માર્ગ અને મકાન વિભાગ દ્વારા વારંવાર નોટિસો આપવા છતાં કામ પૂરુ કરવા અખાડા
Updated: Dec 20th, 2023
વડોદરા, તા.20 વાઘોડિયા-વડોદરા સ્ટેટ હાઇવે પર વાઘોડિયાથી પીપળીયા વચ્ચે ૧૦ કિ.મી. રોડના કામની મુદત પૂર્ણ થઇ ગઇ હોવા છતાં કામ હજી પણ અધૂરુ રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરને નોટિસો આપવા છતાં કામ પૂર્ણ નહી થતા આખરે આજે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને ચીમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે વાઘોડિયાથી પીપળીયા વચ્ચેનું કામ ઇજારદાર સિમન્દર કન્સ્ટ્રક્શન નામની એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ એજન્સીની કાર્યપધ્ધતિ તેમજ ગેરરીતિના કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ એજન્સીને બ્લેકલિસ્ટ કરાઇ હતી તેમ છતાં વાઘોડિયાથી પીપળીયા વચ્ચે સ્ટેટ હાઇવેનું કામ તેને સોંપવામાં આવ્યું હતું અને અપેક્ષા મુજબ જ કામમાં ઢીલાશ વર્તાઇ રહી છે. ઓક્ટોબર માસમાં કામની મુદત પૂરી થઇ હોવા છતાં હજી પણ ગોકળગાયની ગતિએ કામ ચાલી રહ્યું છે અને લાંબા સમયથી લોકો હેરાન થઇ રહ્યા છે.
આજે વાઘોડિયાના ધારાસભ્ય તેમજ વાઘોડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશનના સભ્યો અને લોકો રોડ પર ધસી ગયા હતા તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવી બંધ થઇ ગયેલું કામ ક્યારથી શરૃ કરશો તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતાં. ધારાસભ્યએ એવી ચીમકી પણ ઉચ્ચારી હતી કે કાલથી જો રોડનું કામ ચાલુ નહી થાય તો કોન્ટ્રાક્ટરને રોડ પર દોડાવીશું.
ઉલ્લેખનીય છે કે બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટરની ગોકળગાયની ગતિએ ચાલતા કામથી કંટાળી જઇને વાઘોડિયા ઇન્ડસ્ટ્રિયલ એસોસિએશન દ્વારા વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી છે બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપવામાં આવી છે છતાં કામ હજી પૂર્ણ થયું નથી.