વડીલો પાર્જિત મિલકત બાબતે વિવાદની અદાવત રાખીને તકરાર કરી
પરિવાર ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી
Updated: Dec 23rd, 2023
અમદાવાદ, શનિવાર
વસ્ત્રાલમાં પરિણીતાના ઘરમાં ઘૂસીને જેઠે છેડતી કરીને માર માર હતી. એટલું જ નહી બુમાબુમ થતાં પતિ આવી જતા જેઠ ઘરમાંથી બહાર નીકળીને ઘરના દરવાજા અને જાળીમાં તલવારથી તોડફોડ કરીને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બંને ભાઇઓ વચ્ચે વડીલો પાર્જિત મિલ્કતને લઇને વિવાદ ચાલતો હતો તેની અદાવતમાં હુમલો કર્યો હતો. આ અંગે ભાભીએ જેઠ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નાંેધાવી છે.
ભત્રીજીને પણ તલવારનો હાથો માર્યા ઃ પરિવાર ઉપર હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ભાભીએ રામોલમાં ફરિયાદ કરી
વસ્ત્રાલમાં રહેતી ૩૬ વર્ષીય પરિણીતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ઓઢવમાં રહેતા સગા જેઠ સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૧ના રોજ બપોરે પરિણીતા ઘરનું કામકાજ કરતી હતી અને પુત્રી ટયુશન જવા માટે બપોરે નીકળી રહી હતી ત્યારે જેઠ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તેમજ પરિણીતાએ જેઠને ગાળો બોલવાની ના પાડતા જેઠે ભાભીનો હાથ પડીને શારીરીક અડપલાં કરીને છેડતી કરી હતી. જેથી પરિણીતાએ જેઠને ધક્કો મારીને દૂર ખસેડી દીધો હતો આ સમયે ત્યારે બુમાબુમ થતા પતિ બાથરૃમમાંથી બહાર આવતા જેઠે ગાળો ભાંડી હતી.
મહિલાએ ઘરનો દરવાજો બંધ કરીને જેઠને બહાર કાઢી દીધા હતા. જેથી જેઠે તલવારથી બાઈક, ઘરના દરવાજા અને જાળીમાં હથોડો અને તલવાર મારીને તોડફોડ કરી હતી અને આખા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયો હતો. આ બનાવ અંગે પરિણીતાએ જેઠ સામે છેડતી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પારિવારિક મિલકત બાબતે બંને ભાઈઓ વચ્ચે તકરાર ચાલતી હતી જે બાબતને લઈને ઝઘડો કર્યો હતો.