નવી દિલ્હી41 મિનિટ પેહલા
- કૉપી લિંક
23 જુલાઈએ કેન્દ્રીય બજેટ 2024-25 રજૂ કરવામાં આવશે. એની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બજેટ સંબંધિત દસ્તાવેજોના પ્રિન્ટિંગની શરૂઆત સાથે આજે સાંજે (16 જુલાઈ) પરંપરાગત હલવા સેરેમની યોજાઈ હતી. આ ઘટના દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં બની હતી.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શેર કરવામાં આવ્યો છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે મંત્રાલયના અધિકારીઓને હલવો પીરસ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી ડો. ભગવત કિશનરાવ કરાડ, પંકજ ચૌધરી અને નાણાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત સાતમી વખત બજેટ રજૂ કરશે. આવું કરનાર તેઓ દેશનાં પ્રથમ નાણામંત્રી બનશે. આ પહેલાં મોરારજી દેસાઈએ સતત 6 બજેટ રજૂ કર્યાં હતાં. આ બજેટ નવી સરકારનું પ્રથમ પૂર્ણ બજેટ હશે. સરકારે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ સત્ર 22 જુલાઈથી 12 ઓગસ્ટ સુધી ચાલશે.
કોવિડ-19ને કારણે બે વર્ષથી હલવા સેરેમનીની ઉજવણી ન થઈ
બજેટ ફાઇનલ થતાં પહેલાં નાણાં મંત્રાલયમાં હલવો બનાવવામાં આવે છે. આ પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. મીઠાઈથી શુભ કાર્યની શરૂઆત કરવી એ હલવા સમારોહની ઉજવણીનું મુખ્ય કારણ છે. આ પરંપરા 2021 અને 2022માં COVID-19 મહામારીને કારણે ઊજવવામાં આવી ન હતી. એના બદલે મુખ્ય કર્મચારીઓને કોવિડ પ્રોટોકોલને અનુસરીને મીઠાઈ આપવામાં આવી હતી.
બજેટ રજૂ ન થાય ત્યાં સુધી બજેટ સાથે સંકળાયેલા કર્મચારીઓ નજરકેદ
હલવા સેરેમની પછી બજેટ છાપવાની પ્રક્રિયા શરૂ થાય છે. એની રજૂઆત સુધી પ્રિન્ટિંગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને સહાયક સ્ટાફ મંત્રાલયમાં બંધ રહે છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓને તેમના ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. બજેટ રજૂ ન થાય ત્યાં સુધી તેઓ તેમના પરિવારને પણ મળી શકતા નથી. એનો હેતુ બજેટને ગોપનીય રાખવાનો છે. 1950માં બજેટની કોપી લીક થયા બાદ કર્મચારીઓને નજરકેદ (ઓફિસમાં રહીને) રાખવાની પરંપરા શરૂ થઈ હતી.
આ બજેટ ટેક્સ રાહત અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે
- આ બજેટમાં મધ્યમવર્ગને કરમુક્તિ, મહિલા સશક્તીકરણ, ખેડૂતોની આવક વધારવા અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે.
- સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ ₹50,000થી વધારીને ₹1,00,000 કરવામાં આવી શકે છે.
- ડિફેન્સ, રેલવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ ઘણી જાહેરાતો થઈ શકે છે.
- સ્ટાર્ટઅપ્સ પર લાદવામાં આવતા એન્જલ ટેક્સને ઘટાડવાનું વિચારી શકે છે.
- ઇલેક્ટ્રોનિક્સ પેટા એસેમ્બ્લી અને ઘટકો માટે ₹40,000 કરોડની PLI સ્કીમની શક્યતા છે.
- નાદારી અને બેન્કરપ્સી કોડ (IBC) 2.0માં સુધારા લાવી શકાય છે.
- આંધ્રપ્રદેશને 1 લાખ કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ મળી શકે છે.
વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું
આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાવાની હતી, તેથી સરકારે 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલાએ પોતાના બજેટમાં ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર કેન્દ્રિત કર્યું હતું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુ., 2024ના રોજ 58 મિનિટનું બજેટ-ભાષણ આપ્યું હતું.
પૂર્ણ અને ઇન્ટેરિમ બજેટ શું છે? એમની વચ્ચે શું તફાવત છે?
નિર્મલા બનાવશે નવો રેકોર્ડ, મોરારજી દેસાઈએ સતત છ વખત બજેટ રજૂ કર્યું
નિર્મલા 23 જુલાઈના રોજ બજેટ રજૂ કરતી વખતે સતત સાતમી વખત આમ કરનાર દેશનાં પ્રથમ નાણામંત્રી બનશે. આ પહેલાં મોરારજી દેસાઈએ સતત છ બજેટ રજૂ કર્યાં હતાં. જોકે મોરારજીએ વધુમાં વધુ 10 વખત બજેટ રજૂ કર્યાં હતાં. તેમના પછી પી. ચિદમ્બરમ અને પ્રણવ મુખર્જીએ 9 વખત બજેટ રજૂ કર્યાં, યશવંત રાવ ચવ્હાણ, સીડી દેશમુખ અને યશવંત સિંહાએ 7 વખત બજેટ રજૂ કર્યાં. મનમોહન સિંહ અને ટી. કૃષ્ણમાચારીએ 6 વખત બજેટ રજૂ કર્યાં છે.