બારામુલ્લાઅમુક પળો પેહલા
- કૉપી લિંક
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં નિવૃત્ત SSP શફીની હત્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારની ઘેરાબંધી કરી છે.
જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે. નિવૃત્ત SSP મોહમ્મદ શફીની રવિવારે (24 ડિસેમ્બર) સવારે બારામુલ્લાના ગેન્ટમુલ્લામાં આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી.
જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, મોહમ્મદ શફી મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા. આ દરમિયાન આતંકીઓ મસ્જિદની અંદર ઘૂસી ગયા અને મોહમ્મદ શફી પર ગોળીબાર વરસાવી હતી. આ ઘટના બાદ શફીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત થયું હતું.
CRPFએ વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી છે. આ ઘટનાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધ પણ શરૂ કરી દેવામાં આવી છે.
નિવૃત્ત SSP મોહમ્મદ શફીને આતંકવાદીઓએ મસ્જિદમાં ગોળી મારી હતી.
રાજૌરીમાં ઘાત લગાવીને હુમલો, 5 જવાન શહીદ થયા હતા
કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુરનકોટમાં ગુરુવારે (21 ડિસેમ્બર) આતંકવાદીઓ દ્વારા સેનાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં 5 જવાન શહીદ થયા હતા.
થાનામંડી-સુરનકોટ રોડ પર ડેરા કી ગલી નામના વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. બપોરે 3 વાગે જ્યારે સેનાની મારુતિ જીપ્સી અને એક ટ્રક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.
પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટ (PAFF) એ હુમલાની જવાબદારી લીધી હતી. આતંકવાદીઓએ સોશ્યિલ મીડિયા પર હુમલાની જગ્યાની તસવીરો પણ જાહેર કરી હતી, જેમાં એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
શહીદ થયેલા જવાનોની ઓળખ નાઈક બિરેન્દ્ર સિંહ, નાઈક કરણ કુમાર, રાઈફલમેન ચંદન કુમાર, રાઈફલમેન ગૌતમ કુમાર તરીકે થઈ છે. સેનાએ પાંચમા શહીદના નામનો ખુલાસો કર્યો નથી. હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ડેરા કી ગલી અને બુફલિયાઝમાં ઘૂસી આવેલા આતંકવાદીઓએ કાફલા પર અમેરિકન એમ-4 એસોલ્ટ રાઇફલ્સમાંથી સ્ટીલની ગોળીઓ વરસાવી હતી
ચાર આતંકવાદીઓએ હુમલો કર્યો
રાજૌરી હુમલો ચાર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓએ અમેરિકન એમ-4 કાર્બાઈન એસોલ્ટ રાઈફલમાંથી સ્ટીલની ગોળીઓ ચલાવી હતી. આ સ્ટીલ બુલેટ સૈન્યના વાહનોની જાડી લોખંડની નેટમાંથી પસાર થઈને સૈનિકોને વાગી હતી. જેમાં પાંચ જવાનો શહીદ થયા હતા. બે જવાનો ઘાયલ છે, જેમની હાલત ગંભીર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એમ-4 રાઈફલ પાકિસ્તાની હેન્ડલર પાસેથી આતંકીઓ પાસે આવી હતી. આ રાઈફલ એ શસ્ત્રાગારનો એક ભાગ છે જે અમેરિકન દળોએ અફઘાનિસ્તાન છોડતી વખતે ત્યાં છોડી દીધી હતી.