પોલીસ સમક્ષ તેડી જવાનું કહ્યા પછી પણ પત્નીને લઇ ના ગયા
Updated: Dec 21st, 2023
વડોદરા,શિક્ષક પતિ દ્વારા પત્નીને પિયરમાંથી દહેજ લઇ આવવાનું જણાવી મારઝૂડ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો. જે અંગે પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,મારા લગ્ન ગત મે – ૨૦૧૭માં સમાજના રિત રિવાજ મુજબ, અમિત સોલંકી ( રહે. ખ્રિસ્તી ફળિયું, તા. માતર, જિ.ખેડા) સાથે થયા હતા. લગ્નના ત્રણ મહિના સુધી મને સારી રીતે રાખી હતી. ત્રણ જ મહિનામાં હું ગર્ભવતી થતા તે વાત મારા સાસુ, નણંદ અને દિયરને ગમી નહતી. મને પિયરમાંથી દહેજ લઇ આવવા બાબતે મારઝૂડ કરી ત્રાસ આપતા હતા. પુત્રના જન્મના એક વર્ષ સુધી સાસરિયાઓ મને તેડવા આવ્યા નહતા. મારા માતા પિતાએ સામાજીક રીતે વાતચીત કરતા તેઓ મને તેડી ગયા હતા. ત્યારબાદ મારા પતિ નાની બાબતોએ ઝઘડો કરી મારઝૂડ કરતા હતા. મને પિયરમાં પણ ફોન પર વાતચીત કરવા દેતા નહતા. ત્યારબાદ હું મારા પતિ અને સંતાન સાથે અમદાવાદ રહેવા ગઇ હતી. ત્યાં પણ મારા પતિ મને ત્રાસ આપતા હતા. ઘણીવાર મને કશું કહ્યા વિના ઘર છોડીને જતા રહેતા હતા. હું તેઓને પૂછું તો છૂટાછેડાની ધમકી આપતા હતા. એક વખત વડોદરા આવ્યા પછી મારા પતિ મને કશું કહ્યા વિના જતા રહેતા મેં તેમના ગૂમ થયાની જાણ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં કરી હતી. ત્યારે પોલીસ સમક્ષ હાજર થઇને બે – ત્રણ દિવસમાં મને તેડી જશે. તેવું કહીને મારા પતિ જતા રહ્યા હતા. પરંતુ, મને તેડવા આવ્યા નહતા.