રેવાડી1 કલાક પેહલા
- કૉપી લિંક
રેસલર બજરંગ પુનિયા એવોર્ડ પરત કરવા માટે જ્યારે પીએમ આવાસ ખાતે પહોંચ્યા તો ત્યાં હાજર પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો.
કુસ્તીબાજ બજરંગ પુનિયાએ સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પદ્મશ્રી એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. બજરંગ પુનિયાએ લખ્યું કે હું મારો પદ્મશ્રી એવોર્ડ વડાપ્રધાનને પરત કરી રહ્યો છું. આ માત્ર કહેવા માટે મારો પત્ર છે. આ મારું નિવેદન છે.
અઢી પેજના આ પત્રમાં બજરંગ પુનિયાએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) પર બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહની જીતનો વિરોધ કર્યો છે. બજરંગ એવોર્ડ પરત કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાને ગયા હતા, પરંતુ અંદર જવાની પરવાનગી ન મળતાં તેમણે એવોર્ડ ત્યાં ફૂટપાથ પર જ મૂકી દીધો હતો.
બજરંગ પુનિયાને 12 માર્ચ 2019ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બજરંગે પોતાને ‘અપમાનિત કુસ્તીબાજ’ ગણાવતાં કહ્યું હતું કે મહિલા કુસ્તીબાજોનું અપમાન કર્યા પછી તે આટલું સન્માનજનક જીવન જીવી શકશે નહીં, તેથી તેઓ તેમનું સન્માન પરત કરી રહ્યા છે. હવે તેઓ આ સન્માનના બોજ હેઠળ જીવી શકશે નહીં. બજરંગ પુનિયાને 12 માર્ચ 2019ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હાથમાં પદ્મશ્રી એવોર્ડ લઈને વડાપ્રધાનના આવાસની બહાર બેઠા હતા કુસ્તીબાજ બજરંગ પુનિયા .
બજરંગ પુનિયાના પત્રના મહત્ત્વના મુદ્દા…
સરકારે નક્કર કાર્યવાહી કરવાની વાત કરી હતી
બજરંગ પુનિયાએ વડાપ્રધાનને લખ્યું- દેશની સેવાની આટલી વ્યસ્તતા વચ્ચે હું તમારું ધ્યાન અમારી કુસ્તી તરફ દોરવા માગું છું. તમે જાણતા જ હશો કે આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દેશની મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિયેશનના પ્રભારી બ્રિજ ભૂષણ સિંહ પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો હતો.
જ્યારે મહિલા કુસ્તીબાજોએ આંદોલન શરૂ કર્યું ત્યારે હું પણ એમાં જોડાયો હતો. આંદોલનકારી કુસ્તીબાજો જાન્યુઆરીમાં તેમના ઘરે પરત ફર્યા, જ્યારે સરકાર દ્વારા તેમને નક્કર પગલાં લેવાનું કહેવામાં આવ્યું.
3 મહિનામાં કંઈ ન થયું તો રસ્તા પર ઊતરવું પડ્યું
3 મહિના પછી પણ જ્યારે બ્રિજભૂષણ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી નહીં ત્યારે અમે એપ્રિલ મહિનામાં ફરીથી કુસ્તીબાજો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો, જેથી દિલ્હી પોલીસ ઓછામાં ઓછી બ્રિજ ભૂષણ વિરુદ્ધ FIR નોંધે, પરંતુ તેમ છતાં પણ કામ ન થયું, તેથી અમારે કોર્ટમાં જઈને ફરિયાદ નોંધાવવી પડી.
બ્રિજભૂષણના દબાણમાં 12 મહિલા કુસ્તીબાજે પીછેહટ કરી
જાન્યુઆરીમાં ફરિયાદી મહિલા કુસ્તીબાજોની સંખ્યા 19 હતી, જે એપ્રિલ સુધીમાં ઘટીને 7 થઈ ગઈ, એટલે કે આ 3 મહિનામાં પોતાની તાકાતના જોરે બ્રિજભૂષણે ન્યાયની લડાઈમાં 12 મહિલા કુસ્તીબાજોને હરાવ્યા. આ આંદોલન 40 દિવસ સુધી ચાલ્યું.
આ 40 દિવસમાં વધુ એક મહિલા રેસલરે પીછેહઠ કરી. અમારા બધા પર ઘણું દબાણ હતું. અમારા વિરોધ સ્થળે તોડફોડ કરવામાં આવી હતી, અમારો દિલ્હીથી પીછો કરવામાં આવ્યો હતો અને અમારા વિરોધ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ગૃહમંત્રીએ કહ્યું હતું- ન્યાયનું સમર્થન આપીશું
જ્યારે આ બન્યું ત્યારે અમને શું કરવું એ સમજાયું નહીં, તેથી અમે અમારા મેડલ ગંગામાં વહાવવાનું વિચાર્યું. અમે ત્યાં ગયા ત્યારે અમારા કોચ સાહેબ અને ખેડૂતોએ અમને આવું ન કરવા દીધું. એ જ સમયે તમારા એક જવાબદાર મંત્રીનો ફોન આવ્યો અને અમને કહેવામાં આવ્યું કે પરત જાઓ, તમારી સાથે ન્યાય થશે.
આ દરમિયાન અમે અમારા ગૃહમંત્રીને પણ મળ્યા, જેમાં તેમણે અમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ મહિલા કુસ્તીબાજોને ન્યાય અપાવવામાં મદદ કરશે અને બ્રિજભૂષણ, તેમના પરિવાર અને તેમના વંશજોને કુસ્તી મહાસંઘમાંથી હાંકી કાઢશે.
આ તસવીર 30 મે 2023ની છે, જ્યારે કુસ્તીબાજો બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ હરિદ્વારમાં હર કી પૌરીમાં તેમના મેડલ ગંગામાં વહાવવા ગયાં હતાં. જોકે બાદમાં તેમને અટકાવવામાં આવ્યા હતા.
અમે સંમત થયા, પરંતુ બ્રિજભૂષણનો ફરીથી સંઘ પર દબદબો
અમે તેમની સલાહ માની લીધી અને રસ્તા પર અમારું આંદોલન સમાપ્ત કર્યું, કારણ કે સરકાર કુસ્તી સંઘનો ઉકેલ લાવશે અને ન્યાયની લડાઈ કોર્ટમાં લડવામાં આવશે, આ બે બાબત અમને તાર્કિક લાગી, પરંતુ 21મી ડિસેમ્બરે યોજાયેલી રેસલિંગ એસોસિયેશનની ચૂંટણીમાં બ્રિજભૂષણ ફરી અધિકાર જમાવ્યો છે.
તેમણે નિવેદન આપ્યું હતું કે ‘દબદબો છે અને દબદબો રહેશે’. મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ લગાવનારી વ્યક્તિ ફરીથી કુસ્તીનું સંચાલન કરતી સંસ્થા પર તેના વર્ચસ્વનો ખુલ્લેઆમ દાવો કરી રહી હતી.
અમે રડીને રાત વિતાવી
આ માનસિક દબાણ હેઠળ ઓલિમ્પિક મેડલ જીતનારી એકમાત્ર મહિલા રેસલર સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લીધી. અમે બધાએ રડીને રાત વિતાવી. ક્યાં જવું, શું કરવું અને કેવી રીતે જીવવું એ સમજાતું નહોતું. સરકાર અને જનતાએ મને આટલું માન આપ્યું છે, શું આ સન્માનના બોજ હેઠળ મારે ગૂંગળાવવું જોઈએ?
વર્ષ 2019માં મને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો. ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો. જ્યારે મને આ સન્માન મળ્યું ત્યારે હું ખૂબ જ ખુશ હતો. મને લાગ્યું કે જીવન સફળ રહ્યું છે, પરંતુ આજે હું તેના કરતાં વધુ દુ:ખી છું અને આ સન્માન મને દુઃખી કરી રહ્યા છે. એક જ કારણ છે કે જે કુસ્તીમાં અમને આ સન્માન મળે છે, અમારી સાથી મહિલા કુસ્તીબાજોએ તેમની સુરક્ષા માટે કુસ્તી છોડી દેવી પડે છે.
જેમનો દબદબો રહ્યો છે, તેઓ મહિલા ખેલાડીઓને ડરાવે છે
સ્પોર્ટ્સ અમારી મહિલા કુસ્તીબાજોના જીવનમાં જબરદસ્ત પરિવર્તન લાવ્યું છે. અગાઉ ગામડાંમાં એવી કલ્પના પણ કરી શકાતી નથી કે છોકરા-છોકરીઓ ગામડાનાં ખેતરોમાં સાથે રમતા જોવા મળશે, પરંતુ પ્રથમ પેઢીની મહિલા કુસ્તીબાજોની હિંમતને કારણે આવું થઈ શક્યું. તમે દરેક ગામડામાં છોકરીઓને રમતા જોશો અને તેઓ દેશ-વિદેશમાં પણ રમવા જાય છે, પરંતુ જેમનું વર્ચસ્વ સ્થપાયું છે અથવા રહેશે, તેમનો પડછાયો પણ મહિલા ખેલાડીઓને ડરાવે છે અને હવે તેઓ સંપૂર્ણ રીતે ફરીથી સત્તા સંભાળી ચૂક્યા છે. ગળામાં માળા પહેરેલી હોય એવો તેમનો ફોટો તમારા સુધી પહોંચ્યો જ હશે. જે દીકરીઓ બેટી બચાવો-બેટી પઢાવોની બ્રાંડ-એમ્બેસેડર બનવાની હતી તેમને એવી પરિસ્થિતિમાં મૂકવામાં આવી કે તેમણે પોતાની રમતમાંથી પાછળ હટી જવું પડ્યું છે.
હું સન્માનિત બનીને જીવી શકીશ નહીં
અમે કુસ્તીબાજોને ‘સન્માન આપતા’ કંઈ કરી શક્યા નહીં. મહિલા કુસ્તીબાજોનું અપમાન કર્યા પછી હું મારું જીવન ‘સન્માનિત’ તરીકે જીવી શકીશ નહીં. આવું જીવન મને આખી જિંદગી સતાવશે, તેથી જ હું તમને આ ‘સન્માન’ પરત કરી રહ્યો છું. જ્યારે પણ અમે કોઈપણ કાર્યક્રમમાં જતા ત્યારે સ્ટેજ ડાયરેક્ટર અમને પદ્મશ્રી, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કાર વિજેતા કુસ્તીબાજો કહીને ઓળખાણ કરાવતા અને લોકો ખૂબ જ ઉત્સાહથી તાળીઓ પાડતા. હવે જો કોઈ મને આ રીતે બોલાવશે તો મને નફરત થશે, કારણ કે આટલું સન્માન હોવા છતાં એક સન્માનજનક જીવનથી વંચિત રહી ગયો, જે દરેક મહિલા રેસલર જીવવા માગે છે. મને ભગવાનમાં પૂરો વિશ્વાસ છે. તેમના ઘરમાં વિલંબ છે, અંધકાર નથી. એક દિવસ અન્યાય પર ન્યાયનો ચોક્કસપણે વિજય થશે.
વાંચો બજરંગ પુનિયાનો આખો પત્ર…
સાક્ષી મલિક ગઈકાલે નિવૃત્ત થયાં હતાં
દેશની એકમાત્ર ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે WFI ચૂંટણીના પરિણામ બાદ ગુરુવારે દિલ્હીમાં એક પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન નિવૃત્તિ લીધી હતી. સાક્ષીએ પગરખાં કાઢીને ત્યાં ટેબલ પર મૂકી દીધાં હતાં. આ પહેલાં સાક્ષીએ કહ્યું હતું કે અમે યુદ્ધ ન જીતી ન શક્યાં તો કોઈ વાંધો નથી. અમને ટેકો આપવા માટે દેશભરમાંથી દૂર-દૂરથી આવેલા લોકોનો આભાર. અમારી લડાઈ આગળ પણ ચાલુ રહેશે.
સાક્ષીએ ભારે અવાજમાં કહ્યું હતું કે કુસ્તીબાજોએ WFIમાં મહિલા પ્રમુખની માગણી કરી હતી, પરંતુ બ્રિજભૂષણની સિસ્ટમ કેટલી મજબૂત છે એ બધા જાણે છે. હું અને બજરંગ પુનિયા ગૃહમંત્રીને મળ્યાં. અમે છોકરીઓનાં નામ લીધાં અને તેમને કુસ્તી બચાવવા કહ્યું, પણ કંઈ થયું નહીં.
નવા પ્રમુખ તરીકે ચૂંટાયેલા સંજય સિંહ બ્રિજભૂષણ સિંહના ભાગીદાર છે. જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહ અને તેમના જેવા લોકો કુસ્તી સંગઠન સાથે જોડાયેલા છે ત્યાં સુધી ન્યાયની કોઈ આશા નથી. આવી સ્થિતિમાં હું આજથી જ મારી કુસ્તી છોડી દઉં છું. આજથી તમે મને મેટ પર જોશો નહીં.
સાક્ષી મલિકે ટેબલ પર પગરખાં મૂકીને કુસ્તીમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.