31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)એ શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું કે, ઈઝરયેલ ઘણા દાયકાઓથી પેલેસ્ટિનિયન વિસ્તારો પર ગેરકાયદેસર કબજો કરી રહ્યું છે અને તેને જલદીથી ખતમ કરી દેવો જોઈએ. ઇઝરાયલે 1967માં આરબ દેશોને હરાવી પશ્ચિમ કાંઠે, પૂર્વ જેરુસલેમ અને ગાઝા પટ્ટી પર કબજો કર્યો હતો. ICJએ આ ટિપ્પણી ફક્ત આ ક્ષેત્રોને લઈને કરી છે.
આઈસીજેએ કહ્યું કે ઈઝરાયલે પોતાની શક્તિનો દુરુપયોગ કરીને પેલેસ્ટાઈનના અધિકારો છીનવી લીધા છે. તે આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. આટલા વર્ષો સુધી આ વિસ્તારોમાં શાસન કરવા બદલ ઈઝરાયલે પેલેસ્ટાઈનીઓને વળતર આપવું જોઈએ.
ટાઈમ્સ ઓફ ઈઝરાયલના અહેવાલ મુજબ ICJના નિર્ણય બાદ પશ્ચિમ કાંઠે વસેલા ઈઝરાયલના લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો હતો. તેઓએ પશ્ચિમ કાંઠે આવેલા પેલેસ્ટિનિયન ગામ બુરીનમાં આગ લગાડી.
ICJના નિર્ણય પછી, ઇઝરાયલીઓએ વેસ્ટ બેંક નજીક પેલેસ્ટિનિયન વસતિવાળા બુરિન ગામમાં આગ લગાવી દીધી.
નેતન્યાહુએ કહ્યું- જેરુસલેમ હંમેશા ઈઝરાયેલનું છે
ICJના નિર્ણય બાદ પીએમ નેતન્યાહુએ એક નિવેદનમાં કહ્યું કે યહૂદી લોકોએ પેલેસ્ટાઈનની જમીન પર કબજો કર્યો નથી. તેઓ જ્યાં રહે છે તે તેમની પોતાની જમીન છે. જેરુસલેમ કબજે કરેલી જમીન નથી પરંતુ ઈઝરાયલની રાજધાની છે. આ આજથી નથી, આ હંમેશા ઇઝરાયલીઓની ભૂમિ રહી છે.
15માંથી 11 ન્યાયાધીશોએ ઈઝરાયેલ વિરુદ્ધ ચુકાદો આપ્યો
ICJમાં 15 જજો છે જેમાંથી 11 જજોએ ઈઝરાયલ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. રોઇટર્સના અહેવાલ મુજબ, ICJનો આ નિર્ણય માત્ર એક સલાહ છે જેને સ્વીકારવા માટે ઇઝરાયેલને દબાણ કરી શકાય નહીં. જો કે, સંયુક્ત રાષ્ટ્રમાં પેલેસ્ટિનિયન રાજદૂત રિયાદ મન્સૂરે આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી અને ICJનો આભાર માન્યો.