પેરીસ એરપોર્ટ ફ્યુઅલિંગ પર આવેલા વિમાન જપ્ત કરવાનો મામલો
દિલ્હીના ઇમીગ્રેશન માફિયા શશી રેડ્ડી ની સંડોવણી ખુલીઃ દુબઇથી ૩૦ કરોડમાં વિમાન ભાડે લઇને મુસાફરોને નિકારાગુઆ એરપોર્ટ લઇ જવાતા હતા
Updated: Dec 23rd, 2023
અમદાવાદ,
શનિવાર
ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર ફ્યુઅલિંગ માટે લેન્ડ થયેલા વિમાનમાં
મુસાફરી કરતા ૨૬૦ જેટલા ભારતીય મુસાફરોને માનવ તસ્કરી હેઠળ લઇ જતા હોવાની આશંકાને આઘારે
કરવામાં આવેલી પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં ૨૬૦ મુસાફરો પૈકી ૯૬ મુસાફરો
ગુજરાતીઓ છે. જ્યારે અન્ય મુસાફરો,
પંજાબ , હરિયાણા સહિતના
રાજ્યોના છે. આ તમામ મુસાફરોને દુબઇથી ખાસ ભાડે કરાયેલા વિમાનમાં નિકારાગુઆ એરપોર્ટ
પર લઇ જવામાં આવી રહ્યા હતા. જ્યાંથી તેમને
મેક્સિકો લાઇનથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં મોકલવાના હતા.
જે અત્યાર સુધીમાં કરવામાં આવતી કબુતરબાજીનું આ સૌથી મોટું કૌભાંડ બહાર આવવાની
શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ફ્રાન્સના પેરિસ એરપોર્ટ પર શુક્રવારે ૨૬૦ ભારતીયોને લઇને જઇ રહેલું ખાનગી વિમાન ફ્યુઅલિંગ
માટે લેન્ડ થયું હતું. જે નિયમિત ફ્લાઇટ ન હોવાને કારણે પેરિસની એરપોર્ટ ઓથોરિટીએ તપાસ
કરતા તે સેન્ટ્લ અમેરિકા પાસે આવેલા નિકારાગુઆ દેશના એરપોર્ટ પર જઇ રહ્યું હતું. આ
રૂટ પરથી સૌથી વધારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુષણખોરી કરવામાં આવતી હતી અને વિમાનમાં
૨૬૦ જેટલા ભારતીય મુસાફરો હોવાથી શંકાને આધારે
વિમાનને રોકીને પુછપરછ કરવામાં આવતા તમામ ભારતીય લોકો ગેરકાયદેસર રીતે મેક્સિકો લાઇનથી
અમેરિકા જતા હોવાની વિગતો સામે આવી હતી. જેના આધારે સ્થાનિક એથોરિટીએ વિમાને જપ્ત કરીને આ અંગે ભારતીય એમ્બેસીને જાણ કરીને પેસેન્જરોના
યાદી પણ મોકલવામાં આવી હતી.જેમાં ૯૬ જેટલા
ગુજરાતીઓ છે.
આ ગુજરાતીઓમાં મોટાભાગના પટેલ,
ચૌધરી અને રાજપુત સમાજના હોવાનું જાણવા મળ્યું છે. જે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગરના કલોલના
રહેવાસી છે. આ સમગ્ર રેકેટ દિલ્હીનો
શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદથી ચલાવતો હતો. તે અમેરિકા જવા ઇચ્છતા
લોકો પાસેથી ૭૦ થી ૮૦ લાખ રૂપિયા લેતો હતો. જેમાં બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાથી માંડીને મેક્સિકો લાઇન સુધીની લીંકને સાચવતો હતો. શશી રેડ્ડી અને તેની સાથે સંકળાયેલા લોકો અગાઉ પાંચ ફ્લાઇટમાં પેરિસ એરપોર્ટથી જ ફ્યુઅલિંગ કરાવી
ચુક્યા હોવાનો ખુલાસો થયો છે. આમ, તેણે ૧૨૦૦ વધારે લોકોને
ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા.
ગેરકાયદેસર રીતે અમેરિકા જતા લોકોની પુછપરછમાં જાણવા મળ્યું
હતું કે તેમને શશી રેડ્ડી અને તેની સાથે સંકળાયેલા લોકો પહેલા તેમને ભારતથી દુબઇ લઇ
જતા હતા. જ્યાંથી ખાનગી એરલાઇનનું વિશેષ વિમાન
કરોડો રૂપિયાના ભાડે લઇને તેમાં પેસેન્જરોને દુબઇથી નિકારાગુઆ એરપોર્ટ લઇ જવાતા હતા. જો કે આ રૂટ પર
વિમાનમાં ફ્યુઅલિંગ જરૂરી હોવાથી પેરિસ એરપોર્ટ ઉતરવું જરૂરી હોય છે. જે બાદ નિકારાગુઆ
પહોચીને ત્યાંથી ૩૨૦૦ કિલોમીટરનો રસ્તો કાર કે અન્ય વાહનમાં કાપીને મેક્સિકો બોર્ડરથી
અમેરિકા મોકલવાના હતા. અમેરિકામાં ગેરકાયદેસર રીતે મોકલવા માટે વિવિધ પેકેજ ઓફર કરવામાં
આવતા હતા. જેમાં એક વ્યક્તિ માટે ઓછામાં ઓછી ૮૦ લાખની રકમ અને થોડી વધારે સુવિદ્યા
જોઇતી હોય તો તે રકમ એક કરોડ સુધીની હતી. જો
બે વ્યક્તિ અમેરિકા જવા ઇચ્છતા હોય તો પેકેજમાં ૧.૩૦ કરોડ રૂપિયા અને જો ત્રણ વ્યક્તિ
કે ફેમિલી હોય તો તેમના માટેના પેકેજની કિંમત રૂપિયા ૨.૧૦ કરોડથી ૨.૩૦ કરોડ હતી. જેમાં
અડધા નાણાંની ચુકવણી પહેલા અને બાકીના અડધા નાણાંની ચુકવણી મેક્સિકો બોર્ડર પર પહોંચે
ત્યારે કરવામાં આવતી હતી. શશી રેડ્ડી માટે ઉત્તર ગુજરાતમાં ૧૦થી વધુ એજન્ટ કામ કરતા
હતા અને તેનું નેટવર્ક સમગ્ર ભારતમાં ફેલાયેલું હોવાનુ પણ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે કલોલના ડીગુંચાના અને અન્ય કેસમાં સીઆઇડી ક્રાઇમ
દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે બાદ હવે ૯૬ જેટલા ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જતા મળી આવતા સીઆઇડી ક્રાઇમ દ્વારા વિશેષ
ટીમ બનાવીને તપાસ કરવામાં આવી શકે છે અને કબુતરબાજીને લગતા અત્યાર સુધીના સૌથી મોટા
ખુલાસા થઇ શકે છે.