોડ રૂપિયામાં ગુજરાત સાથે જોડાયો હતો.
1. રચિન રવીન્દ્ર: બિડિંગ અપેક્ષા કરતા ઓછી થઈ
ન્યૂઝીલેન્ડના લેફ્ટ આર્મ બેટિંગ ઓલરાઉન્ડર રચિન રવીન્દ્રને CSKએ ઓક્શનમાં સસ્તામાં ખરીદ્યો હતો. રચિનનું નામ ઓક્શનના સેટ-2માં હતું. કિવી ઓલરાઉન્ડરે તેની બેઝ પ્રાઇસ માત્ર 50 લાખ રૂપિયા રાખી હતી. એવી અપેક્ષા હતી કે રચિન ઓક્શનમાં સૌથી મોંઘો ખેલાડી બનશે, પરંતુ ચેન્નઈએ તેને માત્ર રૂ. 1.6 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો.
રચિને હાલમાં જ રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં બધાને પ્રભાવિત કર્યા હતા. તેણે 3 સદીની મદદથી 578 રન બનાવ્યા હતા. 24 વર્ષીય રચિને ભારતમાં સ્પિન અને પેસ બંને સામે 64.22ની એવરેજથી ઘણા રન બનાવ્યા હતા. ટોપ ઓર્ડરમાં બેટિંગની સાથે રચીન લેફ્ટ આર્મ સ્પિન બોલિંગ પણ કરે છે.
રચિને ન્યૂઝીલેન્ડ માટે 18 T20 ઈન્ટરનેશનલ મેચમાં લગભગ 118ના સ્ટ્રાઈક રેટથી 145 રન બનાવ્યા છે. તે પ્રથમ વખત IPLના ઓક્શનમાં ઉતર્યો હતો. તેની T-20 કારકિર્દીની 53 મેચમાં તેણે લગભગ 123ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે.
2. ડેરીલ મિચેલ: પ્રથમ સિઝનમાં માત્ર 2 મેચ રમી, આ વર્ષે 14 કરોડ મળ્યા
10 કરોડનો આંકડો પાર કરનાર ચાર ખેલાડીઓમાં ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓલરાઉન્ડર ડેરિલ મિચેલનું નામ ઓક્શનમાં સામેલ હતું. ચેન્નઈ સુપર કિંગ્સે આ કિવી ઓલરાઉન્ડરને 14 કરોડ રૂપિયામાં સામેલ કર્યો હતો. મિચેલની આ બીજી સિઝન હશે. 2022માં, તેણે રાજસ્થાન રોયલ્સ સાથે તેની પ્રથમ સિઝન રમી. તે સિઝનમાં તેને માત્ર 2 મેચ રમવાની તક મળી છે. IPL 2023 મીની-ઓક્શનમાં તે અનસોલ્ડ રહ્યો હતો.
મિચેલની એન્ટ્રી સાથે ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023ની ટ્રોફી જીત્યા બાદ તેમના અનુભવી મિડલ ઓર્ડર બેટર અંબાતી રાયડુની નિવૃત્તિથી સર્જાયેલી ખાલી જગ્યાને ભરી દીધી છે. મિચેલની ગિયરમાં બેટિંગ કરવાની ક્ષમતા અને સ્પિન સામે તેની કુશળતા CSKને મદદ કરશે.
3. વાનિન્દુ હસરંગા: ગત સિઝનમાં રૂ. 10 કરોડ મળ્યા હતા, આ વર્ષે બેઝ પ્રાઈસ પર વેચાયો
શ્રીલંકાના સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વાનિન્દુ હસરાંગા T20 રેન્કિંગમાં નંબર-3 બોલર છે. ગત સિઝનમાં પંજાબ અને હૈદરાબાદમાં પણ તેના માટે બિડિંગ વૉર થયું હતું અને તે રૂ. 10.75 કરોડમાં વેચાયો હતો. આ સિઝનમાં તેને એક જ ખરીદનાર મળ્યો. હૈદરાબાદે તેને 1.5 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ટીમમાં સામેલ કર્યો હતો.
હસરંગા વર્લ્ડ ક્લાસ લેગ સ્પિનર છે અને તે નીચલા ક્રમમાં બેટિંગ પણ કરે છે. તેણે શ્રીલંકા માટે 58 T20 મેચમાં 91 વિકેટ અને 533 રન બનાવ્યા છે. અત્યાર સુધી રમાયેલી કુલ 26 IPL મેચમાં તેના નામે 35 વિકેટ છે.
4. લોકી ફર્ગ્યુસન: વર્લ્ડ ક્લાસ પેસર, પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યો પછી છેલ્લા રાઉન્ડમાં બેઝ પ્રાઇસ પર વેચાયો
ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનને આ ઓક્શનમાં પહેલા કોઈ ખરીદનાર ન મળ્યો, પરંતુ બીજા રાઉન્ડમાં તે બેઝ પ્રાઈસ પર જ વેચાઈ ગયો. RCBએ તેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.
આ ચોંકાવનારું હતું કારણ કે KKRએ તેને ગત સિઝનમાં 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ફર્ગ્યુસનનું નામ ઓક્શનના સેટ-4માં હતું.
ફર્ગ્યુસન, જે ઝડપ અને બાઉન્સર સાથે ક્રોસ સીમ બોલિંગ કરે છે, તે મિડલ અને ડેથ ઓવરમાં વિકેટ લેવાની ક્ષમતા ધરાવે છે. ફર્ગ્યુસને ન્યૂઝીલેન્ડ માટે 33 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 44 વિકેટ લીધી છે. તેના નામે 38 IPL મેચમાં 37 વિકેટ છે. ફર્ગ્યુસને 65 વન-ડે મેચમાં 99 વિકેટ ઝડપી છે.
5. સ્પેન્સર જોન્સન: માત્ર 2 T20 આંતરરાષ્ટ્રીય મેચનો અનુભવ
સ્પેન્સર જોન્સન આ ઓક્શનના સૌથી મોટા સરપ્રાઈઝમાંથી એક છે. ગુજરાત ટાઇટન્સે ડાબા હાથના ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરને 10 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. સ્પેન્સર ધ હન્ડ્રેડ લીગમાં ફેમસ થયો જ્યાં તેણે મેચમાં 4 ઓવરના સ્પેલમાં એક રન આપીને 3 વિકેટ લીધી.
જોનસન બિગ બેશ લીગમાં બ્રિસ્બેન હીટનો ખેલાડી છે. T20 ક્રિકેટમાં સ્પેન્સર જોન્સને અત્યાર સુધી 20 ઇનિંગ્સમાં 30.23ની એવરેજ અને 7.84ની ઇકોનોમી રેટથી 17 વિકેટ ઝડપી છે. તે મેજર ક્રિકેટ લીગ (MLC)માં લોસ એન્જલસ નાઈટ રાઈડર્સ તરફથી પણ રમ્યો હતો.
જોન્સને આ વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના સાઉથ આફ્રિકા પ્રવાસ દરમિયાન T20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું અને બે મેચમાં બે વિકેટ લીધી હતી. તેણે સપ્ટેમ્બર 2023માં ભારત સામેની વન-ડે મેચમાં પણ ભાગ લીધો હતો, પરંતુ તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.
6. સ્ટીવ સ્મિથ: 100+ IPL મેચનો અનુભવ, ભારતમાં શ્રેણી પણ રમી; પણ અનસોલ્ડ રહ્યો
ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટર સ્ટીવ સ્મિથ આ વર્ષના ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો. સ્મિથ 2012થી IPL રમી રહ્યો છે. સ્મિથ દિલ્હી કેપિટલ્સ, રાજસ્થાન રોયલ્સ, રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ, પુણે વોરિયર્સ ઇન્ડિયા, કોચી ટસ્કર્સ કેરળ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી ચૂક્યો છે.
સ્ટાર બેટરે તેની છેલ્લી સીઝન 2021માં DC માટે રમી હતી, તેણે 8 મેચમાં 25.33ની એવરેજથી 152 રન બનાવ્યા હતા. સ્મિથ 2 કરોડની બેઝ પ્રાઇસ સેટ કર્યા પછી સતત ત્રીજી વખત અનસોલ્ડ રહ્યો છે.
આ વખતે એવું લાગતું હતું કે સ્મિથને આ વર્ષે ટીમ મળી શકે છે, કારણ કે તેણે ગયા વર્ષે બિગ બેશ લીગ (BBL)માં બેટિંગની શરૂઆત કરીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે જ સમયે, વર્લ્ડ કપ પછી, સ્મિથે નવેમ્બરમાં ભારત સામે T20 શ્રેણી રમીને ભારતમાં રમવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી.
સ્મિથના અનસોલ્ડ રહેવાનું સૌથી મોટું કારણ એ હતું કે 2021થી T20માં તેનું ફોર્મ સતત ઘટી રહ્યું છે. અનુભવી બેટરની 2022થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 120ના સ્ટ્રાઈક રેટથી 21.60ની નિરાશાજનક સરેરાશ રહી છે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં તેનું ફોર્મ ભારતીય પરિસ્થિતિઓમાં સારું રહ્યું નથી.