Updated: Dec 21st, 2023
– અમિત ચાવડાએ કર્મચારીઓની રજૂઆત સાંભળી સરકારમાં રજૂઆત કરવા ખાતરી આપી
સુરત,તા.21 ડિસેમ્બર 2023,ગુરૂવાર
સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ છેલ્લા નવ દિવસથી સફાઈ કામદારો કાયમી કરવાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. આજે કોંગ્રેસના વિધાનસભાના નેતાએ તેમની મુલાકાત કરીને તેમની પાસે માહિતી મેળવી હતી.
વિધાનસભાના કોંગ્રેસના નેતા અમિત ચાવડા સુરતની મુલાકાતે આવ્યા છે. સુરત ખાતેની પત્રકાર પરિષદને સંબોધન કર્યા બાદ તેઓ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. સુરત મહાનગરપાલિકાના રોજિંદા સફાઈ કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી કાયમી નોકરીની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે. તેઓએ તેમની મુલાકાત કરી અને તેમના પ્રશ્નો અને રજૂઆતની જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેઓએ તેમની સમસ્યા સરકારમાં રજૂઆત કરવા ઉપવાસ પર ઉતરેલા સફાઈ કામદારોને ખાતરી આપી હતી.